સીબીઆઈએ અમદાવાદમાં ઇડીની ઓફિસ પર છ વર્ષમાં બીજી વખત દરોડા પાડ્યા છે. આ વખતે એક લાંચ કેસમાં ડિરેક્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટરની અટકાયત કરી છે.
સીબીઆઈએ બીજી જુલાઈએ અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ની ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને ઇડીના બે સિનિયર અધિકારીઓની અટકાયત કરી હતી. સીબીઆઈએ ડિરેક્ટર પૂર્ણકરણ સિંઘ અને એડિશ્નલ ડિરેક્ટર ભુવનેશ કુમારની એક લાંચ કેસમાં અટકાયત કરી છે.
સીબીઆઇના સૂત્રો મુજબ આ બંને અધિકારીઓએ ગુજરાતમાં કપડવંજ તાલુકામાં આવેલી એચએમ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. પાસેથી રૂ.75 લાખની લાંચ માંગી હતી. આ લાંચ તેમની સામે દાખલ થયેલા એનપીએના એક કેસમાં મદદ કરવા માટે માંગવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે હાલની તપાસ પ્રમાણે લાંચની રકમના પ્રથમ હિસ્સા તરીકે પાંચ લાખ રૂપિયા દિલ્હીમાં આંગડિયા પેઢી દ્વારા મોકલવામાં આવ્યા હતા.
સીબીઆઇ અધિકારીએ જણાવ્યું કે અમે આંગડિયા પેઢીના કર્મચારીને પકડ્યો હતો. તેના પરથી જાણવા મળ્યું કે અમદાવાદની ઇડી ઓફિસમાં આ નાણાં ડિરેક્ટર પૂર્ણકરણ સિંઘ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર ભુવનેશ કુમારને મોકલવાના હતા. ત્યાર પછી 50 લાખ રૂપિયા પહોંચાડવાના હતા અને કેસ ઉકેલાઈ જાય ત્યારે તેમને પાંચ લાખ રૂપિયા આપવાના હતા.
સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું કે આ માહિતીના આધારે તેમણે ઇડીની હેલ્મેટ સર્કલ પાસે આવેલી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી પૂર્ણકરણ સિંઘ અને ભુવનેશ કુમારની અટકાયત કરાઈ હતી. બંને અધિકારીઓને સત્તાવાર પકડતા અગાઉ કોવિડ-19 ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
સીબીઆઇના સૂત્રોએ કહ્યું કે એચએમ ઇન્ડસ્ટ્રીઝે બેન્ક ઓફ બરોડા પાસેથી 1.04 કરોડની લોન લીધી હતી.
તેમણે કહ્યું કે, ઇડીએ એચ એમ ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ દાખલ કર્યો હતો. બે અધિકારીઓએ કેસ સેટલ કરવા માટે લાંચ માંગી હતી. એચ એમ ઇન્ડસ્ટ્રીઝ આના માટે તૈયાર થઈ હતી અને તેમણે પાંચ લાખ રૂપિયાનો પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ પણ ચૂકવ્યો હતો. બંને અધિકારીઓની ઓફિસ અને રહેણાક સ્થળ પર સર્ચ કાર્યવાહી ચાલી રહી છે. સપ્ટેમ્બર 2015માં ઇડીના ત્રણ અધિકારીઓને સીબીઆઈએ ભ્રષ્ટાચારના એક કેસમાં પકડ્યા હતા જેમાં તે સમયના જોઈન્ટ ડિરેક્ટર જે. પી. સિંઘ પણ સામેલ હતા.
અમદાવાદમાં EDની ઓફિસ પર CBIના દરોડાઃ લાંચ કેસમાં બે અધિકારીઓની અટકાયત

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.