ઢાલગરવાડ પાસે પોલીસની ખોટી ઓળખ આપી યુવકનું અપહરણ કરી 5 હજારની લૂંટ આચરી

| Updated: April 17, 2022 6:47 pm

ભદ્રમાં પથારો લગાવતો યુવક તેના મિત્રોને મળવા જતો હતો આ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ પોલીસની ઓળખ આપી તેને દાણીલીમડા લઇ જઇ માર મારી પૈસા અને મોબાઇલ પડાવી લીધો હતો. યુવક પાસે કેસ ન હોવાથી નકલી પોલીસે મોબાઇલની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરાવી રોકડ ઉપાડી લીધા હતા. આખરે મોબાઇલના બદલમાં 10 હજાર લેવા આવેલી નકલી પોલીસ અસલ પોલીસની ટ્રેપમાં આવી ગઇ હતી. આ અંગે કારંજ પોલીસે નકલી પોલીસનો વેશ ધારણ કરી લૂંટ કરનાર એક શખ્સને પકડી પાડ્યો હતો. બીજો શખ્સ અસલ પોલીસને જોઇ ભાગી ગયો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ બિહારના અને હાલ લાલ દરવાજા વિસ્તારમાં આવેલા હિના ફ્લેટની સામે રિજવાન તસલીમ શેખ રહે છે. રીજવાન પાનકોર નાકા ચાર રસ્તા પાસે ચશ્માનો પથારો લગાવી વેપાર કરે છે. ગત 16 એપ્રિલના રોજ રાત્રીના સાડા નવ વાગ્યે ચાલતો ચાલતો ગાયકવાડ હવેલી તરફ જતો હતો આ દરમિયાન બાઇક પર બે શખ્સો આવ્યા અને આટલી રાત્રે ક્યા જાય છે તેમ પુછપરછ કરવા લાગ્યા હતા. પાછળ વાળા શખ્સે પોતે પોલીસ હોવાની ઓળખ આપી નીચે ઉતરી રીજવાનને પકડી પોતાની બાઇક પર વચ્ચે બેસાડી દીધો હતો. તને પોલીસ સ્ટેશન લઇ જવાનો છે કહીને જમાલપુરથી દાણીલીમડા નજીક આવેલી બોમ્બે હોટટલ પાસે અંધારામાં લઇ ગયા હતા. ઉતરાની સાથે જ બાઇક પર પાછળ બેઠેલા ઇસમે બે લાફા મારી દીધા હતા અને મારવાની ધમકી આપી હતી. જેથી રીજવાન ડરી ગયો હતો.

રીજવાનની તપાસ કરી તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો. ખિસ્સામાથી 50 રુપિયા પણ કાઢી લીધા હતા. મોબાઇલના ફોન પેમાં 11 હજાર હોવાથી નજીકમાં આવેલી મોબાઇલની દુકાને લઇ ગયા હતા અને જ્યા અમારે રોકડ નાણાની જરુર છે તેમ કહી 5 હજાર તેના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ આ ટોળકીએ મોબાઇલ લઇ લીધો હતો અને મોબાઇલ પાછો જોઇતો હોય તો 10 હજાર આપવા પડશે તેમ જણાવ્યુ હતુ.

જેથી રીજવાને જણાવ્યુ કે, મારા ઘરે 10 હજાર પડ્યા છે તો તમે ઘરની દુર ઉભા રહેજો હું તેમને પૈસા આપી જઇશ. આમ કહેતા નકલી પોલીસને રીજવાન પર ભરોષો આવ્યો હતો જેથી તેને લઇ તેના ઘર નજીક આવ્યા હતા. આ દરમિયાન રીજવાને તેના શેઠને વાત કરતા તેના શેઠ તેને કારંજ પોલીસ સ્ટેસન પાસે લઇ ગયા જ્યા પોલીસ તેમની સાથે આ નકલી પોલીસને મળવા પહોચી હતી.

આમ અસલી પોલીસને જોઇ આ નકલી પોલીસ ભાગવા કોશીષ કરી હતી. આ દરમિયાન એક શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે કારંજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. અસલ પોલીસે નકલી પોલીસ બનેલા શાહરુખ શેરમોહંમદ શેખ (રહે.વટવા) ને પકડી પાડ્યો હતો. તેની સાથે અનીશ ઉર્ફે ટાંકી હતો તે ભાગવામાં સફળ રહ્યો હતો.

Your email address will not be published.