બાળકોનું જાતીય શોષણ એક એવો પ્રશ્ન છે જેના વિશે સમાજ ખુલીને વાત કરવાનું ટાળે છે. તેના કારણે અપરાધીઓની હિંમત વધે છે. કોરોના કાળ દરમિયાન લોકડાઉન વખતે દેશમાં બાળકોના જાતીય શોષણમાં ચિંતાજનક વધારો થયો છે.
આંકડાઓ પર નજર નાખીએ તો નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) અનુસાર 2017 માં બાળકોના જાતીય શોષણના 32608 કેસ નોંધાયા હતા. 2018માં આવા કેસ વધીને 39827 થયા હતા. ત્યાર પછી 2019 માં આવા કેસમાં 4.5% નો વધારો થયો હતો અને તેમાં મોટો વધારો થયો હતો.
લોકડાઉનમાં ફક્ત 5 મહિનાનો ડેટા જોવામાં આવે તો પહેલી માર્ચ 2020થી 18 સપ્ટેમ્બર, 2020 સુધીમાં લોકડાઉન દરમિયાન બળાત્કાર, ગેંગરેપ, બાળ પોર્નોગ્રાફીના 13,244 કેસ નોંધાયા હતા. એનસીપીસીઆર (બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ) મુજબ ઓનલાઇન હેલ્પલાઈન નંબરો મારફત 1 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020 દરમિયાન 420 બાળ દુર્વ્યવહારના કેસ નોંધાયા છે.
સીઆઈએફ (ચાઇલ્ડલાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન) માં પહેલી માર્ચ 2020થી 15 સપ્ટેમ્બર 2020 સુધીમાં બાળકોના જાતીય શોષણ લગતા 3940 કોલ આવ્યા છે. સરકાર આવા કેસ ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે તેમ છતાં કેસ વધી રહ્યા છે.
વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ બાળકોના જાતીય શોષણ અંગે નિષ્ણાતો અને મનોચિકિત્સકો સાથે વાત કરી હતી. બેંગ્લોરની રહેવાસી નિકિતા રાજે (નામ બદલ્યું છે) 9 વર્ષની ઉંમરે તેના પિતાના મિત્ર અને ત્યારબાદ તેમના ડ્રાઇવર દ્વારા શોષણનો શિકાર બની હતી. તેણે હિંમત કરીને માતા-પિતાને આ વિશે જાણ કરી ત્યારે તેના પરિવારે તેના પર ભરોસો મૂક્યો અને તેની પડખે રહ્યો. આજે નિકિતા એક વકીલ તરીકે કાર્યરત છે અને બાળકોના જાતીય શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં મદદ કરે છે.
અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અમદાવાદ શાખાના ભૂતપૂર્વ પ્રમુખ અને બાળરોગ ચિકિત્સક ડોક્ટર મોના દેસાઇ સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “બાળકોનું જાતીય શોષણ મોટા ભાગે ઓળખીતી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. તેમાં છોકરીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે, પરંતુ ધીમે ધીમે છોકરાઓની સંખ્યા પણ વધી રહી છે.”
તેઓ કહે છે, “પીડોફિલિયાથી પીડિત લોકોને સજા કરવામાં આવે તો પણ તેઓ ઘણી વાર સુધરતા નથી. આ ગુના માટે મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા હોવી જોઈએ. આવો કાયદો ફક્ત કેટલાક દેશોમાં જ બનાવવામાં આવ્યો છે. લોકડાઉનમાં આવા કેસ એટલા માટે વધ્યા હોઈ શકે કારણ કે કેટલાક લોકો સેક્સ વર્કર પાસે જઈ શકતા નથી. અથવા તેઓ પહેલેથી આવા વિચારો ધરાવતા હોય છે.”
આના કારણે આ બાબત વિશે વધુ જાગૃત થવું જરૂરી છે. આ માટે કોઈને દોષિત માનીએ એ પહેલા એ જોવું પડે કે આપણે ત્યાં જાતીય શિક્ષણની સંપૂર્ણ ઉપલબ્ધતા નથી અને પરિવાર દ્વારા જ તેના વિશે માહિતી આપવામાં આવતી નથી.
સર્કલ્સ ઓફ સેફ્ટી એનજીઓના સ્થાપક અનુજા અમીનના જણાવ્યા અનુસાર, “ચિલ્ડ્રન હેલ્પલાઈનમાં લોકડાઉન થયાના પહેલા 11 દિવસમાં, 92000 એસઓએસ કોલ્સ બાળ જાતીય શોષણ અને સ્ત્રી સતામણીથી સંબંધિત છે. જે ખૂબ ચિંતાનો વિષય છે.”
વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ મનોચિકિત્સક અને સેક્સ એક્સપર્ટ ડો. વિશાલ ગૌર સાથે વાત કરી હતી. બાળપણમાં જાતીય શોષણનો ભોગ બનેલા બાળકો ઉપર કેવી અસર થાય છે તે વિશે પૂછતા તેમણે કહ્યું, “જે બાળકો ઉપર 5 વર્ષની ઉંમર પહેલાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય, તેઓ એક ડર સાથે જીવે છે અને કોઈ પણ નવી વ્યક્તિ આવે ત્યારે ડર લાગે છે. તેઓ 5 વર્ષથી વધુ ઉંમરે આ પરિસ્થિતિનો સામનો કરે તો તેઓ આ બાબત સમજે છે. 6- 7 વર્ષ પછી તેમનામાં એંક્ઝાયટીના હુમલા અથવા ડિપ્રેશન પણ પેદા થાય છે. બાળકોનું જાતીય શોષણ ફક્ત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે એવું નથી, પરંતુ મહિલાઓ દ્વારા પણ શોષણ થાય છે. પરંતુ ભારતમાં તેની સંખ્યા ઓછી છે.”