વધુ એક GST ચોરી પકડાઈઃ મિષ્ટાન ફૂડના સંચાલકોની કરચોરી પકડાઈ

| Updated: August 2, 2022 12:55 pm

કરમુક્તિનો આપણે લાભ લઈએ પણ કર જવાબદારી આવે ત્યારે તે ભરવાની પણ ફરજ છે, આ સિદ્ધાંતનું પાલન ન કરવું તલોદના મિષ્ટાન ફૂડના સંચાલકોને ભારે પડી ગયું છે. તેઓએ ખોટી રીતે મેળવેલા કરલાભ દ્વારા 72 કરોડની જીએસટીની કરેલી ચોરી પકડી પાડવામાં આવી છે. કંપનીએ જીએસટી નોટિફિકેશનનો ખોટી રીતે ફાયદો ઉઠાવીને બ્રાન્ડેડ રાઇસ અને યુનિક કન્ટેનરનો ઉપયોગ કરી જીએસટી મુક્તિ મેળવવા બહાર વેચાણ કરી ભરવા પાત્ર જીએસટી ભર્યો ન હોવાનું જીએસટી અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું.

સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કમિશ્નર (સીજીએસટી) કચેરીની ટીમો દ્વારા મિષ્ટાન ફૂડ લિમિટેડની વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતો અને એડવાન્સ એનાલિટિક્સ ઇન ઇનડાયરેક્ટ ટેક્સેશનની ઉપલબ્ધ વિગતોની સ્ક્રુટિની કરવા દરમિયાન કંપની બ્રાન્ડેડ ચોખાનું આંતરરાજ્ય વેચાણ કરતી હોવા છતાં તેના પર જીએસટી ચૂકવતી ન હતી અને આ ઉપરાંત તેણે 2017માં અમલી બનાવાયેલા જીએસટી નોટિફિકેશનનો ફાયદો ઉઠાવી ખોટી રીતે કરલાભ પણ મેળવ્યા હોવાનું ધ્યાન પર આવતા તપાસ શરૂ કરાઈ હતી.

આ તપાસમાં બહાર આવ્યું હતું કે મિષ્ટાન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક કિલોથી માંડીને 60 કિલો સુધીના પેકિંગના વિવિધ ક્વોલિટી અને ગ્રેડના બાસમતી રાઇસનું વેચાણ જરૂરી જીએસટી ભર્યા વગર કરવામાં આવી રહ્યું હતું. ફક્ત એટલું જ નહી જીએસટીમાંથી મુક્તિ આપતા વર્ષ 2017ના બંને નોટિફિકેશનનો ગેરફાયદો પણ લેવામાં આવી રહ્યો હતો. તેથી વિભાગે પેકેજિંગ મટીરિયલ પૂરા પાડતી કલોલની બંને ફેકટરીમાં તપાસ હાથ ધરીને કેટલા કિલોની કેટલી બેગો બનાવવામાં આવી હતી તેની વિગતો અંકે કરી હતી.

તેના પછી કંપનીના હિસાબોની ચકાસણી કવામાં આવી હતી. આ તપાસમાં કંપનીએ 1,450 કરોડ રૂપિયાના બાસમતી ચોખાનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તેના પછી તલસ્પર્શી તપાસના પગલે લગભગ 90 ટકા સપ્લાય મિષ્ટાન શોપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને થયું હોવાનું અને કંપની સમગ્ર દેશમાં વેચાણ કરતી હોવાનું માલૂમ પડ્યું હતું.

કંપનીએ જીએસટી ચોરી પ્રસ્થાપિત થયા પછી કંપનીની તપાસમાં ખરીદ વેચાણોમાં શંકાસ્પદ નામો મળી આવ્યા હતા. કેટલાય સંસ્થાઓના નામ સરનામા ન હતા તો કેટલાય સ્થળોએ ઓફિસો બંધ થઈ ગઈ હતી. તેના પગલે કરચોરીની મોટી સંભાવનાના પગલે કંપનીના એમડી હિતેશ પટેલને છેલ્લા 15થી 20 મહિનામાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા. છેવટે તેમને ધરપકડ કરવામાં આવતા તેમણે 72.35 કરોડની કરચોરી કર્યાનું બહાર આવ્યું હતું. હિતેશ પટેલ વિદેશ ભાગી ન જાય તે માટે બધે એલર્ટ કરી દેવાતા ઇમિગ્રેશન પોઇન્ટ પર જ તેમની અટકાયત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તપાસ ચાલતી હોવા દરમિયાન પણ કંપનીએ કૌભાંડ જારી રાખ્યું હતું અને તે જીએસટી રિટર્ન ભરતી જ ન હતી.

Your email address will not be published.