વડોદરાઃ કોંગ્રેસના આગેવાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ તેમના વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે રામશિલાઓ પર કૂતરાઓ પેશાબ કરે છે તેની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે હિંદુઓની ધાર્મિક લાગણી સાથે રમત રમનારા ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં ચેક-અપની જરૂર છે.
પાટિલે જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો જે રીતે હિન્દુઓની ધાર્મિક લાગણી સાથે રમત રમી રહ્યા છે તે જોતાં તેમને મેન્ટલ હોસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવવાની જરૂર છે. મારી તેઓને ચેતવણી છે કે તેઓ જો આ પ્રકારે કરશે તો હું તેમને ચેતવણી આપું છું કે હિંદુઓ તેમને એવો પદાર્થપાઠ ભણાવશે કે તે આખી જિંદગી તેમને યાદ રહેશે.
તાજેતરમાં વટામણમાં ખાતે ભરતસિંહ સોલંકીએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપે રામના નામે લોકોને છેતર્યા છે. ભાજપ રામ મંદિરના નામે પૈસા ઉઘરાવનારી પાર્ટી છે. રામ મંદિરના નામે ઘરે-ઘરે જઈ પૈસા ઉઘરાવાતા હતા. મારી ભોળી બહેનો રામ મંદિરની ભેગી કરેલી શિલાઓને તિલક કરે, માથે મૂકે, શિલાને વાજતેગાજતે ગામના પાદરે મૂકી જાય. તેઓ મનમાં વિચારતા જાય કે હાશ હવે અમારુ રામ મંદિર બંધાશે, પરંતુ આ શિલાઓ પર કૂતરા પેશાબ કરતા થઈ ગયા. વિચારો કે જે રામને છેતરે તે આપણને છેતર્યા વગર રહે ખરા.
જો કે આના પગલે વિવાદ સર્જાતા ભરતસિંહ સોલંકી નરમ પડ્યા હતા. તેમણે પોતાના નિવેદનો પર ખુલાસો આપતા જણાવ્યું હતું કે મેં રામનો વિરોધ કર્યો નથી, પરંતુ રામમંદિર માટે જે શીલાઓને ઘરે-ઘરે શ્રદ્ધાથી પૂજા કરીને પાદરે મૂકી હતી તેની આ લોકોએ લગીરે ચિંતા કરી ન હતી. મારા કુટુંબે મારુ નામ ભરત રામના ભાઈના નામ પરથી જ પાડ્યું છે. ભરતને રામનું મંદિર બંધાય તો આનંદ થાય જ, પરંતુ મારે રામના નામે સત્તામાં આવનારાઓને ઉઘાડા પાડવા છે.
કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજીનામુ આપનારા હાર્દિક પટેલે પણ જણાવ્યું હતું કે કોંગ્રેસને હિંદુઓની લાગણીની જરા પણ પરવા નથી તે જે હું કહેતો હતો તેનો પુરાવો ભરતસિંહનું આ નિવેદન છે. તેઓને રામની સામે વાંધો શું છે. તેઓ શા માટે રામને સ્વીકારતા નથી. શું તેઓને હિંદુઓના વોટ જોઈતા નથી.