ડાન્ઝિગ બાલદાયેવ : મનના ઉઝરડાને છૂંદણાંમાં ઉતારતો સોવિયેત જેલર 

| Updated: April 1, 2022 4:51 pm

અત્યારે જયારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચારેબાજુ રશિયાની વાતો થઇ રહી છે ત્યારે રશિયાના ભૂતકાળના કેટલાક પાના પર નજર નાખવી રસપ્રદ રહેશે. આ મહાન દેશનો ભૂતકાળ અતિ ભવ્ય થી માંડીને વિકરાળ સુધીના બધા અંતિમો પર સફર કરી ચુક્યો છે. લેનિનની આગેવાની નીચે થયેલી લોહિયાળ સામ્યવાદી ક્રાંતિને ભુલાવે એવો નરસંહાર લેનિન બાદ રશિયાના સર્વોચ્ચ શાશક બનેલા સ્તાલિનના રાજમાં કરવામાં આવ્યો હતો.

એ અંતિમો આખરે મળતા હોય એમ, અતિ કટ્ટર જમણેરી વિચારધારા અને અતિ કટ્ટર ડાબેરી વિચારધારામાં એકબીજાની છબી દેખાતી હોય છે. બીજું કંઇ નહિ તો ઓછામાં ઓછું હિંસાના પ્રયોગમાં તો ખરું જ. એ રીતે, એ જમાનામાં નાઝીવાદીઓ જેમ પોતાની વિચારસરણીમાં ન માનનારા લોકોને અલગ પાડી દેતા હતા તેમ સામ્યવાદીઓ પણ સામ્યવાદનું સમર્થન ન કરનારા લોકોને ” જનશત્રુ ” ઠેરવીને અલગ કરી દેતા હતા.

આપણે જેમની વાત કરવાના છીએ એ ડાન્ઝિગ  બાલદાયેવના માતાપિતાને પણ  “લોકોના દુશ્મન” તરીકે લેબલ કરીને સ્ટાલિનના માણસો દ્વારા જેલમાં પુરવામાં આવ્યા હતા. એ ક્રૂર જમાના પ્રમાણે, અન્ય રાજકીય કેદીઓના બાળકોની જેમ  ડાન્ઝિગ બાલદાયેવનું બાકીનું બાળપણ પણ એક અનાથાશ્રમમાં વીત્યું.

મોટા થયા બાદ, બીજા વિશ્વયુદ્ધમાં વિજય બાદ, સોવિયેત યુનિયન સરકારના, NKVD તરીકે ઓળખાતા આંતરિક સલામતી ખાતા દ્વારા લેનિનગ્રાડ જેલના વોર્ડન તરીકે ડાન્ઝિગની નિમણૂક કરાઈ.

જેલમાં, બાલદાયેવે પોતાની દેખરેખ હેઠળના કેદીઓ માટે ટેટૂ દોરવાનું શરૂ કર્યું. વર્ષો વીતતા ગયા એમ એમના ડ્રોઇંગ્સ એક પ્રભાવશાળી સંગ્રહમાં વિકસતા ગયા. સામ્યવાદના પતન પછી આમાંના કેટલાક ગ્રંથો  જાહેર પ્રજા  માટે પ્રકાશિત થયા.

“ડ્રોઈંગ્સ ફ્રોમ ધ ગુલાગ” નામનું આ ચિત્રોનું છેલ્લું વોલ્યુમ 2010માં પ્રકાશિત થયું હતું. ડાન્ઝિગ બાલદાયેવનું  2005માં અવસાન થઇ ગયું.  તેમનું મોટાભાગનું કામ  મરણોત્તર પ્રકાશિત થયું છે. “રશિયન ક્રિમિનલ ટેટૂ”  નામનો  એન્સાયક્લોપીડીયા જેવો એક ગ્રંથ-સંપુટ પણ છે જેનું એક પાનું  આવું દેખાય છે.

આ ચિત્રો- ટૅટૂ – છૂંદણાં, ડાન્ઝિગ બાલદાયેવના બાળમન પર પડેલા ઘાની એક દુઃખદ અભિવ્યક્તિહોવા ઉપરાંત સોવિયેતકાલીન રશિયાના વરવા ભૂતકાળની એક ઝાંખી પણ છે 

સૌજન્ય : શ્રી. અમિત શાંડિલ્ય  ( Twitter @Schandillia )

Your email address will not be published.