બોટાદ લઠ્ઠાકાંડઃ 48 કલાકમાં 57ની ચિતા સળગી, હજી કેટલા હોમાશે

| Updated: July 27, 2022 7:29 pm

સામાન્ય રીતે મોત આવતું હોય છે, પણ કોઈ સામે ચાલીને મોત ખરીદતું નથી. પણ લઠ્ઠાકાંડ એવી વસ્તુ છે જેમા મૃતક સામે ચાલીને મોત ખરીદે છે. ઝેરી કેમિકલથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ફક્ત 48 કલાકમાં 57ના મોત થયા છે. મંગળવારે આ મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. આ આંકડો પણ અંતિમ નથી. હજી પણ હોસ્પિટલોમાં દોઢસોથી વધુ લોકો દાખલ છે અને અન્ય ગામોમાં પણ મોતના આંકડા વધી રહ્યા છે. હવે આમા બોટાદના બરવાળા ઉપરાંત રાણપુર તાલુકાના ગામના લોકોએ પણ દારુ ખરીદ્યો હોવાનું બહાર આવતા ત્યાંથી પણ આ દારૂના લીધે થયેલા મોતના આંકડા બહાર આવી રહ્યા છે.

બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12ના મોત થયા હતા જ્યારે રાણપુર તાલુકાના આઠ લોકો નશો કરવા જતા મૃત્યુ પામ્યા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. હૈયાફાટ રૂદન અને વલોપાતથી ગામોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ સિટની રચના કરી દેવાઈ છે. પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાનો દાવો છે કે પોલીસે કડક કાર્યવાહી કરીને રોજિદ અને આજુબાજુના ગામમાં દારૂના બધા અડ્ડા બંધ કરાવી દીધા હોવાથી લોકો કેમિકલ પીવા તરફ વળ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે અગાઉના પીએસઆઇ અને હાલમાં કાર્યરત પીએસઆઇ બી.જી.વાળાએ કડક કાર્યવાહી કરી હતી. સરપંચની ફરિયાદ મળ્યા પછી છ પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા હતા. તેના પછી છ રેડ થઈ હતી. બેની સામે કાર્યવાહી કરીને એકને તડીપાર કરવામાં આવ્યો હતો.

આટલી કાર્યવાહી છતાં પણ લઠ્ઠાકાંડ સર્જાયો છે તે હકીકત છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની આકરી ટીકા થઈ રહી છે, પરંતુ આશિષ ભાટિયાએ આટલા દબાણ વચ્ચે પણ પોલીસની કામગીરીને બીરદાવી હતી. હવે સમગ્ર ઘટનાક્રમમાં પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે દેવીપૂજક પિન્ટુએ આજુબાજુના કેટલાય ગામોમાં કેટલાય લોકોને પોટલીમાં કે લિટરના પાઉચમાં આ દારૂ વેચ્યો છે. તે લોકોને પણ સ્થિતિની ખબર નથી, તેથી કેટલાય લોકો મોડા-મોડા હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને તેમા ખરેખર મોડુ થતા તેઓએ જીવ ગુમાવવાનો આવ્યો છે. માનવામાં આવે છે કે આ કેમિકલ 200થી પણ વધારે પીધુ હતું. આના લીધે હોસ્પિટલાઇઝેશનનો આંકડો પણ હવે ઉત્તરોતર વધી રહ્યો છે. બોટાદની નજીકના રાણપુર તાલુકાના જુદા-જુદા ગામના લોકોએ પણ આ જ દારૂ પીધો હોવાનું મનાય છે. તેથી તેમનો પણ આંકડો વધી રહ્યો છે.

Your email address will not be published.