ડીસા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ચાર ડ્રગ ડીલર્સને આ રીતે દબોચ્યા

| Updated: October 12, 2021 8:31 pm

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ઝડપી પાડવાનો સિલસિલો યથાવત છે. ડીસા પોલીસે આજે હાઇવે પરથી એક કારમાં એમડી ડ્રગ્સ લઈને જઈ રહેલા 4 આરોપીઓને 117 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.

ચારેય આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસ ચેકિંગમાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ અને કાર સહિત 15 લાખ રૂપિયાનો મુદામાલ પકડીને પૂછપરછ હાથ ધરી છે.

ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કંસારી ટોલનાકા પર રાજસ્થાન તરફથી આવતી સફેદ રંગની આઇટેન 10 કાર શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકાવાનો ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કારનું આગળનું ટાયર ફાટી જતા ટેટોડા ગૌશાળા પાસે કાર ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન જ પોલીસે દોડી જઇને કારમાંથી નાસી રહેલા ચાર શખ્સોને પકડી પાડ્યા હતા.

પોલીસે કારની તલાસી લેતાં અંદરથી એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યુ હતું. પકડાયેલ શખ્સોને તાલુકા પોલીસ સ્ટેશને લઇ જવાય હતા અને બનાસકાંઠાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને જાણ કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના ભંવરલાલ ભગવાનરામ જાટ, રતનલાલ પ્રેમારામ નાઈ, હનુમાન રામ જુજા રામ જાટ, હનુમાનરામ ભવરા રામ જાટની ધરપકડ કરી હતી. આ રીતે પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરતી ગેંગને ઝડપી લઇને આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ પર હોવાને કારણે અહીં ડ્રગ્સની હેરાફેરી ખૂબ વધી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં અહીં 10મી વખત પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે.

Your email address will not be published. Required fields are marked *