Site icon Vibes Of India

ગુજરાતી ઉદ્યોગપતિને પરણેલી ચાઇનીઝ મહિલાનું એનજીઓ સ્થાપવાનું રોળાયું

ગુજરાતીને પરણનાર ચાઇનીઝ મહિલા જૈનપિંગ લી ગુજરાતમાં ફરીથી કોઈપણ કંપની લોન્ચ કરવાનો ઇરાદો ધરાવતી નથી. વાસ્તવમાં તે હાલમાં જે સ્વયંસેવી સંગઠન ચલાવે છે તેને પણ બંધ કરવા માંગે છે. લીએ 2019માં ગુજરાત ચાઇનીઝ એન્ટરપ્રાઇઝ એસોસિયેશનની સ્થાપના કરી હતી, તેની ફરિયાદ છે કે કંપની રજિસ્ટ્રાર (અમદાવાદ) તેની કારણ વગર પજવણી કરે છે. જ્યારે તેની કોઈ ભૂલ નથી.

કંપની રજિસ્ટ્રારે કોઈપણ પ્રકારનું કારણ આપ્યા વગર તેને 31 માર્ચ 2020ના પૂરા થયેલા વર્ષ સુધીનું વાર્ષિક રિટર્ન ફાઇલ ન કરવા બદલ સાત લાખની પેનલ્ટી ફટકારી છે. ગુજરાતી ચાઇનીઝ એન્ટરપ્રાઇઝ એસોસિયેશનની સ્થાપના 9 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવી હતી. તેણે ચાઇનીઝ ભાગીદાર વેઇડોંગ યિન સાથે આ સ્વયંસેવી સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠનને ખાતુ જ ન હોવાથી તે કામ શરૂ કરી શક્યું ન હતું. યિન પણ ચીનમાં હોવાથી ખાતુ શરૂ થઈ શક્યું ન હતું. કોવિડ-19ના લીધે તે અટવાઈ ગયો હતો. તેના પછી ભારત-ચીન સંઘર્ષના લીધે તેના માટે આવવું શક્ય બન્યું ન હતું.

અમદાવાદમાં લીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં રોકાણ કરવા માંગતી ચાઇનીઝ કંપની માટે એક મહત્વનો સેતુ બનવા માંગતા હતા. તેને મદદ કરવા માંગતા હતા. અમે ચાઇનીઝ કંપનીઓ ભાષાકીય મર્યાદાઓને અતિક્રમી જઈને યોગ્ય વ્યક્તિઓની પસંદગી કરે તે સુનિશ્ચિત કરવા માંગતા હતા. અમે ગુજરાતમાં વિદેશી રોકાણની સ્થિતિ મજબૂત કરવા આ સંગઠન શરૂ કર્યુ, પરંતુ બધા પાસા ઉલ્ટા પડ્યા હતા.

આ સ્વયંસેવી સંગઠને એચડીએફસી બેન્ક સમક્ષ ખાતુ ખોલવા માટે અરજી કરી હતી, પરંતુ તેઓએ તેમની ખાતુ ખોલવાની અરજી સ્વીકારી ન હતી, કારણ કે તેના સહસ્થાપક યિન ચીનમાં હતા. તેઓ ત્યાં શારીરિક હાજરી આપી શકે તેમ ન હતા. વેઇડોંગ યિને 2019ના વર્ષના અંતે ભારત છોડ્યું અને વારંવારની વિનંતી છતાં તેના પહેલા કોવિડના લીધે અને પછી આંતરરાષ્ટ્રીય મુદ્દાના લીધે વિઝા મળ્યા નથી. અમે બેન્કો અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ મુશ્કેલી રજૂ કરી, પરંતુ આમાનું કોઈ અમને સાંભળવા માંગતું નથી. જૈનપિંગ અમદાવાદમાં તેના ગુજરાતી ઉદ્યોગપતિ અને સંતાન સાથે પાંચ વર્ષથી રહે છે.

કોઈપણ કંપની કે એનજીઓ શરૂ થાય તો તેણે ખાતુ ખોલાવવું પડે છે. જૈનપિંગના સંગઠનને ખાતુ જ ન હોવાથી તેનું એનજીઓ સ્થપાયું તો ખરું પણ કંપનીઝ એક્ટ મુજબ શરૂ ન થઈ શક્યું. આમ છતાં પણ આ એનજીઓને કંપનીઝ એક્ટ 2013 મુજબ અંડર સેકશન 92 (5) અને સેક્શન 137 (3) મુજબ દંડ કરવામાં આવ્યો.

આ કેસનું સંચાલન કંપની રજિસ્ટ્રાર અને ગુજરાતના એડજડિકેટિંગ ઓફિસર એમકે સાહુ, પ્રેઝન્ટિંગ ઓફિસર તૃપ્તિ શર્મા અને ટેકનિકલ આસિસ્ટન્ટ વીએસ તિવારીએ કર્યુ છે અને 16 માર્ચ 2022ના રોજ તેમણે કેસની સુનાવણી કરી હતી.

જૈનપિંગ લીની કંપની સેક્રેટરીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હું અમદાવાદ કંપની રજિસ્ટ્રારમાં એમકે સાહુની સાથે આઇસીએલએસ ઓફિસર અંકિતા લાહોટીને મળી હતી, પરંતુ કોઈએ મારી વિનંતી સાંભળી ન હતી. અમે તેમને અમારી કંપનીને બંધ કરાવવા માટે પણ વિનંતી કરી હતી, પણ તેઓએ કંપની બંધ કરવામાં પણ અમને મદદ કરી ન હતી. તેઓએ મારા ક્લાયન્ટ પાસેથી સાત લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા, જ્યારે તેઓ જાણે છે કે અમે આટલા વર્ષોમાં એક રૂપિયો કમાયા નથી. વાસ્તવમાં અમારી પાસે બેન્ક ખાતુ જ નથી.

ભારત-ચીનના બગડેલા સંબંધોની અસર

લી માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારનું તેના સંગઠન અને ચાઇનીઝ લોકો પ્રત્યેનું વર્તન બદલાયું છે. ભારત અને ચીન વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધ 2019થી વણસેલા છે અને 2020માં કોવિડ પછી તો જાણે સમગ્ર સ્થિતિ જ બદલાઈ ગઈ છે.

2019માં જૈનપિંગ અને યીના પ્રયત્નોના લીધે ચાઇનીઝ કંપનીએ ધોલેરા ઇન્વેસ્ટમેન્ટ રિજયનમાં ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 10,500 કરોડના રોકાણની મંજૂરી આપી હતી. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સીએમના મુખ્ય સચિવ કુનિયિલ કૈલાસનાથન, સીએમના ભૂતપૂર્વ મુખ્ય સચિવ એમકે દાસ અને અન્ય અમલદારો આ એમઓયુ પર સહીસિક્કા થયા ત્યારે હાજર હતા. અમે કોઈ ગુનો કર્યો નથી, છતાં પણ અમને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે કેમકે અમે ચાઇનીઝ છીએ. કંપની રજિસ્ટ્રારને પણ ચાઇનીઝ લોકો સામે પૂર્વગ્રહ છે. બે દેશોના આંતરરાષ્ટ્રીય સંબંધો બગડે છે તેમા અમારો શું વાંક છે? શા માટે મારી પજવણી કરવામાં આવી રહી છે? એવો સવાલ જૈનપિંગ આક્રોશ સાથે પૂછે છે.

(આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ કંપની રજિસ્ટ્રારનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ સ્ટોરી અપડેટ થઈ નહી ત્યાં સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી)