ભાજપ 2022માં ઉતારશે 100 નવા ચહેરા, ‘કોઈનું પદ કાયમી નથી’: પાટિલનું સૂચક નિવેદન

| Updated: October 19, 2021 1:26 pm

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ લગભગ 100 નવા ચહેરાને મેદાનમાં ઉતારશે. ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટિલના નિવેદનથી અટકળો શરૂ થઈ છે. આ વખતે કયા નવા કાર્યકરોને લોટરી લાગશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

તાજેતરમાં મોટાભાગની ચૂંટણી અને પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ભાજપે મ્હાત આપી છે. તેના કારણે ભાજપના પ્રદેશ સંગઠનમાં એક અનોખો ઉત્સાહ અનુભવાઈ રહ્યો છે.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે પેજ પ્રમુખોને સંબોધ્યા હતા. તેમણે 2022ની ચૂંટણી પહેલા ધારાસભ્યોને ટીકીટ આપવાને લઈને સૂચક નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે આ વખતે 100 નવા ચહેરાઓને સમાવેશ કરવાનું કામ ચાલી રહ્યું છે. ટિકિટ આપતા પહેલાં 5થી 6 સર્વે કરશે અને ટિકિટ ઉપરના સ્તરે નક્કી થશે. ત્યારબાદ ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેમણે લોકો સુધી પહોંચીને કેટલા કાર્યો કર્યા છે, તે જોયા બાદ ટિકિટ નક્કી થશે અને જેમાં કોઈપણ પ્રકારની લાગવગ ચાલશે નહીં.

પાટિલે ફરીવાર ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને કાર્યકર્તાની અવગણના નહીં કરવાની તાકીદ કરી હતી.

આ ઉપરાંત તેમણે સૂચકભાષામાં એમ પણ કહ્યું કે કોઇનું પદ કાયમી નથી. તેથી જે કાર્યકર્તાઓ મહેનત કરશે તેમણે લોટરી લાગશે. પાટિલે સહકારી ક્ષેત્રે હોદ્દો ધરાવતા નેતાઓને કહ્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકર્મ મેંડેડ આપવામાં નહીં આવે. ત્યાર બાદ તેમણે ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.

પાટિલે ટાઉનહોલ ખાતે સભાને સંબોધતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. તેમણે AAPને દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરનારી પાર્ટી ગણાવી હતી. તેમણે સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત પણ તેમણે કરી હતી.

હિંમતનગરના મોતીપુરા ખાતે પાટિલના સ્વાગત બાદ બાઇક રેલી અને રેલીના રુટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફૂલહર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Your email address will not be published. Required fields are marked *