કોરોનાના કમઠાણમાં ચૂંટણીનો ચકરાવો અને ડિજિટલ દંગલ

| Updated: January 14, 2022 8:36 pm

દેશના પાંચ મહત્વના રાજ્યોમાં લોકશાહીના મહાયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચે શંખ ફૂંકી દીધો છે. રાજકીય પક્ષોના હાકલા પડકારા અને દાવપેચ શરૂ થઇ ગયા છે. પણ આ વખતની ચૂંટણીમાં એક મહત્વની બાબતની તમામ રાજકીય પક્ષો અને મતદાતાઓ પણ ગેરહાજરી અનુભવી રહ્યા છે. મોટી મોટી રેલીઓ અને “જંગી જાહેરસભાઓ” આ વખતે થવાની સંભાવનાઓ ચૂંટણી પંચે ઓછી કરી નાખી છે. કારણ એક જ, કોરોના. આ કોરોનાના કમઠાણને કારણે આ વખતે રાજકીય પક્ષોને વધુમાં વધુ ડિજિટલ માધ્યમોનો સહારો લેવો પડ્યો છે. જોકે અનિવાર્ય કારણોસર લાગુ કરવી પડેલી આ ફોર્મ્યુલા જો સામાન્ય સંજોગોમાં પણ “હિટ” જાય તેવા સંકેતો મળશે તો ભવિષ્યમાં ચૂંટણીપંચ તેને એક વ્યવસ્થાનો ભાગ બનાવી દે તો નવાઈ નહીં. આવો, જોઈએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં થનારુ રાજકીય દંગલ કઈ રીતે ડિજીટલી લડાશે. આ જંગમાં અંતે કોણ જીતશે અને કોણ હારશે એ તો જનતા જનાર્દન નક્કી કરશે પરંતુ પાંચ રાજ્યોમાં પથારો જે કદનો છે એ જોતા તમામ રાજકીય/ બિનરાજકીય બાબતોને કાયદાની મર્યાદામાં નિયંત્રિત કરવાનો અને ચૂંટણી આચારસંહિતાનું નિષ્પક્ષ પાલન કરાવવાનો ચૂંટણી પંચનો પ્રયાસ કેવોક સફળ થાય છે એ જોવાનું રહ્યું.

સ્વાભાવિક રીતે ચૂંટણીજંગની વાત હોય ત્યારે નાના મોટા રાજકીય પક્ષો વચ્ચેની સ્પર્ધા, ઉમેદવારોની પસંદગી, જ્ઞાતિ-જાતિના સમિકરણો, સ્થાનિક મુદ્દાઓ, પૈસાની રેલમછેલ સહિતની બાબતો છવાયેલી રહેતી હોય છે. આ બધાની સાથે પ્રચારની વિવિધ પરંપરાગત પદ્ધતિઓ જેવી કે રેલીઓ, સભાઓ, પદયાત્રાઓ, ડોર ટુ ડોર કેમ્પેઈન, છાપા- ટીવીમાં જાહેરખબરો વગેરે સિવાય ગત દાયકામાં જનસામાન્ય સુધી પહોંચી ગયેલા ડિજિટલ માધ્યમોનો પ્રભાવશાળી ઉપયોગ પણ અત્યંત મહત્વનું પરિબળ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પર તેની અસરનું વિશ્લેષણ કરતાં પહેલાં કેટલાક રસપ્રદ આંકડા પર નજર કરીએ.

આગામી બે મહિનામાં ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં થનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં ગોવાની 40, મણિપુરની 60, પંજાબની 117, ઉત્તરાખંડની 70 અને ઉત્તરપ્રદેશની ૪૦૩ બેઠકો પર ચૂંટણી જંગ થવાનો છે. કોવિડની ત્રીજી લહેરના ઝડપથી પ્રસરી રહેલા પ્રભાવ વચ્ચે ચૂંટણી પંચ કોવિડ સંરક્ષિત, બિનજરૂરી વિઘ્ન વિનાનું વોટીંગ અને મહત્તમ મતદાનના નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે. તાજા આંકડા મુજબ આ પાંચ રાજ્યોમાં 15 કરોડ નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ અને આશરે 9 કરોડ નાગરિકોએ બંને ડોઝ લીધા છે.

