ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝન પર કોવિડ-19નો પડછાયો મંડરવા લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સ (DC)ના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આઈપીએલ દ્વારા જારી કરવામાં આવેલી મીડિયા રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. હાલમાં દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ ફરહાર્ટ પર નજર રાખી રહી છે.
ગયા વર્ષે ભારે ફટકો પડ્યો હતો
IPLની છેલ્લી સિઝન કોરોના મહામારીને કારણે ઘણી અસરગ્રસ્ત થઈ હતી. IPL સિઝન 4 મે 2021 ના રોજ સ્થગિત કરવી પડી હતી, આ જાહેરાત સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પિનર અમિત મિશ્રાને કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા પછી કરવામાં આવી હતી.
લીગ સ્થગિત સમયે કુલ 29 લીગ મેચો યોજાઈ હતી.બાદમાં, BCCI એ બાકીની મેચોનું UAE માં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. કોવિડ-19ને કારણે, 2020માં યુએઈમાં જૈવ-સુરક્ષિત વાતાવરણમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્રિકેટ પર કોરોનાની મોટી અસર
કોવિડ-19ની ક્રિકેટની રમત પર ઘણી અસર થઈ છે. હવે IPLની વર્તમાન સિઝનમાં તાજેતરની ઘટનાઓએ BCCIની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગયા વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમમાં કોવિડ -19 કેસની પુષ્ટિ થયા પછી ભારતે ઇંગ્લેન્ડનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. હવે તે પ્રવાસની બાકીની પાંચમી ટેસ્ટ મેચ જુલાઈ 2022માં રમાવાની છે.
દિલ્હીની આગામી મેચ શનિવારે
દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાં તેણે બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી હાલમાં પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) ઉપર સાતમા ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ આગામી શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે.