ગુજરાતના હાલના સૌથી વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું બીજું લગ્નજીવન ભાંગી પડ્યું છે. તેમણે પોતાના બીજા પત્ની રેશ્મા પટેલથી પોતાની જાતને અલગ કરી છે એટલું જ નહીં, તેમણે છાપામાં એક જાહેર નોટિસ પણ પણ છપાવી છે અને રેશ્મા પટેલ સાથે કોઈ પણ પ્રકારનો નાણાકીય કે અન્ય વ્યવહાર કરવા સામે લોકોને ચેતવણી આપી છે. રેશ્મા પટેલ અને ભરત સોલંકીના લગ્ન 13 વર્ષ અગાઉ થયા હતા. તે અગાઉ તેઓ કથિત રીતે લિવ-ઇન રિલેશનમાં હતા. તેમના પ્રથમ લગ્ન ડો. રેખા સોલંકી સાથે થયા હતા, જે લગ્નજીવન નેવુના દાયકામાં ભાંગી પડ્યું હતું.
તેમના પ્રથમ પત્ની રેખા ગુજરાતના અગ્રણી ડર્મેટોલોજિસ્ટ છે અને તેમણે પોતાના લગ્ન વિશે ક્યારેય વાત નથી કરી. રેખાની જેમ ભરતસિંહ- રેશ્માના પણ લવ મેરેજ કર્યા હતા. ભરતસિંહના પિતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી માધવસિંહ સોલંકીને પોતાની પુત્રવધુ રેખાની સિદ્ધિઓ બદલ બહુ ગર્વ હતો. ભરતસિંહે રેખાને છૂટાછેડા આપ્યા તેનાથી માધવસિંહ નારાજ હતા તેવું કહેવાય છે. રેખાએ પોતાના અંગત જીવન અંગે ગરિમાપૂર્ણ મૌન રાખ્યું, તેનાથી ભરતસિંહને રાજકીય કારકિર્દી આગળ વધારવામાં મદદ મળી. તેઓ કોંગ્રેસના પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી પણ બન્યા. પરંતુ બીજી પત્ની રેશ્મા સાથે તેમના સંબંધ સુમેળભર્યા ન હતા.
સૂત્રોનું કહેવું છે કે ભરતસિંહ અને રેશ્માના લગ્ન થયા તે પહેલા પણ લોકોએ રેશ્માના ગરમ દિમાગ અને હિંસક વલણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ લોકોના કહેવા પ્રમાણે રેશ્મા બિનપરિપક્વ, આવેગમાં આવી જનારી અને ભૌતિકવાદી હતી. વાઈબ્સ ઓફ ઇન્ડિયાએ રેશ્માનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. કોંગ્રેસના જ એક નેતાએ કહ્યું કે ભરતસિંહે રેશ્માની માંગણીઓ સંતોષવા ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. રેશ્મા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી વ્યક્તિએ કહ્યું કે ભરતસિંહના સ્વભાવ અને અન્ય મહિલાઓ સાથેની મિત્રતાથી રેશ્મા કંટાળી ગઈ હતી. ભરતસિંહ સોલંકી અને ગુજરાત કોંગ્રેસને એવી ફરિયાદો મળી હતી કે રેશ્મા ભરતસિંહના નામનો દુરૂપયોગ કરીના નાણાકીય ઉચાપત કરે છે. જોકે, આ દાવાની ચકાસણી થઈ શકી નથી.
ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત અખબારમાં નોટિસ છપાવીને જણાવ્યું છે કે તેમના પત્ની રેશ્મા પટેલ સાથે કોઈએ નાણાકીય કે બીજા વ્યવહાર રાખવા નહીં. તેમણે કહ્યું છે કે રેશ્મા પટેલથી તેઓ છેલ્લા ચાર વર્ષથી અલગ રહે છે અને તેમની સાથે નાણાકીય વ્યવહાર કરવામાં આવે તો તેમના માટે તેઓ જવાબદાર રહેશે નહીં, જેમાં તેમના નામ કે હોદ્દાનો દુરુપયોગ કરાયો હોય. આ દંપતીનો અંગત વિવાદ અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે.
