રાજકોટમાં બ્રેનડેડ યુવાનનું હૃદય ગ્રીન કોરીડોરથી એરપોર્ટ પહોંચ્યુંઃ બે કિડની, લિવર અને બે આંખના દાનથી 6 વ્યક્તિમાં જીવિત રહેશે

| Updated: November 24, 2021 4:12 pm

જામનગરમાં દીપક ત્રિવેદી નામના યુવાનને બ્રેઈન સ્ટ્રોક આવતા તેને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલે લઈ જવાયો હતો. પરંતુ તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું. દીપક પોતાના નામ મુજબ બીજાના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરી અને કાયમ જીવંત રહી શકે તે માટે પરિવારજનોએ તેના અંગોનું દાન કરવા નિર્ણય કર્યો હતો.

આજે વહેલી સવારે અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ આવી હતી અને દીપકનું ધબકતું હૃદય ગ્રીન કોરીડોર મારફત એરપોર્ટ અને ત્યાંથી બાય એર અમદાવાદ પહોંચાડ્યું હતું. આ ઉપરાંત બે કિડની, લિવર અને બે આંખના દાન થકી દિપક 6 વ્યક્તિમાં જીવિત રહેશે.

જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા દીપક ત્રિવેદીને સોમવારે સવારે અચાનક માથું દુખવા લાગતા ઉલ્ટી થવા લાગી હતી. તેમને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યાર બાદ રાજકોટની સિનિર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ગઇકાલે બપોરે ટૂંકી સારવાર બાદ તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો. આજે પરિવારજનો દ્વારા તેમના અંગોનું દાન કરવા નિર્ણય કરાયો હતો. દીપકના અંગો થકી બીજી 6 જિંદગીને નવજીવન મળશે. તેમના પુત્રને હંમેશ માટે જીવંત જોવા પરિવારે આ નિર્ણય કર્યો હતો.

દિપકના પિતા કિશોરચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મારો પુત્ર દિપક તેમના નામના અર્થ મુજબ બીજા 6 લોકોની જિંદગીમાં પ્રકાશ પ્રજ્વલિત કરી નવજીવન આપશે. તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે અને તેના થકી બીજાની જિંદગીમાં કાયમ જીવંત રહેશે. તેમના અંગો થકી બીજા લોકોના શરીરમાં અમે એને કાયમ જીવંતજોઈશું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના છે.

ઉલ્લેખનીય છે કે દીપક અપરિણીત હતો અને બી.કોમ સુધી અભ્યાસ કરી પ્રાઇવેટ નોકરી કરતો હતો. દિપક ત્રણ ભાઇ-બહેનમાં સૌથી મોટો હતો. 42 વર્ષની ઉંમરે બ્રેનસ્ટ્રોકના કારણે બ્રેનડેડ જાહેર થતા આજે પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય કર્યો હતો અને 6 લોકોને નવજીવન આપવામાં આવશે. સિનર્જી હોસ્પિટલ ખાતેથી અગાઉ બે વખત કિડની ડોનેટ કરવામાં આવી હતી. જ્યારે હૃદય અને લિવરનું પ્રથમ વખત ડોનેશન કરવામાં આવ્યું.

સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.સુરસિંહ બારડે જણાવ્યું હતું કે, દર્દીને નાની ઉંમરે બ્રેનસ્ટ્રોકના કારણે બ્રેનડેડ જાહેર થતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગૃત કર્યા હતા. પરિવારજનોએ 6 અંગોનું દાન કરવા નિર્ણય કરવામાં આવતા આજે ગ્રીન કોરીડોરની મદદથી હૃદયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે બે કિડની, લીવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *