દેશમાં વીજ અછતની સ્થિતિ માટે કારણભૂત કોલસાની તંગી વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ભરૂચના વાલિયા તાલુકામાંથી એશિયાનો સૌથી મોટો કોલસા ભંડાર મળી આવ્યો છે. હવે જો વર્ષે 30 લાખ ટન કોલસો પણ ઉલેચવામાં આવે તો પણ આગામી 50 વર્ષ સુધી અહીંની ખાણમાંથી સમગ્ર દેશને 50 વર્ષ સુધી લિગ્નાઇટ કોલસો પૂરો પાડી શકાય છે. વાલિયા તાલુકાનો વિસ્તાર 18 ગામમાં પથરાયેલો છે. લગભગ ત્રણ હજાર હેક્ટર જમીન થાય છે.
ભારત હાલમાં તેના વીજમથકો ધમધમતા રાખવા માટે રશિયા સહિત વિદેશમાંથી 33 કરોડ ડોલરના કોલસાની આયાત કરીને કિંમતી વિદેશી હૂંડિયામણ ખર્ચે છે. આ સંજોગોમાં આ સ્થળેથી કોલસાનું સંપાદન કરવા માટે ખાણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ ગુજરાતનો એક વાલિયા તાલુકો જ સમગ્ર દેશને કોલસાના મામલે આત્મનિર્ભર બનાવી દેશે. ખેડૂતો પણ આ માટે તેમની જમીન આપવા તૈયાર છે, પરંતુ આ અંગે તેઓ યોગ્ય વળતરની અપેક્ષા રાખી રહ્યા છે. આમ સરકાર વાલિયા તાલુકામાં જો તાત્કાલિક ધોરણે પગલાં લઈને કોલસાનું માઇનિંગ શરૂ કરે તો દેશને વીજળીના ક્ષેત્રે આત્મનિર્ભર બનતા કોઈ રોકી શકે તેમ નથી.
વાલિયા વિસ્તારમાં લિગ્નાઇટની એક ખાણ આમ પણ છેલ્લા પાંચ-છ વર્ષથી ભાગા, કોસમાડી, રાજગઢ, માંગરોલ તાલુકાના હરસાણી અમે મોરઆંબલી વિસ્તારમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર પ્રોજેક્ટ છે ત્યાં કોલસો પૂરો પાડવાની પ્રક્રિયા હાથ ધરી છે. વાલિયાના સોડગામ, ઉમરગામ, વિઠ્ઠલગામ, રાજગઢ, સીનાડા, તૃણા, ડહેલી, લુણા, ભરાડિયા, જંબુગામ, ચોરાઆમલા, ઇટકલા, કેસર, સિંગલા, ચંદરિયા અને વાંદરિયા જેવા ગામની 3017 હેક્ટર જમીન પાંચ વર્ષ પહેલાથી જ રિઝર્વ કરવામાં આવી છે. ઉમરગામમાં પ્રોજેક્ટના હેતુઓ માટે જીએમડીસીની કચેરી છેલ્લા બે માસથી કાર્યરત છે.
આ ઉપરાંત વાલિયા તાલુકાના ભાગા, કોસમાડી અને રાજગઢની સાથે માંગરોલ તાલુકાના હરસાણી અને મોરઆંબલી વિસ્તારમાં આવેલી જીઆઇપીસીએલની ખાણમાંથી વર્ષે દસ લાખ મેટ્રિક ટન કોલસો કાઢવામાં આવી રહ્યો છે. હજી આ ખાણ દસથી બાર વર્ષ સુધી કોલસો પૂરો પાડી શકે તેમ છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની લિગ્નાઇટ કોલસાની જરૂરિયાત ઝગડિયાના રાજપારડી ખાતે આવેલી ખાણમાંથી પૂરી કરવામાં આવી રહી છે. આ ખાણમાંથી વર્ષે 3.5 લાખ ટન કોલસો કાઢવામાં આવે છે.