ભારત જેવા વૈવિધ્ય પૂર્ણ દેશમાં આવા ભયજનક રોગચાળાના વાતાવરણમાં ચૂંટણીઓ કરાવવાનું જોખમ લેવું એ ચૂંટણીપંચ માટે મોટો પડકાર છે. જો મતદાતાઓના આંકડા જોઈએ તો ગોવામાં 11, 56 ,762, મણિપુરમાં 20,56,901, પંજાબમાં 2,13,88,764, ઉત્તરાખંડમાં 82,38,187 અને સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 15,05,82,750 એમ કુલ 18 કરોડ 34 લાખ 23 હજાર અને 364 મતદાતા થાય છે.આ ઉપરાંત અંદાજે સવાબાર લાખ જેટલા મતદાતાઓ જુદા. કોવિડના માહોલમાં આટલા બધા મતદારો સુધી પહોંચવા માટે રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં સ્ટાર પ્રચારકોની રેલીઓ, લોકપ્રિય નેતાઓની જંગી જાહેરસભાઓ, વિવિધ પ્રકારની યાત્રાઓ વગેરેથી જનસામાન્ય સુધી પહોંચતા રાજકીય પક્ષો પર આ ચૂંટણીમાં મોટી બ્રેક લાગી છે. 15 જાન્યુઆરી પછી ચૂંટણી પંચ ફરીથી સમીક્ષા કરીને પરંપરાગત રેલીઓ અને સભાઓ કરવી કે નહીં અને કરવી તો કયા પ્રકારે તેનું માર્ગદર્શન આપશે. પરંતુ એ પહેલાં કાતિલ ઠંડીમાં આવી ગયેલા રાજકીય ગરમાવાને ડિજિટલ સાઠિકડાથી ફેલાવવાનો છે, એ તમામ પક્ષો બખૂબી જાણે છે. જો કે રાજકીય પક્ષો માટે એક રીતે આ મોટા ખર્ચ અને સમયની બચત છે. પણ જ્યાં હારજીતના માર્જિન નજીવા મતોથી થવાના હોય ત્યાં ખર્ચની ચિંતા કોઈ નથી . જીતવું એ જ એકમાત્ર ધ્યેય હોય છે.

આ ચૂંટણીજંગ સિવાય પણ તમામ મોટા રાજકીય પક્ષો વર્ષોથી પોતાના આઈ.ટી. સેલ “વ્યવસ્થિત રીતે” ચલાવી રહ્યા છે. હજારો યુવાનોને સીધી કે આડકતરી રોજગારી આપતી આ વ્યવસ્થામાં પક્ષો પોતાની વિચારધારાનો પ્રચાર – પ્રસાર કરવાની સાથે વિરોધપક્ષના વિચારને તોડી પાડવા વિવિધ ડિજિટલ પ્રયુકિતઓનો ઉપયોગ કરતાં પણ અચકાતા નથી. પરિણામે ફેક ન્યુઝ/કન્ટેન્ટ, ગેરમાર્ગે દોરતી પોસ્ટ, તદ્દન ખોટી માહિતીઓ વગેરેનું દંગલ બંને બાજુ શરૂ થઈ જાય છે.

પણ આ દંગલમાં સૌથી મોટી સમસ્યા મતદાતાઓ માટે થાય છે. કારણ કે મહદ અંશે એ ઉશ્કેરણીજનક વિડીયો કે કન્ટેન્ટથી દોરવા જવાની પૂરી સંભાવનાઓ રહે છે. જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ આંકડાઓ જોઈએ તો ઉત્તરપ્રદેશમાં ટ્વિટર પર ભાજપના 29 લાખ, સમાજવાદી પાર્ટીના 28 લાખ અને બસપાના 24 હજાર ફોલોઅર્સ છે. ફેસબુક પર ભાજપના 5 લાખ, સમાજવાદી પાર્ટીના 32 હજાર અને બસપાના 99 હજારથી વધુ ફોલોઅર્સ છે. તો ઇન્સ્ટાગ્રામ પર ભાજપના 82 હજાર અને સપાના 90 હજારથી વધુ ફોલોઅર્સ છે.

