બોટાદ અને અમદાવાદ જિલ્લામાં આશરે 57 જેટલા લોકોના કરુણ મોત નિપજ્યા હતા. હાલ સુધી તો સરકાર કે અન્ય રાજકીય પક્ષો કે સંસ્થાઓ મરનારના પરિવારની મદદે આવ્યા નથી પરંતુ પહેલા ભાવનગર રેન્જ આઇજીની સુચનાથી બોટાદ જિલ્લા પોલીસ પરિવારના વહારે આવી છે. નિરાધાર બનેલા ચાર બાળકોને જિલ્લા પોલીસે દત્તક લીધા છે અને તેમની સ્વાસ્થ્ય તથા શિક્ષણની જવાબદારી ઉપાડી પરિવારને મદદ કરી સાંત્વના પાઠવી છે. આમ પોલીસની માનવ સંવેદના જાગી હતી અને સૌ પહેલા તેઓએ મદદ કરવાની શરુઆત કરી લોકોને અન્ય બાળકોને મદદ કરવા માટે અપીલ પણ કરી હતી. આમ જિલ્લા એસપીએ બાળકોને પગભર બનાવવા માટેની જાહેરાત કરી હતી.
રાજ્યના અત્યાર સુધીના થયેલા લઠ્ઠાકાંડમાં પહેલી વખત પરિવારને ન્યાય તો મળશે પરંતુ તેમને મદદ પણ મળશે તે પહેલો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર રેન્જ આઇજીના આદેશથી બોટાદમાં છેલ્લા બે દિવસમાં ઝેરી કેમિકલ પીને મૃત્યુ પામેલા પરિવારના વહારે પોલીસ આવી છે. સામાન્ય રીતે પોલીસની છાપ લોકોના માનસ પર અલગ જ હોય છે પરંતુ લોકોના ગયેલા સ્નેહિઓને તો કોઇ પાછું લાવી શકવાનું નથી પરંતુ પોલીસે ચાર બાળકોને દત્તક લઇ તેમના પરિવારના અન્ય સભ્યોનો જાણે બોઝ લઇ લીધો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. તે પરિવાર એક તરફ પોતાના સ્વજનોને ગુમાવી દુખ મનાવી રહ્યો હતો પરંતુ સારી રીતે સારી શાળામાં ભણી ન શકનાર બાળકોનું ભાવી નક્કી કરવામાં પોલીસે સાથ આપતા પરિવાર પણ ભાવવીભોર બની ગયો હતો.
પોતાના પર આભ ફાટી પડ્યું હોવા છતાં પણ પરિવાર પોલીસની મદદ જોઇ પોતાના આંખના આસું રોકી શકતું ન હતુ. આ બોટાદ જિલ્લા પોલીસ એવી વ્યવસ્થા કરશે કે, તમામ બાળકોને સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણની તમામ જવાબદારી સ્વિકારી લીધી છે.
આ અંગે જિલ્લા એસપી કરણરાજ વાઘેલાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, રાણપુર વિસ્તારમાં આવેલા દેવગાણા ગામમાં રહેતા કનાભાઇ સુરાભાઇ ચેખલીયાનું ઝેરી કેમિકલ પીવાથી મોત થયું હતુ. સ્વ. કનાભાઇ સચેખલીયાના પત્ની પણ બાળકોને છોડીને ચાલ્યા ગયા હતા. જેથી માતાની છત્રછાયા તો ન હતી અને હવે પિતા પણ ગુમાવી દીધી હતી જેના કારણે માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર એક પુત્રી અને 3 પુત્રોના વહારે પોલીસ આવી છે. એસપી તેમને મળવા ગયા હતા અને બાળકોના સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણની તમામ પ્રકારની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું છે. બાળકોને આગળ લાવી તેઓ પગભર થાય તેવી તમામ માનવીય જરુરીયાતો પોલીસ પાડશે તેમ નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ જે બાળકોએ આર્થિક છત્રછાયા ગુમાવી છે તેમને પણ મદદ થાય તે માટે પોલીસે લોકો અને સંસ્થાઓને આગળ આવવા આદેશ કર્યા છે.