તાજેતરમાં કોર્પોરેશનની ચૂંટણીઓ વખતે પાર્ટી હાઈકમાન્ડને એવી ફરિયાદો કરવામાં આવી હતી કે ભરતસિંહ જુહાપુરાની એક મહિલાને વધુ પડતા પ્રમોટ કરે છે. આ પરિણિત યુવતી ઉંમરમાં ભરતસિંહ કરતા ઓછામાં ઓછા 25 વર્ષ નાની છે અને ભરતસિંહ તેમને રાજકીય છત્ર આપી રહ્યા છે. તેમના કારણે લગભગ 700 કોંગ્રેસી કાર્યકરો પક્ષ છોડીને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
આ સીટ માટે મોટા ભાગના લોકોની પસંદગીની અવગણના કરીને ભરતસિંહે આ મહિલાને એએમસીની ચૂંટણી લડવા દીધી હતી. ભરતસિંહ સાથે મિત્રતા ધરાવતી આ યુવતી ચૂંટણીમાં હારી ગઈ. તેના કારણે ભરતસિંહ પક્ષના લાભ કરતા પોતાના અંગત હિતોને વધારે મહત્ત્વ આપે છે તેવું દેખાયું. તેમના એક નિકટના મિત્રે વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, “ભરતસિંહ સોલંકી ગુજરાતમાં કોંગ્રેસના સૌથી સ્માર્ટ રાજકારણીઓ પૈકી એક છે. તેમનું રાજકીય વ્યક્તિત્વ ઉજળું હોવા છતાં તેમના વ્યક્તિગત જીવનના કારણે તેના પર દાગ પડ્યો છે. તેમાં તેમનો મોટા ભાગનો સમય ખર્ચાઈ જાય છે.”
જે મહિલાને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ મળી હતી તેમનો બહુ ખરાબ રીતે પરાજય થયો. તેના કારણે હજારો મુસ્લિમ કાર્યકરોને લાગ્યું કે કોંગ્રેસમાં મેરિટની કદર નથી થતી અને તેમણે પક્ષ છોડી દીધો. કોંગ્રેસના એક મુસ્લિમ કાર્યકરે કહ્યું કે ભરતસિંહની આ સ્ત્રીમિત્રના કારણે ઓવૈસીના પક્ષને ફાયદો થયો.
કોંગ્રેસની અંદર ભરતસિંહના હરીફોનો દાવો છે કે આ પરિણિત મહિલા સાથેના તેના સંબંધોના કારણે જ રેશ્મા સાથેનું તેમનું લગ્નજીવન ભાંગી પડ્યું છે. ભરતસિંહને કોરોનાની પ્રથમ લહેર દરમિયાન કોરોના થયો હતો અને 102 દિવસ સુધી તેમણે કોરોના સામે લડત આપ્યા બાદ રિકવર થયા હતા. તેઓ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગામી પ્રમુખ બનવા માંગતા હતા ત્યારે જ લગ્નજીવન ભાંગી પડ્યું છે અને તેમનો વિવાદ જાહેર થયો છે.
ભારતના રાજકારણમાં વ્યક્તિગત અને જાહેર જીવનને અલગ રાખવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં એવું નથી. ગુજરાતનું રાજકારણ મુંબઈના બોલીવૂડ જેવું છે. ગુજરાતમાં અત્યંત અંગત કહી શકાય તેવી વાતો પણ મોટો વિવાદ ઉભો કરે છે.
