ડીસાના આરટીઓ ચાર રસ્તા પર મસમોટા ખાડાઓ પડવાને કારણે વધુ એક અકસ્માત સર્જાયો

| Updated: November 25, 2021 4:29 pm

ડીસાના આરટીઓ ચાર રસ્તા પર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. જેથી અવારનવાર ખાડામાં વાહનો પટકાતાં અકસ્માતો થઇ રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેવી હતી તેવી જ જોવા મળી રહી છે.

ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રામ પંચાયત હસ્તકમાં આવેલ આરટીઓ ચાર રસ્તા પર ડીસાથી ધાનેરા, ડીસાથી થરાદ, ડીસાથી રાધનપુર તેમજ આરટીઓ ચાર રસ્તાથી પાલનપુર તરફ જવા માટે દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરીટીની બેદરકારીના લીધે ચાર રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.

ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ડામર રોડનું ધોવાણ થયું છે. રોડ પર પડેલા ખાડાઓના કારણે અનેક વાહનચાલકો ખાડામાં પટકાતા અકસ્માત થઈ રહ્યાં છે.

આરટીઓ ચાર રસ્તા પર પડેલા ખાડાઓ પુરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ને અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે ડીસાથી પશુ આહાર તેમજ કરીયાણા નો માલસામાન ભરીને જતું ટ્રેક્ટર ખાડામાં પડી જતાં પલટી ખાઈ જતાં માલસામાન વેરવિખેર થઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

(અહેવાલ: હરેશ ઠાકોર)

Your email address will not be published. Required fields are marked *