હિમાચલ પ્રદેશમાં આપ પર “હિમપ્રપાત”: આખી કાર્યસમિતિ જ ભાજપમાં જોડાઈ ગઈ

| Updated: April 14, 2022 1:04 pm

નવી દિલ્હીઃ પંજાબમાં ધરખમ વિજય મેળવ્યા પછી હિમાચલ પ્રદેશને જીતવાનું સ્વપ્ન ધરાવતી આમ આદમી પાર્ટી(આપ)ની આશાઓ પર ભાજપે આપનું જ પ્રતીક ઝાડુ ફેરવી દીધુ છે. ભાજપે આપની હિમાચલ પ્રદેશ કારોબારીની ટોચની નેતાગીરીને તેનામાં સમાવી લીધી છે. સોમવારે ભાજપના આપના હિમાચલ પ્રદેશ વડા અનુપ કેસરી અને સંગઠન મહામંત્રી સતીશ ઠાકુર પછી મહિલા મોરચાને પણ તેનામાં સમાવી લીધો છે. આના પગલે આપે હિમાચલ પ્રદેશમાં તેના બધા એકમોને વિખેરી નાખ્યા છે.

આપના નેતા સત્યેન્દ્ર જૈને ટવીટ કરીને જણાવ્યું છે કે આપની સમગ્ર કારોબારી ભાજપમાં સામેલ થયા પછી રાજ્યની કાર્યસમિતિને ભંગ કરવામાં આવી છે. પ્રદેશમાં નવી કારોબારી સમિતિ ટૂંક સમયમાં ઘડવામાં આવશે. આના પગલે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આપ પર આકરા પ્રહારો કર્યા છે. અનુરાગ ઠાકુરે ટવીટે કરી જણાવ્યું હતું કે કેજરીવાલે વિચાર્યુ હતુ કે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવીશું, હવે તો સંગઠન બચાવવું પણ મુશ્કેલ છે. આમ આદમી પાર્ટીની મહિલા મોરચાની અધ્યક્ષ મમતા ઠાકુર, નાયબ અધ્યક્ષ સોનિયા બિંદલ તેમજ સંગીતાજી બધાને અભિનંદન આપ્યા હતા.

ભાજપના નેતા અવિનાશ રાયખન્નાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપથી ડરે છે અને તેથી જ તેણે કારોબારીનો ભંગ કર્યો છે. આખી આપની કારોબારી જ આપમાં જોડાઈ ગઈ તે સાથે રાજ્યમાં પક્ષની છબી પણ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે કેમકે તેના નેતા ખુલ્લેઆમ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. આ સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આપે રાજ્યમાં તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તેમણે આપ પર લોકોને જૂઠા વચનો આપવાનો આરોપ મૂક્યો. તેમણે દાવો કર્યો કે આ સાથે હવે હિમાચલ પ્રદેશમાં આપ માટે કોઈ સંભાવના વધી નથી. પંજાબમાં પણ ચૂંટાયા પછી આપના મુખ્યપ્રધાન ભગવંત માને લોકો પાસે અપાયેલા વચનો પૂરો કરવા સમય માંગ્યો છે. આ બતાવે છે કે આપ હવે તેણે કરેલા વાયદાઓ પરથી ફરી રહ્યું છે.

આપ પંજાબમાં વિજય મેળવ્યા પછી હિમાચલ પ્રદેશમાં તેની સંભાવના ચકાસી રહી હતી. તેના માટે આપના વડા અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને હિમાચલ પ્રદેશનો પ્રવાસ પણ કર્યો હતો. પણ પક્ષના જ મોટા-મોટા નેતાઓ પક્ષ છોડી દેતા હિમાચલ પ્રદેશમાં આપનું ભવિષ્ય ધૂંધળુ બની ગયું છે. રાજ્યમાં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની સાથે જ ચૂંટણી યોજાવવાની છે.

Your email address will not be published.