અમૂલે કેનેડામાં ટ્રેડમાર્ક ભંગના કેસમાં વિજય મેળવ્યો

| Updated: July 12, 2021 2:44 pm

કેનેડામાં અમૂલ બ્રાન્ડનો ગેરકાયદે ઉપયોગ કરનારા લોકો વિરુદ્ધ અમૂલે વિજય મેળવ્યો છે. અમૂલ બ્રાન્ડનો ખોટી રીતે ઉપયોગ કરનારને કેનેડાની કોર્ટે 32,733 ડોલરની ચુકવણીનો આદેશ કર્યો છે.

બનાવટી રીતે અમૂલના નામનો ઉપયોગ કરનારાને ટ્રેડ માર્ક ભંગની નુકશાની પેટે 10 હજાર ડોલર, કોપીરાઈટ એક્ટના ભંગ બદલ 5 હજાર ડોલર તથા ખર્ચ પેટે 17 હજાર 733 ડોલર મળી કુલ 32733 ડોલર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. ટ્રેડમાર્ક ભંગના કેસમાં ફેડરલ કોર્ટ, કેનેડાનો હૂકમ પોતાની તરફેણમાં મેળવવામાં અમૂલને સફળતા હાંસલ થઈ છે.

જાન્યુઆરી 2020માં અમૂલને માહિતી મળી હતી કે કેનેડામાં ‘અમૂલ’ના ટ્રેડમાર્ક અને ‘અમૂલ-ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ના લોગોની ખૂલ્લેઆમ નકલ કરીને લિંક્ડઇન પ્લેટફોર્મ પર અમૂલની ફેક પ્રોફાઈલ તૈયાર કરાઇ છે. ફેડરલ કોર્ટ ઓફ કેનેડામાં મોહિત રાણા, આકાશ ઘોષ, ચંદુ દાસ અને પટેલ સામે લિંક્ડઇન ઉપર આ છેતરામણી પ્રોફાઈલ મૂકવા સામે કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓએ એક પણ વખત પ્રતિભાવ આપ્યો નહોતો. ત્યારબાદ અમૂલે એક તરફી ડિફોલ્ટ જજમેન્ટ માટે અરજી કરી હતી.

અમૂલે કોર્ટમાં જણાવ્યું હતું કે, અમૂલની પોતાની શાખનું અસ્તિત્વ છે અને આરોપીઓ ખોટી રજૂઆત કરીને જનતાને છેતરવાના પ્રયાસ કરેલ છે. આ રીતે વેપાર કરવાથી અમૂલને પણ નુકશાન થયુ છે, તેથી  ફેડરલ કોર્ટ ઓફ કેનેડાએ પણ કહ્યુ હતું કે આરોપીઓએ અમૂલ જેવી વિશ્વવિખ્યાત કોપી રાઈટનો ભંગ કર્યો છે. કોર્ટે ચૂકાદો આપ્યાના 30 દિવસની અંદર આરોપીઓએ ‘અમૂલ’ અને ‘અમૂલ -ધ ટેસ્ટ ઓફ ઈન્ડીયા’નો લોગો પરત કરવા કહ્યું છે. આરોપીઓને લોગોની માલિકી, સંપર્ક અધિકાર અને તમામ હક્કો લિંક્ડઇન પેજિસ/એકાઉન્ટસ ડોમેઈનના નામ અને સોશિયલ મિડીયા પેજીસ પરના તમામ હક તબ્દીલ કરવા જણાવાયું છે.

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું કે, “અમારી સતર્કતા તથા તાત્કાલિક સપોર્ટિંગ દસ્તાવેજો પૂરાં પાડવાના કારણે આ બધું શક્ય બન્યું છે. ઘેર ઘેર જાણીતી બનેલી બ્રાન્ડ અમૂલ સાથે જોડાયેલા હોવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ. કેનેડાએ ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ની ઓળખને માન્યતા આપી છે તે આનંદની વાત છે.”

અમૂલ તરફથી એડવોકેટ તરીકે સુહરિતા મજુમદાર, આઈપી લોયર, એસ મજુમદાર એન્ડ કંપની, નવી દિલ્હી અને કેનેડા તરફથી એડવોકેટ તરીકે માઈકલ એડમ, આઈપી લૉયર, રીચીઝ મેકેન્ઝી એન્ડ હર્બટ એલએલપી કેસ લડ્યા હતા.

Your email address will not be published.