સુરતઃ મહારાષ્ટ્ર ભાજપમાં બળવો કર્યા પછી સુરત આવેલા શિવસેનાના નેતા એકનાથ શિંદેએ જણાવ્યું છે કે અમે સત્તા માટે હિંદુત્વને દગો નહી આપીએ. એકનાથ શિંદે 31 વિધાનસભ્યો સાથે સુરત આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ જ કહી શકાય કે 26 વિધાનસભ્યોએ શિવસેના સાથે છેડો ફાડ્યો છે. શિવસેનાના કુલ બળવાખોર વિધાનસભ્યોની સંખ્યા 35 છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસના પાંચ સભ્યો પણ પક્ષના સંપર્કમાં નથી તેમ કહેવાય છે. ઠાકરેએ બોલાવેલી બેઠકમાં ફક્ત 18 વિધાનસભ્ય જ આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે અમને બાલાસાહેબ ઠાકરેએ હિંદુત્વ શીખવાડ્યુ છીએ. અમે હિંદુત્વની વિચારધારા ક્યારેય નહી છોડીએ. તાજેતરની ચૂંટણીમાં શિવસેનાના નબળા દેખાવ પછી શિવસેનામાં આંતરિક અસંતોષ વધ્યો છે. તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની ચૂંટણીમાં શિવસેના સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ હતી. આના પગલે શિવસેનામાં આંતરિક અસંતોષે વેગ પકડ્યો હતો.
શિવસેનાના મોટાભાગના વિધાનસભ્યો આંતરિક ધોરણે માને છે કે તેઓની વૈચારિક રીતે એનસીપી અને કોંગ્રેસ સાથે કોઈપણ સામ્યતા નથી. તેઓને ભાજપ સાથે જ ફાવે છે. તેઓની માન્યતા છે કે એક સમયે રાજ્યમાં ભાજપ નબળું હતું ત્યારે શિવસેનાની પાછળ હતુ. હવે જો એક રાષ્ટ્રીય પક્ષ પ્રાદેશિક સ્તરે પ્રાદેશિક પક્ષની પાછળ રહી શકતો હોય તો શિવસેનાએ પણ સમય ઓળખવો જોઈએ. આજે ભાજપ મજબૂત છે ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં શિવસેનાએ તેમની પાછળ રહેવુ જોઈએ અને તેમા જ તેમનું ભલું છે.
આજે જે ભાજપની સાથે તેઓ ખભેખભા મિલાવીને આટલા સમય સુધી લડ્યા હવે તેની સામે જ લડવું શિવસેના અને શિવસૈનિકોને પણ અવળુ લાગે છે. તેમને લાગે છે કે બંનેની વિચારસણી હિંદુત્વવાદી છે પછી બંને પક્ષે સાથે રહેવું જોઈએ, પછી સત્તામાં કોણ આગળ અને કોણ પાછળનો ઝગડો નકામો છે. તેઓને ભાજપ સામે પણ વ્યક્તિગત ધોરણે વાંધો નથી. આ સંજોગોમાં હવે શિવસેનાના પોસ્ટરોમાં ઉદ્ધવ ઠાકરેની સાથે સોનિયા ગાંધીને જોવા તેમના માટે હજી પણ આકરુ છે. હજી શરદ પવારને તો તે મરાઠી માનુષના નામે કદાચ સ્વીકારી લે પણ જે કોંગ્રેસની તેમણે આટલા વર્ષ લાઠીઓ ખાધી હવે તેની સાથે બેસવું તે શિવસૈનિકોને કઠી રહ્યું છે. અસંતોષના આ અગ્નિને છેલ્લે વિધાનસભા પરિષદની ચૂંટણીમાં નબળા દેખાવના લીધે વધુ વાચા મળી હતી.