ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજનારી ચૂંટણીના અડધા વર્ષ પહેલા રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટોપ લીડરશીપ જાતે હવે ગુજરાત ભ્રમણ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે રાહુલ ગાંધી, ચૂંટણીને તેમના પક્ષના સ્થાનિક નેતાઓ કરતાં જાતે જ મેદાનમાં ઉતરીને કામગીરી સાંભળી રહ્યા હોવાની દેખાઈ આવે છે.
આજે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહમાં રાહુલ ગાંધી જનતાને સંબોધન કરવા દિલ્લીથી વડોદરા થઈને દાહોદ આવ્યા હતા. આ પહેલા પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો એક દિવસ અગાઉ જ દાહોદ પહોંચી ગયા હતા. આ નેતાઓ તૈયારીમાં હોય એ પહેલા જોવા મળતું હતું પરંતુ આ વખતે નવો ટ્રેન્ડ જોવા મળ્યો જેમાં નેતાઓ સ્થાનિક જગ્યાઓએ જઈને લોકોને સત્યાગ્રહમાં જોડાવા માટે જાત અપીલ કરી હતી અને લોકોને હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. નેતાઓમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓ ગામડાઓમાં જઈને લોકસંવાદ કરતાં હતા.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દાહોદ જિલ્લાની ફતેપુરા અને સંજેલી તાલુકાના કોંગ્રેસની જિલ્લા પંચાયતની બેઠકો કાર્યકર મિટિંગમાં હાજર રહીને જળ, જમીન અને જંગલના મુદ્દે સંઘર્ષ કરવા હાકલ કરી હતી. પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા દાહોદ જિલ્લાના લીમખેડા અને શિંખવડ તાલુકાના કાર્યકરો સાથે મિટિંગ કરી હતી. જ્યારે જિગ્નેશ મેવાણીએ દાહોદ શહેરના સુખદેવ કોલોનીમાં મિટિંગ કરી એસ. સી. એસ. ટી. સમાજનાને કોંગ્રેસ પાર્ટી સાથે મજબૂત રીતે જોડાવા હાકલ કરી હતી.