નારોલમાં બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો, પિતાનુ સારવાર દરમિયાન મોત

| Updated: April 29, 2022 9:23 pm

નારોલમાં બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતમાં ત્રણ શખ્સોએ પિતા પુત્ર પર છરી વડે હુમલો કરી પિતાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પુત્રએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ હુમલાખોરોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.

નારોલના ઠાકોરવાસમાં રહેતા જીતેન્દ્રકુમાર યાદવ બુધવારે રાત્રીના સમયે ઘરે હાજર હતા ત્યારે તેમના ભાઈનો તથા પિતાને બન્નેને સરદાર પટેલ એસ્ટેટના પાછળના ભાગે સંદિપ તથા સચિન નામના બે શખ્સો સાથે બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હોવાનુ જાણવા મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જો કે પિતા અને બાઈ બન્ને ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બીજી બાજુ આસપાસના લોકોની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, સચિન અને સંદિપ સાથે બાઈક અથડાતા આ બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને ભાઈ વિવેક તથા પિતા લચ્છીરામ યાદવ સાથે ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રજ્ઞેશ ઉર્ફે કાળુ પણ ત્યાં આવ્યો હતો અને મારઝુડ કરવા લાગ્યો હતો.

જોતજોતમાં સંદિપે વિવેકને પકડી રાખ્યો હતો ત્યારે સચિને લચ્છીરામ પર છરીનો ઘા મારી દીધો હતો બાદમાં વિવેકને પણ છાતીના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જો કે સારવાર દરમિયાન લચ્છીરામનુ મોત નિપજ્યુ હતુ જ્યારે વિવેકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યુ હતુ. આ અંગે મૃતકના પુત્ર જીતેન્દ્ર કુમારે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રજ્ઞેશ, સચીન અને સંદિપને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

Your email address will not be published.