નવી દિલ્હીઃ રાજ્યસભાની 57 બેઠકોની ચૂંટણીના ઉમેદવારોના નામાંકનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. રાજ્યસભાની બેઠકોમાં જોઈએ તો ભાજપને સરેરાશના ધોરણે ત્રણ બેઠકોનું નુકસાન જાય તેવી સંભાવના છે. તેના 26 સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે અને તેની સામે તેના 21થી 23 સાંસદો જ ચૂંટાઈ આવે તેમ મનાય છે.
રાજ્યસભાની 11 રાજ્યોની 41 બેઠક પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. જ્યારે બાકીના ચાર રાજ્યોની 16 બેઠકો માટેના ઉમેદવારો મેદાનમાં છે. કુલ 16 બેઠકો માટે આગામી દસમી જુને મતદાન થશે અને તે જ દિવસે મોડી સાંજે પરિણામ જાહેર થશે. આ પરિણામોથી સૌથી વધુ અસર સત્તાપક્ષને જ જશે. જો કે આ નુકસાન પણ સાવ નાનું જ છે, ભાજપની સૌથી નજીકનો પક્ષ કોંગ્રેસ પાસે રાજ્યસભામાં ફક્ત 29 બેઠકો જ છે. તેને કદાચ ત્રણ બેઠકોને ફાયદો થશે તેમ મનાય છે.
16 બેઠકોની મતદાનમાં શું થશે
હવે ખરેખરી રસાકસી રાજ્યસભાની 16 બેઠકોને લઈને છે. આ બેઠકો પર 10મી જૂને મતદાન તયા પછી તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. મહારાષ્ટ્રમાં છ બેઠકોમાં જોઈએ તો કોંગ્રેસ, શિવસેના અને એનસીપી એક-એક ઉમેદવાર સરળતાથી જીતાડી શકે છે. તેની સામે ભાજપના બે ઉમેદવાર ઊભા છે, પણ ભાજપે અને શિવસેનાએ એક-એક ઉમેદવાર ઉતારતા સ્થિતિ રોમાંચક બની છે.
આવી જ સ્થિતિ કર્ણાટકની છે. અહીં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી છે. તેના માટે છ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ત્રણ, કોંગ્રેસે બે અને જેડીએસે એક-એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે.તેથી ચોથી સીટ માટે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે જંગ ખલાશે. આવી જ સ્થિતિ હરિયાણાની છે. હરિયાણાં બે બેઠકોની ચૂંટણી છે. તેમા એક બેઠક તો ભાજપને મળવાની ખાતરી છે, પણ બીજી બેઠકમાં ભાજપે કોંગ્રેસના અજય માકેનને પડકાર ફેંક્યો છે. આમ ભાજપ ત્રણ બેઠકોનું નુકસાન બીજા પક્ષોને તોડીને ભરપાઈ કરવાની ફિરાકમાં છે.
રાજ્યસભાની વર્તમાન સ્થિતિ
રાજ્યસભાની વર્તમાન સ્થિતિ જોઈએ તો ભાજપ પાસે 95, કોંગ્રેસના 29, તૃણમૂલના 13, ડીએમકેના 10, બીજેડી અને આપના આઠ-આઠ, ટીઆરએસના સાત, વાયએસઆર કોંગ્રેસના છ, સીપીએમ, એઆઇએડીએમકે, એસપી, આરજેડી અને જેડીયુ પાસે પાંચ-પાંચ સાંસદ છે. એનસીપીના ચાર, બસપા અને શિવસેનાના ત્રણ-ત્રણ સાંસદ છે. સીપીઆઇના બે સાંસદો સિવાય એક-એક સાંસદો ધરાવતી અન્ય પાર્ટીઓની સંખ્યા 17 છે.
ચૂંટણી થાય છે તે રાજ્યમાંથી કેટલા સાંસદ
15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. તેમા ઉત્તરપ્રદેશના 11, મહારાષ્ટ્રમાં છ, તમિલનાડુ, બિહારમાં પાંચ-પાંચ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાનમાં ચાર, ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગણા, હરિયાણા દરેકમાં ત્રણ-ત્રણ અને પંજાબમાં બે-બેનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડની એક-એક બેઠકનો સમાવેશ થાય છે. આ 57 બેઠકમાં ભાજપના 26, કોંગ્રેસના છ, ડીએમકે, એઆઇએડીએમકે, સપા અને બીજેડીના ત્રણ-ત્રણ સાંસદો છે. ટીઆરએસ અને બીએસપી પાસે બે-બે સાંસદ છે. વાયએસઆર કોંગ્રેસ, એનસીપી, શિવસેના, આરજેડી, જેડીયુ અને અકાલી દળ પાસે એક-એક સાંસદ છે.
ભાજપને ઉત્તરપ્રદેશમાં ફાયદો
ચૂંટણીના પરિણામો પૂર્વે ઘણા અંશે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે કુલ 57માંથી 41 બેઠકોમાંથી ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 11 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, તેમાથી આઠ બેઠક ભાજપે, એક સપાએ જીતી હતી. આરએલડીએ એક સીટ અપક્ષ તરીકે અને એક સપાના સમર્થનથી જીતી હતી. ઉત્તરપ્રદેશમાં ભાજપને ત્રણ બેઠકનો ફાયદો થયો છે. બસપા અને સપાના બે-બે સાંસદો ઓછા આવતા તેમને બે-બે બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસે પણ એક બેઠક ગુમાવી છે.
બિહારમાં આરજેડી ફાવ્યું
બિહારની પાંચ બેઠકોમાં ભાજપ અને આરજેડીને બે-બે બેઠક મળી છે. એક બેઠક જેડીયુને મળી છે. વિજેતા ઉમેદવારોમાં આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશમાં ભાજપનો રાબેતા મુજબ દેખાવ
મધ્યપ્રદેશમાં ત્રણ બેઠકોમાં ભાજપ બે બેઠક પર અને કોંગ્રેસ એક બેઠક પર બિનહરીફ ચૂંટાયું છે. પંજાબમાં કોંગ્રેસ અને અકાલી દળને સંખ્યાની રીતે નુકસાન થયું છે. અહીં બંને બેઠકો પર આપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ઝારખંડમાં બે બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. એકમાં જેએમએમ અને બીજામાં ભાજપ જીત્યું છે. ઉત્તરાખંડમાં ભાજપે તેની પકડ જાળવી રાખતા કલ્પના સૈની બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઓડિશામાં ત્રણેય બેઠક પર બીજેડીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.