લક્ઝરી ચીજવસ્તુઓના વેચાણમાં છેલ્લા એક દસકામાં સૌથી મોટો વધારો
2021નું વર્ષ કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું હતું. જો કે મહામારીના આ દૌર છતાં પણ લક્ઝરી કાર, લક્ઝરી ચીજવસ્તુઓનું વેચાણ નવી ઊંચાઈએ આંબી ગયું હતું. ટોપ એન્ડ કાર, સોના-ચાંદીના દાગીના તથા સુપર લક્ઝરી રેસિડેન્શીયલ પ્રોજેક્ટ્સના વેચાણમાં અભૂતપૂર્વ વધારો થયો હતો.
આશ્ચર્યની વાત એ છે કે વેચાણમાં થયેલો આ વધારો માત્ર કોરોનાકાળ પહેલાની તુલનામાં નહીં પણ છેલ્લા 5-10 વર્ષમાં સૌથી વધુ નોંધાયો છે. જો વાત માન્યામાં ન આવતી હોય તો આ ફેક્ટસ જાણવા જેવી છેઃ જર્મન કાર કંપની બીએમડબલ્યુએ 2021ના વર્ષમાં વેચાણમાં 35 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે.
છેલ્લા એક દસકામાં આ સૌથી હાઇએસ્ટ વેચાણ છે. બીજું, 2021-22ના પહેલા નવ મહિનામાં સોનાની આયાત ગત વર્ષે 34.60 અબજ ડોલરથી વધીને રેકોર્ડબ્રેક 37.98 અબજ ડોલરે આંબી ગઈ છે. દિલ્હી નજીક ગુડગાંવમાં ડીએલએફનો સુપર લક્ઝરી હાઉસિંહ પ્રોજેક્ટ છે જેનું નામ ધ કેમીલીઆઝ છે. 2021માં માત્ર જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આ પ્રોજેક્ટમાં 1,037 કરોડના મકાનો વેચાઈ ગયા હતા.
ટોપ એન્ડ કારના વેચાણમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
ગત વર્ષ દરમિયાન કાર કંપની બીએમડબલ્યુએ કુલ 8,876 બીએમડબલ્યુ અને મીની કાર વેચી હતી. તથા 5,191 હાઇએન્ડ બાઇક્સનું વેચાણ કર્યું હતું. બીએમડબલ્યુની હરિફ કાર કંપની ફોક્સવેગનની ઓડી કારનું વેચાણ પણ બમણા કરતા વધુ થયું હતું.
2021માં ભારતમાં 3,293 ઓડી કાર વેચાઈ હતી. અગાઉના વર્ષે આ જ મોડેલની 1,639 કાર વેચાઈ હતી. ઓડીની ઇ-ટ્રોન 50, ઇ-ટ્રોન 55, ઇ-ટ્રોન સ્પોર્ટ્સબેક 55 જેવી ઇલેક્ટ્રીક કાર્સનું વેચાણ પણ વધ્યું હતું. જો મર્સીડીઝ બેન્ઝની વાત કરીએ તો 2021ના પહેલા નવ મહિનામાં મર્સીડીઝનું વેચાણ અગાઉના વર્ષ કરતા વધુ થયું હતું. જુલાઇથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કંપનીએ 4,101 યુનિટનું વેચાણ કર્યું હતું જે આગલા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 2,060 યુનિટનું વેચાણ હતું.
એનારોક નામની જાણીતી રીયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મના જણાવ્યા પ્રમાણે રહેણાંક મકાનોના સેગમેન્ટમાં લક્ઝરી મકાનોને વેચાણમાં 12 ટકાનો વધારો થયો હતો. એક અન્ય સ્ટડીમાં એનારોકે નોંધ્યું હતું કે 2021માં જુલાઇથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં મુંબઈમાં લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટમાં 4 હજાર કરોડ રૂપિયાના મકાનો વેચાયા હતા.
ગોલ્ડનો ચળકાટ પણ ઝાંખો પડ્યો નહીં
સતત બે વર્ષ સુધી નબળા વેચાણ સોનાની આયાતમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ચાલુ નાણા વર્ષના પ્રથમ નવ મહિનામાં સોનાની આયાત ગત વર્ષની કુલ આયાતથી વધીને 37.98 અબજ ડોલરને આંબી ગઈ છે. યાદ રહે કે છેલ્લા પાંચ વર્ષની આ સર્વાધિક આયાત છે.
ઘરઆંગણે માગમાં વધારો થવાને કારણે સોનાની આયાત વધી હતી. છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવમાં 60 ટકાનો વધારો થયો હોવા છતાં ડિમાન્ડમાં ઘટાડો થયો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે હવાઈ મુસાફરીમાં નિયંત્રણોના કારણે સોનાના વેચાણને અસર પહોંચી હતી. જોકે તે છતાં પણ વેચાણમાં ધરખમ વધારો તો થયો જ છે.