અંબાજી આસપાસ આદિવાસી બાળકો પરિવારને કઈ રીતે ટેકો આપે છે?

| Updated: July 3, 2021 2:49 pm

કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી મોટા ભાગના બાળકો મોબાઈલ કે ટેબ્લેટની મદદથી ભણી રહ્યા છે, પણ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આસપાસ આદિવાસી બાળકો આટલા નસીબદાર નથી.

હાલની સ્થિતિમાં તેઓ જાંબુ, બોર, ટીમરૂ, આંબલી વગેરે વેચીને પરિવારને ટેકો આપવા પ્રયાસ કરે છે.

અરવલ્લીની ગિરિમાળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં રહે છે. બનાસકાંઠાના વડામથક પાલનપુરથી લગભગ 60 કિલોમીટર દૂર અંબાજી અને આસપાસના નાના ગામડાના બાળકોના હાથમાં મોબાઈલ કે નોટબૂક નથી.

તેઓ પોતાનું ભણતર છોડીને, આ માર્ગ પરથી પસાર થતા લોકોને જાંબુ અને અન્ય ચીજો વેચે છે. પરિવારને આર્થિક ટેકો આપવા માટે તેમની પાસે એક જ વિકલ્પ છે.

અમે અહીં સમીર નામના બાળક સાથે વાત કરી. તેણે કહ્યું કે, “હું માત્ર એક જ વર્ષ ભણવા ગયો હતો. ત્યારબાદ મેં શાળાએ જવાનું છોડી દીધું અને આ માર્ગ પર અવરજવર કરતાં વાહનચાલકોને સિઝન પ્રમાણે ઉગતા કંદમૂળ કે ફળ વેચીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.”

તેણે દાવો કર્યો કે તે જાંબુ અને બીજા કંદમૂળ વેચીને રોજના બસ્સોથી ત્રણસો રૂપિયા કમાઈ શકે છે.

પાંચમા ધોરણમાં ભણતી મંજુ નામની એક છોકરીએ જણાવ્યું કે, “અત્યારે શાળા બંધ હોવાથી ઘરની આસપાસ જંગલમાં ઉગતા જાંબુ તોડીને વાહનચાલકોને વેચું છું અને રૂપિયા કમાઉં છું.મારી સાથે ઉભા રહેતા ઘણા બાળકોએ અધવચ્ચેથી શાળા છોડી દીધી છે. અમારી સાથે લગભગ 20 બાળકો જાંબુ અને બીજી વસ્તુઓ વેચી રહ્યા છે.”

અહીં દાંતા તાલુકામાં આદિવાસીઓ બહુમતીમાં છે અને તેમનામાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે. આ વિસ્તારમાં ઘણા ઘરોમાં લાઇટની સગવડ પણ નથી. સમાજના લોકો મુખ્યત્વે ખેતીવાડી અને મજૂરીથી પોતાનું ગુજરાન ચલાવે છે. દાંતા તાલુકામાં 212 જેટલા નાના ગામો છે જેમાં 80 ટકા કરતા વધુ ગામોમાં આદિવાસીઓની બહુમતી છે.

ધૂળાભાઈ પરમાર નામના એક વાલીએ કહ્યું કે શાળા બંધ હોવાના કારણે બાળકો જંગલમાં ઉગતા જાંબુ, બોર, ટીમરૂ, આંબલી, કોઠા અને કંકોડા જેવા ફળ માર્ગ ઉપરથી પસાર થતા લોકોને વેચે છે. ઘણાએ આગળ ભણવાનું પણ છોડી દીધું છે.

પાનસા ગામના સરપંચ કમુબેન દલપત ભાઈ પરમારે કહ્યું કે અમારા પહાડી અને આદિવાસી વિસ્તારમાં આ સમસ્યા પહેલેથી છે. અગાઉ બાળકો શાળાએ જતા ત્યારે શાળામાંથી છૂટ્યા પછી પરિવારને મદદ કરવા માટે અહીં જંગલમાં ઉગતા શાકભાજી અને ફળ વેચે છે. 

ધાબાવાળીવાવ પ્રાથમિક શાળાના આચાર્ય કમુભાઈ દેવડાએ જણાવ્યું કે અમારી પ્રાથમિક શાળામાં 1થી 5 ધોરણમાં 122 બાળકો અભ્યાસ કરે છે. અત્યારે શાળા બંધ છે પણ અમે જ્ઞાનસેતુ અને બીજી અભ્યાસ સંબંધિત પુસ્તિકાઓ વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડીએ છીએ.

તેમણે કહ્યું કે આ શાળાના બાળકો કોરોના પહેલા નિયમિત શાળાએ આવતા હતા અને શાળામાંથી છૂટયા બાદ પોતાના પરિવારને મદદરૂપ થવા માટે જાંબુ, બોર ટીમરુ અને કંકોડા જેવા વસ્તુઓ વેચીને પોતાના પરિવારને રોજગારમાં મદદરૂપ થતા હોય છે.

(આ અહેવાલ માટે બાળકોના નામ બદલ્યાં છે)

શક્તિસિંહ રાજપુત, અંબાજી

Your email address will not be published.