ડ્રગ્સની લતે ચઢ્યા પછી અમદાવાદી શખ્સ બ્લેકમેલિંગનો શિકારઃ પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા

| Updated: June 28, 2021 5:51 pm

અમદાવાદમાં નશીલા પદાર્થના સેવનની આદત પડ્યા પછી એક વ્યક્તિ બ્લેકમેલિંગનો શિકાર બની છે અને તબક્કાવાર રીતે પાંચ લાખ રૂપિયા પણ ગુમાવ્યા છે.

રામોલના અર્બુદાનગરમાં રહેતા 37 વર્ષીય આનંદ મિસ્ત્રીને ડ્રગ્સની લત પડી હતી. મિસ્ત્રીને ડ્રગ્સના નશાની લત લગાડવા પાછળ ગોમતીપુરના રાજપુર ટોલનાકામાં રહેતા ઝાકીર હુસૈન શેખ ઉર્ફે જિંગાનો હાથ હતો. મિસ્ત્રીનો પરિવાર તેની આ લત વિશે અજાણ હોવાથી શેખે તેનો ફાયદો ઉઠાવીને ધમકી આપી કે તેને રૂપિયા આપવામાં નહીં આવે તો મિસ્ત્રીના પરિવારજનોને હકીકત જણાવી દેશે.

મિસ્ત્રીને ભય હતો કે તેની આ લત વિશે તેમના પિતા કાંતિલાલ મિસ્ત્રીને જાણ થઈ જશે તો તેઓ તેમને, તેમના પત્ની તથા બાળકોને ઘરમાંથી કાઢી મૂકશે. તેથી છેલ્લા દોઢ વર્ષથી મિસ્ત્રીએ શેખને કુલ 4થી 5 લાખ રૂપિયા આપ્યા છે.

મિસ્ત્રીએ તેની એફઆઇઆરમાં લખાવ્યું છે કે શેખ આનાથી પણ વધારે રકમની માંગણી કરે છે. એક પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, શેખ માટે આટલા રૂપિયા પણ ઓછા હતા, “મિસ્ત્રી પાસે શેખની માંગણી પૂરી કરવા વધુ પૈસા ન હોવાથી, મિસ્ત્રીએ શેખને બે કોરા ચેક આપ્યા અને વિનંતી કરી કે જ્યાં સુધી તે ન કહે ત્યાં સુધી બેન્કમાં ચેક જમા ન કરાવે.”

પોલીસ અધિકારીઓએ કહ્યું કે શેખ આટલેથી ન અટક્યો. તેણે મિસ્ત્રીની બાઇક અને ત્યારબાદ તેની વેન પણ છીનવી લીધી હતી.      

રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે એસ દવેએ કહ્યું કે, “મિસ્ત્રીના પિતાએ તેને તેની બાઇક અને વેન વિશે પૂછ્યું ત્યારે તેની પાસે સત્ય બોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, ત્યાર પછી રવિવારે મિસ્ત્રીએ શેખ સામે પૈસા પડાવવા માટે કલમ 384, તેની સાથે દુર્વ્યવહાર કરવા બદલ કલમ 294 (બ) અને ધમકીઓ આપવા બદલ કલમ 506 (2) અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે શેખની અટકાયત કરાઇ છે અને તેને કોરોનાના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે.”

મિસ્ત્રીએ એફઆઈઆરમાં જણાવ્યું કે, તે શેખને તેના એક મિત્ર સફી મારફત મળ્યો હતો. સફી રામોલના જનતાનગરનો રહેવાસી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “સફીએ મિસ્ત્રીની શેખ સાથે મુલાકાત કરવી હતી. શેખ ડ્રગ્સનું વ્યસન કરતો હતો. શરૂઆતમાં શેખ મિસ્ત્રીને ડ્રગ્સ લાવી આપતો અને જ્યારે મિસ્ત્રીને ડ્રગ્સની લત લાગી ગઈ, ત્યારે શેખે તેને પૈસા ઉધાર આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેને તેના પરિવારને લત વિશે જાણ કરી દેવાની ધમકી આપી અને પૈસાની માંગણી શરૂ કરી હતી.”        

Your email address will not be published.