CVC કેપિટલને BCCIએ આપી લીલીઝંડી : અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે આ નામ નક્કી

| Updated: January 10, 2022 8:31 pm

IPLમાં અમદાવાદની ટીમને લઇને પહેલા થી જ આકર્ષણ રહ્યું છે. આખરે IPLમાં અમદાવાદની ટીમને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. CVC કેપિટલને BCCIએ  લીલીઝંડી આપી દીધી છે. અમદાવાદની ટીમનુ નેતૃત્વ કોણ સંભાળશે તે સવાલ પણ ક્રિકેટ ચાહકોમાં ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો હતો જે સસ્પેન્સ પર ગમે તે ઘડીએ મહોર વાગી જશે.

ફ્રેન્ચાઇઝીની હવે IPLમાં એન્ટ્રી થઇ ગઈ છે. અને કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ નક્કી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયારે હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. BCCIએ અમદાવાદ ફ્રેન્ચાઈઝીને સત્તાવાર મંજૂરી અને લેટર ઓફ ઈન્ટેન્ટ આપી દીધો છે.

CVC કેપિટલ પાર્ટનર્સએ ₹5,625 કરોડની બિડ લગાવીને અમદાવાદ ફ્રેન્ચાઇઝી મેળવી હતી.જ્યારે લખનઉ ટીમને આરપી-સંજીવ ગોયનકા ગૃપે 7090 કરોડ રુપિયામાં ખરીદી હતી. હવે બંને ટીમોને લેટર ઓફ ઇંટેટ મળી ચૂક્યો છે અને જલ્દીથી પોતાના ટીમના 3-3 ખેલાડીઓની યાદી મોકલશે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂંબઇ ઇન્ડિયન્સથી રિલીઝ કરવામાં આવેલા હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમની કમાન સોંપાઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર છે, હાલ હાર્દિક પંડ્યાં પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યાં છે. જોકે આ પહેલા શ્રેયસ અય્યરનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું.

તો બીજી તરફ કોચ પદ માટે રવિ શાસ્ત્રી અને પુર્વ ક્રિકેટર આશીષ નેહરાનું નામ ચર્ચાઈ રહ્યું છે, ભારતને 2011 નો વર્લ્ડકપ જીતાવનારા ગૈરી કસ્ટર્ન મેન્ટર તરીકે અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે.

વાત કરીએ સીવીસી કેપિટલની તો તે એક ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ગયા વર્ષે 25 ઓક્ટોબરે બે નવી IPL ટીમોની જાહેરાત કરી હતી. જોકે અમદાવાદ ફ્રેન્ચાઈઝીના માલિક CVC કેપિટલ પર સટ્ટાબાજીમાં સામેલ હોવાનો આરોપ હતો. બોર્ડે મામલાની તપાસ હાથ ધરી હતી. હવે એવું લાગે છે કે મામલો થાળે પડી ગયો છે. 

અમદાવાદ અને લખનૌ ફ્રેન્ચાઈઝીને ત્રણ ખેલાડીઓની પસંદગી માટે 31 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.

નિયમો પ્રમાણે, બંને નવી ટીમોને હરાજી પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની તક આપવામાં આવશે. તેઓ તેમાં માત્ર એક વિદેશી ખેલાડીને સામેલ કરી શકે છે.

બીસીસીઆઈએ ત્રણ નવા ખેલાડીઓની પસંદગી માટે 25 ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરી હતી. જોકે હવે IPL ગવર્નિંગ કાઉન્સિલે 31 જાન્યુઆરીને અંતિમ તારીખ તરીકે મંજૂરી આપી છે.

BCCIએ કથિત આરોપોને પગલે તપાસ સમિતિની રચના કરી હતી. જોકે રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.આ વિવાદને કારણે હજુ સુધી IPLની હરાજીની તારીખો જાહેર કરવામાં આવી નથી.

Your email address will not be published. Required fields are marked *