બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓએ ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધા બાદ બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોન્સન અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. અહીં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કન્વીનર સ્વામી ઇશ્વરચરણદાસજીએ બોરિસ જોન્સનનું હિન્દુ પરંપરાગત શૈલીથી સ્વાગત કર્યું. જે બાદ ઉપસ્થિત સંતોએ બોરિસ જોન્સનને સ્વામિનારાયણ અક્ષરધામનો પરિચય આપ્યો. અક્ષરધામનું મંદિર નિહાળી બોરિસ જોન્સન અભિભૂત થયા.

બોરિસ જોન્સને અક્ષરધામના મુખ્ય મંદિર સંકુલમાં ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યા. સાથે જ મંદિરની કલા-કારીગરી તેમજ સ્થાપત્યની તેમણે પ્રશંસા કરી. બોરિસ જોન્સને અભિષેક ખંડમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ નીલકંઠવર્ણી પર જળાભિષેક કરી વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી.

બોરિસ ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા તેમની શાંતિગ્રામ સ્થિત ઓફિસે ગયા હતા. તેઓ અનેક ઉદ્યોગપતિઓને મળ્યા હતા, પરંતુ અદાણીને મળવા સામે ચાલીને ગયા હતા. કોઈ ગુજરાતી ઉદ્યોગપતિને બ્રિટિશ વડાપ્રધાન સામે ચાલીને મળવા જાય તેવું ભાગ્યે જ બને છે. આ બતાવે છે કે બ્રિટન રોકાણ માટે કેટલું ઘાંઘુ થયું છે.

ઉલ્લેખનીય છે કે અદાણીએ ગ્રીન એનર્જીમાં ઘણું મોટું કાઢ્યું છે. ભારતના મોટાભાગના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ પાછળ અદાણી જૂથ છે. આ રીતે બ્રિટનમાં ગ્રીન એનર્જી રિવોલ્યુશનના મ્યુઝિયમને અદાણી ફંડિંગ આપવાના છે. અગાઉ ગૌતમ અદાણી અને બોરિસ જોન્સન વચ્ચે ગયા ઓક્ટોબરમાં આ બાબતે ચર્ચા થયા પછી ફંડિંગની જાહેરાત થઈ હતી. આ મ્યુઝિયમ ક્લાઇમેટ ચેન્જના વિષય પર આધારિત ઐતિહાસિક મ્યુઝિયમ હશે.