ગાંધીનગરઃ ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય આસ્થા પંચાસરાએ જીવનમાંથી આસ્થા ગુમાવી હતી અને મોતને વ્હાલુ કર્યુ હતુ. તેણે હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.

ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી આસ્થા સંજયભાઈ પંચાસરા મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે તેની બીજા વર્ષની રિપીટરની પરીક્ષા પણ હતી. મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર 902માં રહેતી આસ્થાએ સવારના સમયે હોસ્ટેલા ધાબા પરથી મોતની છલાંગ લગાવી હતી.

આ બનાવની જાણ થતાં અન્ય મેડિકલ સ્ટુડન્ટ્સ સહિત બીજા લોકો બહાર દોડી આવ્યા હતા. સેક્ટર-7 પોલીસ મથકના પીઆઇ દીપક પરમાર પણ પોલીસ ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં એટલું બહાર આવ્યુ હતું કે આસ્થાની આજે રિપીટરની પરીક્ષા હતી. તેના માતાપિતા યુએઇમાં રહે છે.
ગાંધીનગરમાં સેક્ટર 5-બીમાં તેના દાદા વસંતભાઈ અને કાકાકાકી રહે છે. આસ્થા મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. તેણે એનઆરઆઇ ક્વોટામાં એડમિશન લીધું હતું. તેના રૂમમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. તેણે માતાપિતાને સંબોધીને લખ્યું છે કે મમ્મી-પપ્પા સોરી, ભણવાના લીધે પગલું ભરું છું. હું જાઉં છું.

તેના અંગે તેની સાથે રહેતા મેડિકલ સ્ટુડન્ટ્સની પૂછપરછ શરૂ કરાઈ છે. તેના દાદા વસંતભાઈ અને કાકાકાકીને તેના અંગે જાણ કરાઈ છે. પીએસઆઇ દીપક પરમારે જણાવ્યું હતું કે હમણા 14 એપ્રિલે તેનો જન્મદિવસ ગયો હતો. તેને બીજા વર્ષની પરીક્ષા્માં એટીકેટી આવી હતી. તેથી તે હાલની પરીક્ષા આપી રહી હતી. ગઇકાલે પણ આસ્થાનું પેપર ખરાબ ગયું હતું. તે અંગે તેણે દાદા સાથે ટેલિફોનિક વાત કરી હતી અને રડવા લાગી હતી.

દાદા વસંતભાઈએ તેને સાંત્વના આપી હતી. તેના કાકાએ પણ તેને સાંત્વના આપી અને હળવા થવાનું કહ્યુ હતુ તથા ઘરે આવી જવા તથા ન આવવું હોય તો ટિફિન આપી જણા જણાવ્યું હતું. આસ્થાએ કેન્ટિનમાં જમી લેશે તેમ કહ્યુ હતુ. આસ્થા પહેલાથી દસમા ધોરણ સુધી દુબઈમાં ભણી હતી. તેણે કોલેજમાં એનઆરઆઇ ક્વોટામાં એડમિશન લીધુ હતુ. તે ગર્લ્સ હોસ્ટેલના નવમાં માળે રહેતી હતી.