વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢના નિજ મંદિરના સુવર્ણજડિત શિખર અને ધ્વજા દંડ પર ધ્વજારોહણ કરનાર પ્રથમ વ્યક્તિ બનશે. તેઓ ફરીથી 18મી જુને ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચશે. વડાપ્રધાનના આગમનના લીધે પાવાગઢમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણજડિત કરવામાં આવ્યા છે. પીએમ માટે ખાસ સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. મંદિરમાં આ ધ્વજારોહણ ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ 450 વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે.
આમ શિખર જર્જરિત થઈ જવાના લીધે પાવાગઢ મંદિર પર વર્ષોથી ધ્વજા ચઢી ન હતી. તેના પછી હવે વર્ષો પછી વડાપ્રધાન મોદી ધ્વજા ચઢાવનારા પ્રથમ વ્યક્તિ બનશે. હાલમાં ધ્વજ દંડ લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સદીઓ બાદ પહેલાીવાર પાવાગઢમાં ખાસ નજારો જોવા મળ્યો છે. મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય પૂરુ થઈ ગયું છે. તેની સાથે જ તેનું સુવર્ણકળશથી સુશોભિત શિખરબંધ મંદિર જોવા મળી રહ્યું છે. નિજમંદિર પણ સુવર્ણજડિત બનાવાયું છે.
પીએમ મોદી 18મી જુનના રોજ ફરીથી ગુજરાત આવશે ત્યારે આતંકવાદી એલર્ટને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાનને મંદિર સુધી પહોંચાડવા તળાવ પાસે હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.