2029 સુધી તો હું સત્તા પર છું જઃ પીએમ નરેન્દ્ર મોદી

| Updated: May 14, 2022 2:35 pm

ભરૂચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં થયેલા સંવાદમાં જ સંકેત આપી દીધો છે કે તેઓ કંઈ 2024 પછી વિદાય લઈ લેવાના નથી કે નિવૃત્તિ લઈ લેવાના નથી. આ જ વિચારધારા મુજબ ચાલ્યો હોત તો 2012 પછી જ વિદાય લઈ લીધી હોત. આમ વડાપ્રધાનના કહેવાને સ્પષ્ટ હેતુ એ છે કે બીજું કોઈ હોય કે ન હોય પણ 2029 સુધી તો હું પીએમ તરીકે સત્તા પર છું જ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભરૂચમાં આપેલા ભાષણની ચર્ચા ખૂબ જ થઈ રહી છે, પણ તેમના નિવેદનનો અર્થ એવો નીકળે છે કે 2029 સુધી તો હું સત્તા પર જ છું. ભરૂચમાં યોજાયેલા ઉત્કર્ષ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેલફેર સ્કીમના લાભાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. તેમા તેમણે એક વાતનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું હતું કે મને એક દિવસે બહુ મોટા વિપક્ષી નેતા મળ્યા. તે અમારો સતત વિરોધ કરતા આવ્યા છે. પણ હું તેમનો આદર કરુ છું. તેમની કેટલીક વાતને લઈને નારાજગી હતી. તેઓ એક દિવસ મળવા આવ્યા. તેમણે મને કહ્યું કે મોદીજી હવે તમારે શું કરવાનું છે, દેશે તમને બે-બે વખત તો વડાપ્રધાન બનાવી દીધા. હવે બાકી શું છે.

તેમને લાગતું હતું કે હું બે વખત વડાપ્રધાન બન્યો, તો બહુ થઈ ગયો. તેમને ખબર નથી કે મોદી અલગ જ માટીનો છે. આ ગુજરાતની ધરતીએ તેને તૈયાર કર્યો છે. તેઓ એમ માને છે કે આટલુ્ં થયું એટલે બહું થઈ ગયું, હવે આરામ કરવાનો છે. ના, મારુ સ્વપ્ન આ નથી, મારું સ્વપ્ન સો ટકા લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. દેશ માટે મારે હજી ઘણુ કરવાનું છે. મેં દેશ માટે કામ કરવાના જે સ્વપ્ના સેવ્યા હતા તે હજી પૂરા થયા નથી. મારે તે પૂરા કરવાના છે. આ સંજોગોમાં જો હું સંતોષ માનીને બેસી જાઉં તો મારુ દેશ અંગેનું વિઝન અધૂરુ રહી જાય. આ વિઝન મારે જ પૂરું કરવાનું છે. તેથી મારા વિપક્ષી મિત્રોએ મને ત્યાં સુધી સહન કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે મોદી ગુજરાતમાં  સીએમ હતા ત્યારે પણ ગોધરાકાંડ પછી તેમની ગમે ત્યારે વિદાય થશે તેવી ઘડીઓ ગણાતી હતી, પણ તે સમયે પણ તે ગાદી બચાવી રાખવામાં સફળ રહ્યા હતા. એક સમય હતો જ્યારે ભાજપના 120 વિધાનસભ્યોમાંથી અડધા સભ્યોએ બળવો કર્યો હતો આ સંજોગોમાં પણ મોદી ગુજરાતમાં તેમનું સીએમ પદ બચાવવામાં સફળ રહ્યા હતા.

તેના પછી કેશુભાઈ પટેલે પણ મોદી સામે બળવો કર્યો ત્યારે મનાતું હતું કે તેઓ મોદીને ભોંયભેગો કરશે, પણ તેઓ તેમા નિષ્ફળ રહ્યા હતા. આમ ગુજરાતમાં રાજ્યસ્તરે જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ મોદી સામે રાષ્ટ્રીય સ્તરે છે. આજે મોદી એકલા હાથે ભાજપને કેન્દ્રમાં બે-બે વખત સંપૂર્ણ બહુમતી સાથે સત્તા અપાવીને તેમનું કદ અગાઉના નેતાઓથી ઘણે ઊંચે લઈ ગયા છે. આ સંજોગોમાં આગામી ટર્મ જીતવાનો તેમનો આ આત્મવિશ્વાસ ભાજપના કાર્યકરોમાં પણ જબરદસ્ત આત્મવિશ્વાસ પ્રેરે છે.

Your email address will not be published.