મોરબીમાં પ્રવાસી સુવિધાના 3 કરોડના અને આરોગ્ય સુખાકારીના 2.48 કરોડના કામનું લોકાર્પણ કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ

| Updated: May 17, 2022 4:48 pm

મોરબીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના વવાણિયામાં આહીર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઇમા જગ્યામાં પ્રવાસી  સુવિધાના ત્રણ કરોડના અને આરોગ્ય સુખાકાકારીના 2.48 કરોડના કામનું લોકાર્પણ કર્યુ હતું. સીએમે માતૃશ્રી રામબાઇમાની જગ્યામાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સત્સંગ હોલ, ભોજનાલ, રસોડાનું લોકાર્પણ કર્યુ હતુ. તેમણે આ વિસ્તારના લોકોની આરોગ્ય સુખાકારી માટે 2.48 કરોડના વિવિધ પાંચ વિકાસલક્ષી કામની ભેટ પણ નાગરિકોને ધરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ 80 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્માણ થયેલા વવાણિયા PHC, 35 લાખના ખર્ચે તૈયાર થયેલ 20 બેડના કોવિડ વોર્ડ ઉપરાંત માળિયા-મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 38.50  લાખ રૂપિયાના ખર્ચે 250 એલ.પી.એમ કેપેસિટીના પી.એસ.એ પ્લાન્ટ, ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ 38.50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પી.એસ.એ પ્લાન્ટ અને 56 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત 50 બેડના કોવિડ વોર્ડના ઇ-લોકાર્પણ કર્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે માતૃશ્રી રામબાઇમાએ સેવાકીય કાર્યોની ટેક અને ભેખ સાથે નિસ્વાર્થ ભાવે સમાજસેવાના કામોમાં જોડાઇને સમગ્ર સમાજજીવનને માર્ગદર્શન આપ્યું છે તેની પણ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હતી. તેમણે આહીર સમાજના સૌ ઉપસ્થિત પશુપાલકો-આહીર પરિવારોને સંબોધતા એમ પણ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે આ વર્ષે 500 કરોડ રૂપિયાની જોગવાઇ સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર ગાય આધારિત ખેતી માટે એક દેશી ગાય દીઠ માસિક 900 રૂપિયા  નિભાવણી ખર્ચ સરકાર આપે છે તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક ખેતી બોર્ડની પણ રચના કરી છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.  શ્રમ, રોજગાર અને પંચાયત રાજ્ય મંત્રીબ્રિજેશ મેરજાએ આહીર સમાજ સંચાલિત આ માતૃશ્રી રામબાઇમાની જગ્યાની સેવાપ્રવૃત્તિઓની સરાહના કરી હતી.

તેમણે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, રાજ્ય સરકારે મોરબી-માળિયા વિસ્તારના સર્વગ્રાહી વિકાસ માટે સતત ખેવના રાખીને આયોજનો પણ કર્યા છે. આ વર્ષે 38 કરોડ રૂપિયાના ખર્ચે સિંચાઇ માટેની યોજનાથી 1500 હેક્ટર જમીનને લાભ આપવાનું બજેટ પ્રાવધાન પણ કરેલું છે. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મ ભુવનની પણ વવાણિયામાં મુલાકાત લઇને શ્રીમદ રાજચંદ્રજીના જીવન-કવન વિશે જાણીને કૃતજ્ઞતા અનુભવી હતી.

Your email address will not be published.