પંજાબમાં ટ્વીટર પર ભાજપના 65 હજાર, કોંગ્રેસના 1 લાખ 65 હજાર અને આમ આદમી પાર્ટીના 1 લાખ 46 હજારથી વધુ ફોલોઅર્સ છે.તો ફેસબુક પર ભાજપના 3 લાખ 54 હજાર, કોંગ્રેસના 6 લાખ 17 હજાર અને આપના 17 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઉત્તરાખંડમાં ટ્વીટર પર ભાજપના 1 લાખ 19 હજાર,કોંગ્રેસના 68 હજાર અને આપના 30 હજારથી વધુ ફોલોઅર્સ છે તો ફેસબુક પર ભાજપના 2 લાખ 81 હજાર, કોંગ્રેસના 99 હજાર અને આપના 2 લાખ 88 હજારથી વધુ ફોલોઅર્સ છે.

આમ ડિજિટલ માધ્યમોમાં સંખ્યાની દૃષ્ટિએ ભાજપ અન્ય પક્ષ કરતા થોડૉ આગળ છે. પ્રાદેશિક પક્ષો જેવા કે સપા અને બસપાના આઈટી સેલ થોડા પાછા પડે છે. પરંતુ ડિજિટલ માધ્યમોમાં પક્ષોની ઉપસ્થિતિ અને તેના ફોલોઅર્સના આંકડા પર બહુ જવા જેવું નથી, કારણ કે આ માધ્યમો સિવાય વોટ્સઅપ અને ટેલિગ્રામના ગ્રૂપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગભગ તમામ પક્ષોના ઓછાવત્તા અંશે હાજરી છે. દરેક પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનો, સમૂહો અને વ્યક્તિગત ધોરણે કામ કરતા કાર્યકર્તાઓ આ માધ્યમો પર ઉંમર અને જ્ઞાતિ-જાતિના બાધ વગર સક્રિય રહે છે અને પોતાનું અને વિચારધારાનું વર્તુળ મોટું કરતા જાય છે.ચૂંટણીનો સમય આ સહુ માટે સક્રિય થવાનો છે.

જ્યારે આપણે આ ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા થનારા ડિજિટલ માધ્યમોના ઉપયોગ પર વાત કરી રહ્યા છીએ ત્યારે એ જાણી લેવું જોઈએ કે આ બધી ધામધૂમનો ભાર જે કન્યાના કેડે છે એ ચૂંટણીપંચ પણ ડિજિટલ માધ્યમો પર અત્યંત સક્રિય છે. અને રાજકીય પક્ષોના “બિનસંસદિય દાવપેચ”ને બુઠ્ઠા કરવા અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા પંચનું “આઈ.ટી. સેલ” યાને કે આઇ. ટી. વિભાગ પણ પ્રભાવી રીતે કાર્ય કરે છે. ચૂંટણીપંચના આઇ.ટી. વિભાગ દ્વારા થતી કામગીરીમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ તેનો ક્યાંય ભંગ થતો દેખાય તો તેને રોકવા માંગતા જાગૃત નાગરિકો માટે ઇ વિજીલ એપ, ઉમેદવારોને ઉમેદવારીપત્ર ભરવા સહિતની આનુષગિક સુવિધાઓ માટે સુવિધા પોર્ટલ, સુવિધા કેન્ડિડેટ એપ, સર્વિસ વોટરો માટે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ, દિવ્યાંગોને મતદાન માર્ગદર્શન માટે PwD એપ, મીડિયાને રીઅલ ટાઇમમાં મતદાનના આંકડા મળી રહે એ માટે વોટર ટર્નઆઉટ એપ, મતગણતરીના પરિણામો માટેની ઇસીઆઈ રીઝલ્ટસ વેબસાઈટ, વોટર હેલ્પલાઇન એપ, નેશનલ ગ્રિવીઅનસિસ સર્વિસેસ પોર્ટલ સહિતની ડિજિટલ વ્યવસ્થાઓ હવે ઉપલબ્ધ છે.

