ભાવનગરઃ ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ વેરેલા વટાણા હવે તેમને તો ઠીક ભાજપને પણ ભારે પડી રહ્યા છે. વાઘાણીના બફાટનો ફાયદો ઉઠાવી આપના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જીતુ વાઘાણીના જ મતવિસ્તારમાં આવેલી સ્કૂલની મુલાકાત લઈ ગુજરાત મોડેલના ધજાગરા કાઢ્યા હતા.
સિસોદિયાએ જીતુ વાઘાણીના મતવિસ્તાર ભાવનગરમાં આવેલી બે સરકારી સ્કૂલની મુલાકાત લઈને વિકાસના ગુજરાત મોડેલ પર ગંભીર પ્રહાર કર્યો હતો. સિસોદિયાએ આ સ્કૂલના ફોટા પોસ્ટ કર્યા તેને લઈને આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ થવાને આવ્યા તો પણ આજે દેશના બાળકોને પ્રાથમિક શાળામાં બેસવા માટે સરખી પૂરી પાડી શક્યા નથી. આનો પુરાવો ગુજરાતના ભાવનગર વિસ્તારની આ શાળા આપે છે.

હવે વિકાસનું મોડેલ કહેવાતા ગુજરાતની સરકારી શાળાઓની આ સ્થિતિ હોય તો પછી દેશના બીજા વિસ્તારોમાં શાળાઓના મોરચે કેટલો ભયાવહ ચિતાર હશે તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું.
સિસોદિયાએ જણાવ્યું હતું કે મેં ગુજરાતના ભાવનગરની બે સ્કૂલની જાત તપાસ કરી હતી. ગુજરાતના શિક્ષણમંત્રીના મતવિસ્તારની સરકારી સ્કૂલમાં રૂમોમાં કરોળિયાના જાળાઓ છે. વિદ્યાર્થીઓને બેસવા માટે સરખી બેન્ચોની વાત તો જવા દો બેસવા માટે સરખી ફર્શ પણ નથી. તેમા પણ શૌચાલય તો એવું છે કે ત્યાં એક મિનિટ પણ ઊભા રહી શકાય તેમ નથી. આ છે ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનનું શિક્ષણ મોડેલ.

આ પ્રકારની સ્કૂલોમાં શિક્ષક સાત કલાક રહી કહી રીતે શકે અને સાત કલાક ભણાવી પણ કેવી રીતે શકે. આ વિદ્યાર્થીઓના માબાપે જણાવ્યું હતું કે જો શિક્ષકે પણ શૌચાલય જવું હોય તો તે શાળાના ટોઇલેટમાં જતો નથી પણ પોતાના ઘરે જાય છે, ઘણી વખત તો ઘરે ગયેલા શિક્ષક તે દિવસે પાછા આવતા જ નથી. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં જો અમે પાંચ વર્ષમાં સરકારી સ્કૂલોની સ્થિતિ બદલી શકતા હોઈએ તો પછી સમજી શકો કે બીજા રાજ્યોમાં પણ શું કરીશું. જ્યારે ગુજરાતમાં ભાજપ 27 વર્ષ પછી પણ સરકારી સ્કૂલોની સ્થિતિ બદલી શક્યું નથી.
કેજરીવાલે ટવીટ કર્યું હતું કે આ રીતે ભણતા બાળકો શું ભણી શકે અને તે કદાચ ભણે તો પણ કેવું ભણે તથા તેમને રોજગાર પણ કેવી રીતે મળે.