ગત મોડી રાત્રે આણંદના બોરસદમાં બે કોમના ટોળા સામ સામે આવી જતા મામલો બિચકાયો હતો. પોલીસને જાણ થતા જ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિર વિખેર કરવા માટે 20 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં લોખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બોરસદમાં ગત મોડી રાત્રે શહીદ સર્કલ પાસે બે કોમના ટોળાઓ સામ સામે આવતા મામલો બિચકાયો હતો. હનુમાન મંદિર અને અહેમદશા પાર્ટી પ્લૉટ પાસે સાફ સફાઈ બાબતે માથાકુટ થઈ હતી. જેમાં હનુમાન મંદિર પાસે એક યુવકને માર મારવામા આવ્યો હતો. બે યુવકોને કોલેજ રોડ પર આંતરી હુમલો કરવામાં આવ્યો હતો. જેના બાદ મામલો બગડ્યો હતો. આ બાદ બે કોમના ટોળાઓ વચ્ચે સામ સામે આવતા ભારે પથ્થરમારો થયો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે રવાના થયો હતો. તોફાની ત્તત્વનો ભગાડવા માટે પોલીસે 20 થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા. તો મામલો થાળે પાડવા 30 થી વધુ રબર બુલેટથી ફાયરિંગ કર્યુ હતું. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.
જૂથ અથડામણથી SP સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જૂથ અથડામણ બાદ સમગ્ર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. સમગ્ર બોરસદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાયુ છે.
આ ઘટના બાદ રેન્જ આઈજીપી વીર ચંદ્રશેખર બોરસદ પહોંચ્યા હતા. રેન્જ આઇજીએ ઘટના સ્થળની તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત કરી હતી. બોરસદમાં શાંતિ જાળવી રાખવા માટે આઈજીએ સ્થાનિક અધિકારીઓને સૂચના આપી છે.