EDની 2004થી 2014માં 112 રેડ પણ 2014થી 22માં 3010 દરોડા

| Updated: July 27, 2022 3:21 pm

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની સરકારે 2014માં સત્તા સંભાળી પછી આઠ વર્ષ દરમિયાન 3010 દરોડા પાડ્યા છે અને 99,356 કરોડની કિંમતની મિલકત પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જપ્ત કરી છે. તેની સામે યુપીએ સરકારે 2004થી 2014 દરમિયાન 112 જ દરોડા પાડ્યા હતા અને 5,346 કરોડની રકમ જપ્ત કરી હતી, એમ નાણાપ્રધાને પોતે સંસદમાં જણાવ્યું હતું.

આ જ રીતે 2004-05થી 2013-14 દરમિયાન ફોરીન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ 8,586 કેસોમાં જ તપાસ કરવામાં આવી હતી. તેની સામે છેલ્લા આઠ વર્ષમાં 22,320 ફેમા કેસ નોંધાયા છે, કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસના પ્રિયંકા ચતુર્વેદી દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ આપતા આ વાત જણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે યુપીએના કાર્યકાળમાં ઇડીના દરોડામાં પકડાયેલી એકપણ વ્યક્તિને એકપણ કોર્ટે સજા કરી ન હતી. જ્યારે તેના હેઠળ જપ્ત કરાયેલી રકમ પણ ઘણી ઓછી હતી. આ ઉપરાંત કોઈપણ મિલકત જપ્ત કરવામાં આવી ન હતી. તેનાથી વિપરીત 2010માં છેલ્લા આઠ વર્ષ દરમિયાન 99,356 કરોડ એટલે કે લગભગ એક લાખ કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે તેમ કહી શકાય. તેમા 888 કેસમાં કાર્યવાહી થઈ છે અને 23 આરોપીઓને કે એકમોને સજા થઈ છે. તેની સાથે તેમના ગુના સબબ 869.31 કરોડની રકમ ટાંચમાં લેવાઈ છે.

આ વર્ષે 31 માર્ચના અંતે ઇડીએ 992 પીએમએલએ ચાર્જશીટ ફાઇલ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ એપ્રિલ 2014થી માર્ચ 2022ના અંત સુધીમાં 3,555 કેસ નોંધ્યા છે. આ સાથે કુલ 5,422 કેસ આજની તારીખ સુધીમાં નોંધાયા છે. તેમા 931 કેસમાં કાર્યવાહી જુદા-જુદા તબક્કે છે.

ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાણાકીય પુરાવા એકત્રિત કરવાના સંદર્ભમાં મની લોન્ડરિંગના કેસોની તપાસ અત્યંત મહત્વની છે. તપાસનો વધેલો વ્યાપ દર્શાવે છે કે સરકાર મની લોન્ડરિંગને ડામવા માટે કટિબદ્ધ છે અને તે સિસ્ટમ સુધારવા માટે છે અને આ માટે તે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ પર ભાર મૂકી રહી છે. આ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આ માટે સહયોગ સાધી રહી છે. તે જૂના કેસો પણ જોઈ રહી છે અને જટિલ કેસો પણ હાથ ધર્યા છે. તેમા અનેકવિધ આરોપીઓને ત્યાં અનેકવિધ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. પીએમએલએ કાયદો 2002માં બનાવવામાં આવ્યો હતો અને 2005માં તેનો અમલ શરૂ થયો હતો.

ફેમા કેસ અંગે પ્રધાને રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2004-05થી 2013-14 દરમિયાન 571 તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા. જ્યારે તેના પછીના આઠ વર્ષ દરમિયાન ફેમા હેઠળ 8,596 કેસ નોંધવામાં આવ્યા હતા. તેમા 2,780 કેસોમાં કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. તેમાથી 1,312માં 1,754.33 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેના પરિણામે ફેમા હેઠળ 14 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હતી.

Your email address will not be published.