કોંગ્રેસનું મોડેલ આમ આદમી: પણ ભાજપનું ગુજરાત મોડેલ ‘ખાસ આદમી’: રાહુલ ગાંધીના પ્રહારો

| Updated: May 10, 2022 3:24 pm

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું

દાહોદઃ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનું રણશિંગુ ફૂક્યું છે. સામાન્ય રીતે શાસક પક્ષ પર આકરા પ્રહાર કરવાથી બચતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને પણ આશ્ચર્યમાં મૂકી દેતા વર્તમાન ભાજપ સરકાર પર પ્રહારો કરતા કોંગ્રેસની સિદ્ધિઓ વર્ણવી હતી. ગુજરાત કોંગ્રેસે પણ પહેલી જ વખત તેમનો આવો આગવો અંદાજ જોયો હતો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું મોડેલ સામાન્ય માનવી માટે છે. આમ આદમી માટે છે. જ્યારે ભાજપનું ગુજરાત મોડેલ આમ આદમી માટે નહી પણ ખાસ આદમી છે. આજે ભાજપના આ મોડેલના લીધે દેશમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધી છે. આજે ભારત પણ એક નથી બે છે, એક અમીરોનું અને બીજું ગરીબોનું. કોંગ્રેસને આવા બે ભારત જોઈતા નથી, તેને એક જ હિંદુસ્તાન જોઈએ છે.

રાહુલ ગાંધીએ દાહોદમાં જણાવ્યું હતું કે હું કંઈ નેતાગીરી કે જાહેર સભા યોજવા આવ્યો નથી. આ એક આંદોલન અને સત્યાગ્રહની શરૂઆત છે. ખેડે તેની જમીનનો કાયદો કોંગ્રેસ લાવી અને દરેક ખેતમજૂરને તેના લીધે જમીન મળી. ખેડૂતોના દેવા માફ કોંગ્રેસે કર્યા, આદિવાસીઓને વન્ય સંપત્તિ પર અધિકાર કોંગ્રેસે આપ્યો.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં દાહોદના પ્રવાસ દરમિયાન આદિવાસી સમુદાયના આગેવાનો સાથે ભેગા મળીને તેમનું લોકનૃત્ય કરવાની તક ઝડપી લીધી હતી

જ્યારે ભાજપ શહેરીકરણ, ઉદ્યોગીકરણના નામે ખેડૂતો અને આદિવાસીઓ પાસેથી જમીન છીનવી રહી છે. પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પણ આનું જ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ હેઠળ આદિવાસીઓની જમીન છીનવી લેવાશે, પણ તેમને પૂરતુ વળતર નહીં અપાય. દેશના મોટાભાગના બંધોનું નિર્માણ કોંગ્રેસે કર્યુ છે અને આજે આ જ ભાજપ કહે છે કે કોંગ્રેસે શું કર્યુ. કોંગ્રેસે અદના આદમીની ચિંતા કરી છે અને ભાજપ કોની ચિંતા કરે છે તે કહેવાની જરૂર નથી. ભાજપની આ સરકાર ફક્ત વિશેષાધિકાર ધરાવતા લોકોની મૂડીપતિઓની સરકાર છે.

આજે કોંગ્રેસના શાસન વખતે જેના ભાવ બમણા થતા જ હોબાળો કરતો ભાજપ પક્ષ આજે દરેક વસ્તુના ભાવ ત્રણથી ચાર ગણા કરી રહ્યો છે અને તેનો લાભ પણ ગણ્યાગાંઠ્યા લોકોને જ થઈ રહ્યો છે. કોંગ્રેસ દરેક વર્ગને તેનો અધિકાર આપવામાં માને છે અને ભાજપ અધિકાર છીનવવામાં માને છે. દરેકના અધિકાર છીનવીને તેને પોતાનામાં કેન્દ્રિત કરવા આ જ ભાજપનું સુશાસન મોડેલ છે, જ્યાં સંસ્થાઓનો એકડો કાઢી નાખવામાં આવે છે અને સત્તા એકમાં જ નિહીત થઈ જાય છે.

Your email address will not be published.