રાજ્ય ગૃહ વિભાગ કંઇ પણ કરી લે પરંતુ બુટલેગરો તો એક પછી એક નવો કિમીયો કરી દારુ રાજ્યમાં ઘુસાડી દેશે જ તે નક્કી છે. એસજી હાઇવે ગોતા બ્રીજથી સરખેજ જતા રોડ પર પોલીસ કમિશનરના સ્કવોર્ડે સોમવારે સવારે એક કારને પકડી પાડી હતી. આ કારમાં પાછળની બાજુમાં પોલીસની કારમાં હોય તેવા કલર સાથેના સિમ્બોલ લગાવેલા હતા. આગળ પાછળ નંબર પ્લેટ પર બ્લુ અને રેડ કલરના પટ્ટા લગાવેલા હતા. કારમાંથી ખોખરાનો લીસ્ટેડ બુટલેગર વાસુગીરી અને તેનો સાગરતી પકડાયો હતો. આરોપી પાસેથી 1.23 લાખનો દારુ સહિત કુલ 6.39 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.
શહેરમાં દારુ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા હોવાનું નકારી શકાય તેમ નથી. એક તરફ સ્ટેટ મોનિટરીંગ સેલ તો બીજી તરફ પોલીસ કમિશનરનો પીસીબી સ્કવોર્ડ રેડો કરવા લાગી ગયો છે. શહેરના ગોતાથી સરખેજ જતા રોડ પર સોલા પોલીસ સ્ટેસનની હદમાં પોલીસ કમિશનરના સ્કવોર્ડે પીછો કરી એક ક્રેટા કારને પકડી પાડી હતી. જેમાં 40 પેટી દારુનો જથ્થો હતો. પોલીસે વાસુગીરી ચતુરગીરી ગૌસ્વામી (રહે.પુષ્કર સીટી, હાથીજણ સર્કલ) અને નિલેશ રાજેન્દ્ર પંડ્યા (રહે. રામનગર સોસાયટી, દસ્ક્રોઇ)ને પકડી પાડ્યો હતો.
કારમાંથી ફ્રુટી પાઉચના રુપમાં પણ દારુનો જથ્થો સંતાડ્યો હતો. આમ પોલીસે 1.23 લાખનો દારુ અને બીયરનો જથ્થો પકડી પાડ્યો હતો. આરોપીઓ બનાસકાંઠાના મેથીપુરા ગામના રહેવાસી વિષ્ણુ, આણંદના સંજય અને અજય પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ત્રણે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. બીજી તરફ શહેરમાં હજુ પણ દારુ વેચાણ થતું હોવાનું પોલીસ રોકવામાં નિષ્ફળ રહી છે.