આ સુવિધાઓને કારણે ચૂંટણીપંચની કામગીરી માત્ર સરળ જ નથી બની પરંતુ વધુ પારદર્શી પણ થઈ છે. ખાસ તો મતદાતાનું એક નાગરિક તરીકેનું યોગદાન ડિજિટલ સુવિધાઓને કારણે વધ્યું છે. એક સમયે ચૂંટણી આચારસંહિતાનો ભંગ માત્ર રાજકીય પક્ષો વચ્ચેની આક્ષેપબાજી પૂરતો સીમિત રહેતો હતો, હવે ડિજિટલ સુવિધાઓને કારણે સામાન્ય નાગરિક પણ લોકશાહીની આ મહાન પ્રક્રિયામાં સહભાગી બન્યો છે.

જોકે આ બધી બાબતોની સાથે અન્ય પણ ઘણાં પરિબળો જોડાયેલા છે. ભારતની ચૂંટણીઓમાં નાના પક્ષો દ્વારા હંમેશા એવો આરોપ થતો આવ્યો છે જે સત્તાધીશ પક્ષ પાસે વિશાળ સત્તા અને જંગી પ્રચારસાધનો હોય છે જેના થકી એ જનમાનસને હંમેશા પોતાની તરફ વાળી લે છે. આમ તો આ અર્ધસત્ય છે કારણ કે એવું હોત તો કોંગ્રેસે આ દેશમાં ક્યારેય એકચક્રી શાસન ગુમાવ્યું જ ન હોત કારણ કે જનમાનસ પર અસર કરી શકતા આકાશવાણી, દૂરદર્શન અને નવી ટેલિકમ્યુનિકેશન વ્યવસ્થાનું શ્રેય કોંગ્રેસને છે. પરંતુ પ્રચાર માધ્યમોનો ઉપયોગ કે દુરુપયોગ માત્ર જીતની ખાતરી ક્યારેય નથી આપતો.

સોશિયલ મીડિયામાં સમાચારો અને સંવાદ માટે નવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં ઝડપ તો છે પરંતુ તેના પર સ્વાભાવિક નિયંત્રણ અને પારદર્શિતાનો અભાવ છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં આ વ્યવસ્થાને “પોસ્ટ ટ્રુથ” સાથે જોડવામાં આવી રહી છે. અરુણકુમાર ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે રાજનીતિના પ્રાધ્યાપક પ્રો.રોનાલ્ડ ડીબર્ટના મતાનુસાર કોવીડકાળમાં ડિજિટલ માધ્યમોએ લોકોની રક્ષા કરી છે, નોકરીઓ, શિક્ષણ, ખરીદ વેચાણ અને અન્ય તમામ સામાન્ય વ્યવહારો તેના કારણે સરળતાથી ચાલ્યા છે. તમામ નકારાત્મક બાબતો સાથે પણ તેણે મિત્રો અને પરિવારને જોડી રાખ્યા છે.

કદાચ એટલે જ વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રચાર-પ્રસારના સશક્ત માધ્યમ તરીકે ડિજિટલ માધ્યમો ચૂંટણી સમયે પણ કામ કરશે. કારણ કે અંતે તો એ માધ્યમો જ છે, એક સાધન છે, સાધ્ય નહીં. જેમણે પાંચ વર્ષમાં લોકોના કામો નિષ્ઠાપૂર્વક કર્યા હશે, રાજનીતિના પાયાના સિદ્ધાંતોને વળગી રહ્યા હશે અને સંગઠનની તાકાત પર જનતા સુધી પહોંચ્યા હશે તેઓને જીતની વરમાળા જરૂર પહેરવા મળશે કારણ કે મર્યાદા માધ્યમની હોય છે, વ્યક્તિની કે વિચારધારાની તાકાત અને પહોંચ અસીમ હોય છે.

ડૉ. શિરીષ કાશિકર
(નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ)

Post a Comments

1 Comment

  1. Madanlal Nahata

    ખૂબ સરસ વિવેચન. ભારતના સમજદાર મતદાતાઓ ડિજિટલ પ્રચાર માધ્યમો ની માયાજાળ વચ્ચે પણ યોગ્ય નિર્ણય જ કરશે અને દેશહિત અને પ્રદેશ ની જનતા હિત સાધી શકે તેવા લોકોને જ ચૂટશે તેવો આપણે વિશ્વાસ રાખીએ

Your email address will not be published.