ભાજપના એક ટોચના કેન્દ્રિય મંત્રીએ વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે ભાજપને ગુજરાતમાં ભરતસિંહ સોલંકી સિવાય બીજા કોઈ પણ નેતા કે સ્ટ્રેટેજિસ્ટની બીક નથી લાગતી. આ મંત્રીએ ભરતસિંહની કામ કરવાની પદ્ધતિ, દુરંદેશી અને વ્યૂહરચનાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ભરતસિંહ સોલંકી સૌથી શ્રેષ્ઠ કોંગ્રેસ પ્રમુખ રહ્યા છે.
જોકે, ભરતસિંહને પક્ષ પ્રમુખ બનાવનાર અહમદ પટેલે ભરતસિંહને ખાસ ટેકો આપ્યો ન હતો જેના કારણે કોંગ્રેસે પરાજયની હારમાળા જોવી પડી હતી. રેશ્મા પટેલ અમેરિકન નાગરિક અને ગ્રીન કાર્ડહોલ્ડર હોવાનું કહેવાય છે. ભરતસિંહ અને રેશ્માનો અંગત વિવાદ હવે જાહેર થઈ ગયો છે. મંગળવારે તેમના વકીલ કિરણ તપોધને રેશ્માની તસવીર સાથે એક પબ્લિક નોટિસ આપી હતી અને કોઈ પણ લેવડદેવડમાં રેશ્મા પર ભરોસો ન મૂકવા ચેતવણી આપી હતી.

આ નોટિસમાં જણાવાયું છે, “હું નીચે સહી કરનાર કિરણકુમાર તપોધન અમારા ક્લાયન્ટ ભરતસિંહ માધવસિંહ સોલંકી વતી આ નોટિસ આપું છું. આ નોટિસમાં છપાયેલો ફોટો રેશ્માબેન પટેલનો છે જેઓ પ્રકાશચંદ્ર મણીભાઈ પટેલના પુત્રી અને 10, ઇશ્વરકૃપા સોસાયટી, બોરસદના રહેવાસી છે. મારા ક્લાયન્ટ (ભરત માધવસિંહ સોલંકી) અને રેશ્મા છેલ્લા ચાર વર્ષથી અલગ રહે છે. તેઓ પોતાની રીતે રહે છે. મારા ક્લાયન્ટની એક પોઝિશન, સામાજિક જવાબદારી અને સમાજમાં સ્વીકૃતિ છે. આ નોટિસ દ્વારા જણાવવામાં આવે છે કે કોઈએ આ મહિલા સાથે નાણાકીય વ્યવહાર કરવો નહીં તથા કોઈ ઉછીના લેવાની કે બીજા વ્યવહાર કરવા નહીં. તેમણે મારા ક્લાયન્ટની ઓળખ અને પોઝિશનનો દૂરુપયોગ કર્યો છે. કોઈ વ્યક્તિ આ મહિલા સાથે વ્યવહાર કરશે તો મારા ક્લાયન્ટની જવાબદારી નહીં રહે. મારા ક્લાયન્ટના ધ્યાનમાં આવું કોઈ ટ્રાન્ઝેક્શન આવશે તો તેઓ તેમની (રેશ્મા પટેલ) સામે કાનૂની પગલાં લેશે. આ નોટિસ જાહેર માહિતી માટે છે.”
આ નોટિસ પર ભરતસિંહ સોલંકીની સહી છે અને તે 12 જુલાઈ, 2021ના રોજ પ્રકાશિત થઈ છે.
વાઈબ્સ ઓફ ઈન્ડિયાએ તપોધનનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે “રાજકીય રીતે સન્માનિત વ્યક્તિનું નામ નાણાં પડાવવા માટે ઉપયોગમાં લેવાય તો તેઓ શું કરશે? આવી બાબત ભરતસિંહના ધ્યાનમાં આવી હતી તેથી તેમણે આ નોટિસ આપવી પડી. અમારે આ કેસ આગળ લઈ જઈને રેશ્મા સામે કદાચ ફોજદારી ફરિયાદ પણ દાખલ કરવી પડે.”
આ અંગે ભરતસિંહનો સંપર્ક થઈ શક્યો ન હતો.