પર્યાવરણને ધ્યાનમાં રાખી કોકા-કોલાની નવી પહેલ; સ્પ્રાઇટ હવે લીલા રંગની જગ્યાએ સફેદ બોટલમાં વેચાશે

| Updated: July 30, 2022 12:55 pm

કોકા-કોલાએ 60 વર્ષ પછી સ્પ્રાઈટને (Sprite) લીલા રંગની જગ્યાએ સફેદ કે પારદર્શક બોટલમાં વેચવાનો નિર્ણય કર્યો છે. કોકા-કોલાએ 27 જુલાઈના રોજ જારી કરેલા નિવેદનમાં જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી સ્પ્રાઈટ ગ્રીન બોટલની જગ્યાએ સફેદ કે પારદર્શક બોટલમાં વેચવામાં આવશે.

કોકા-કોલા માત્ર સ્પ્રાઈટ જ નહીં પરંતુ તેના અન્ય પીણાઓ ફ્રેસ્કા, સીગ્રામ્સ અને મેલો યલો જે લીલા રંગની બોટલોમાં આવે છે તેને પણ પારદર્શક બોટલોમાં વેચવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે તેની શરૂઆત ઉત્તર અમેરિકાથી થશે. ધીરે-ધીરે ભારત સહિત સમગ્ર વિશ્વમાં લીલી બોટલોને પારદર્શક બોટલો દ્વારા બદલવામાં આવશે.

કોકા-કોલાએ સૌપ્રથમ ફિલિપાઇન્સમાં 2019 માં સ્પ્રાઈટની ગ્રીન બોટલની જગ્યાએ પારદર્શક બોટલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ સિવાય 2019માં જ યુરોપિયન દેશો અને દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં પણ પારદર્શક બોટલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

કંપનીએ કહ્યું છે કે પર્યાવરણને ધ્યાનમાં લઈ આ પગલું ભર્યુ છે. કોકા-કોલા અનુસાર સ્પ્રાઈટના વર્તમાન પેકેજીંગમાં ગ્રીન પોલીથીન ટેરેફ્થાલેટ (PET) છે. જેથી નવી બોટલ બનાવવા માટે તેને રિસાયકલ કરી શકાતું નથી. પ્લાસ્ટિકમાં હાજર રંગ જેવા કોઈપણ પદાર્થને ફરીથી ઉપયોગમાં લેવાનું મુશ્કેલ બનાવી શકે છે. જેથી તેને રિસાયકલ કરવું હંમેશા સરળ હોતું નથી.

કોકા-કોલાનું કહેવું છે કે સ્પ્રાઈટના ગ્રીન પ્લાસ્ટિકને રિસાયક્લિંગ કરીને, ફક્ત એક જ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે કાર્પેટ અથવા કપડાં બનાવી શકાય છે. પરંતુ તેને બોટલમાં રિસાયકલ કરી શકાતું નથી.

કોકા-કોલાએ 2018માં તેની “વર્લ્ડ વિધાઉટ વેસ્ટ” પહેલ શરૂ કરી. આના દ્વારા, કંપની 2030 સુધીમાં દરેક બોટલ અથવા તેને વેચી શકે તેને એકત્ર કરીને રિસાયકલ કરવાનું લક્ષ્ય રાખે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોકા-કોલા જે બોટલ બનાવશે તેમાંથી 50% રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ પગલાથી તે 2019ની સરખામણીમાં 2 કરોડ પાઉન્ડ અથવા લગભગ 90 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિકનું ઉત્પાદન ટાળી શકશે.

2020માં પર્યાવરણીય ફર્મ ‘બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક’ના અહેવાલમાં કોકા-કોલાને વિશ્વની સૌથી વધુ પ્લાસ્ટિક પ્રદૂષિત બ્રાન્ડ જાહેર કરવામાં આવી હતી. આ સંશોધનમાં, 51 દેશોમાં કોકા-કોલાના લોગો અને બ્રાન્ડિંગના 1,834 ટુકડાઓ છોડવામાં આવેલા પ્લાસ્ટિકના સ્વરૂપમાં મળી આવ્યા હતા. કોકા-કોલાનો પ્લાસ્ટિક કચરો મોટે ભાગે ઉદ્યાનો અને દરિયાકિનારા પર જોવા મળતો હતો.

કોકા-કોલા દર વર્ષે બોટલ બનાવવા માટે 30 લાખ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. આને ઘટાડવા માટે કંપનીએ પોતાની બોટલનું વજન ઘટાડ્યું છે. કોકા-કોલા એક વર્ષમાં એટલું પ્લાસ્ટિક વાપરે છે કે તે પ્લાસ્ટિકમાંથી પ્રતિ મિનિટ 2 લાખ બોટલ બનાવી શકાય છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ: એપલ, કોકા-કોલા, BMW જેવી કંપનીઓએ કર્યો રશિયાનો બહિષ્કાર 

Your email address will not be published.