ગુજરાતમાં ખાનગી સંસ્થાઓનાં નોન-ટેક અભ્યાસક્રમો માટે પણ ફી નિયમન કમિટી રચાશે

|ગુજરાત | Updated: May 5, 2022 3:27 pm

ગુજરાતમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના હેઠળ રાજ્ય સરકારે નોન-ટેકનિકલ કોર્સીસ માટે ખાનગી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી ટ્યુશન ફી પેટે મોટી રકમની ચુકવણી કરવી પડે છે. તેના કારણે સરકારે હવે ખાનગી સંસ્થાઓમાં નોન-ટેકનિકલ કોર્સ માટેની ફી નિયમન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતનાં ટેકનિકલ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કોર્સીસમાં જેમ ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) છે તે રીતે શિક્ષણ વિભાગ હવે આર્ટ્સ, કોમર્સ અને અન્ય જેવા નોન-ટેકનિકલ પ્રોગ્રામ્સ માટે ફી નક્કી કરશે.

સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી. ગુજરાતમાં ખાનગી સંસ્થાઓમાં નોન-ટેક્નિકલ કોર્સ માટે વિવિધ યુનિવર્સિટીઓમાં લેવામાં આવતી ફીમાં બહુ મોટો તફાવત જોવા મળે છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટીઓ અથવા કોલેજો માટે કેટલી સ્કોલરશિપ આપવી તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા કેમકે રેગ્યુલેટરી કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવી નથી. એક ખાનગી યુનિવર્સિટીમાં, પાંચ પ્રોગ્રામ્સ એફઆરસી દ્વારા ચલાવાય છે, જ્યારે અન્ય દસ તે મુજબ નથી. જયારે ફી અંગે ચકાસણી કરવામાં આવી ત્યારે, એક જ કોર્સ માટે બે જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવતી ફીમાં રૂ. 25,000 થી રૂ. 2.5 લાખની વચ્ચે તફાવત હતો.
અધિકારીએ ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ હેઠળ ભરપાઈ કરાયેલી ફી ભરવાની રહેતી નથી, તેથી ખાનગી યુનિવર્સિટીઓ તેમને આ નોન-ટેકનિકલ કાર્યક્રમોમાં પ્રવેશ લેવા માટે સમજાવી રહી છે. આથી સમાનતા લાવવા માટે એક સિસ્ટમની જરૂર છે.

ખાનગી યુનિવર્સિટીઓને તેમનાં નોન ટેકનિકલ કોર્સીસનું ફીનું માળખું રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવા કહેવામાં આવ્યું છે. જો કે, અમદાવાદની એક ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓ માટે ફી નક્કી કરવી જોઈએ નહીં કારણ કે એક તરફ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) સ્વાયત્તતાની વાત કરે છે અને બીજી તરફ રાજ્ય સરકાર નિયંત્રણ કરવા માગે છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, અમે ચર્ચા કરીને વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લઇશું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસૂચિત જાતિ (એસસી)ના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સામે કેન્દ્રની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપે છે. તે રીતે આદિજાતિ વિકાસ વિભાગ પણ અનુસૂચિત જનજાતિ (એસટી)ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે.આ સ્કોલરશિપ 60:40 છે, જેમાં મોટા ભાગની રકમ કેન્દ્ર દ્વારા એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે આપવામાં આવે છે. સ્કોલરશિપ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના 75:25 ના ગુણોત્તરમાં વહેંચાયેલી છે.

શિક્ષણ વિભાગના આંકડા મુજબ જે યુનિવર્સિટીઓ ઊંચી ફી વસૂલે છે તેમાં અમદાવાદ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જે બી કોમ ઓનર્સ સહિતના મોટાભાગના કોર્સ માટે આશરે રૂ.2.5 લાખ અને ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટમાં ગ્લોબલ એક્ઝિક્યુટિવ માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ માટે રૂ.4.75 લાખ લે છે. અમદાવાદની નિરમા યુનિવર્સિટી બીએ એલએલબી અને બી કોમ એલએલબી માટે સેમેસ્ટર દીઠ રૂ.2.53 લાખ અને બી ડિઝાઇન માટે રૂ.3.35 લાખ ફી વસૂલે છે. જ્યારે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ) ગાંધીનગર બીએ બીબીએ (એચ), બી કોમ (એચ) અને બી એસસી (એચ) પ્રોગ્રામ્સ માટે આશરે રૂ.2.36 લાખ ફી લે છે.

2020માં આ સ્કોલરશિપ યોજનાઓ બંધ થયા પછી વિપક્ષ પણ આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. વારંવારની રજુઆત અને છેવટે અમદાવાદથી ગાંધીનગર સુધીની પદયાત્રા યોજવાની જાહેરાતને પગલે ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાજપ સરકારે આ યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

સુરેન્દ્રનગરના દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે,અમે માર્ચમાં વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ખાતરી આપવામાં આવી હતી કે રાજ્ય સરકાર તેને ચાલુ રાખશે. જો કે, વિદ્યાર્થીઓને હજી સુધી સ્કોલરશિપ મળી નથી. કેન્દ્ર સરકારની 30 માર્ચ, 2021ની રોજ પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ માર્ગદર્શિકા મુજબ, શૈક્ષણિક વર્ષ 2020-’21 થી 2025-’26 દરમિયાન, ફી નિર્ધારણ સમિતિઓ દ્વારા નિર્ધારિત કરાયેલી ફીની જ ભરપાઈ કરવામાં આવશે.

સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે કટેલીક સંસ્થાઓ ભૂતિયા વિદ્યાર્થીઓ દ્વારા સ્કોલરશિપનો દુરૂપયોગ કરે છે. જો એવું હોય તો સરકારે તેમની સામે પગલાં લેવાં જોઈએ, પરંતુ સરકાર કાર્યવાહી નહીં કરે, કારણ કે તેમાંની મોટાભાગની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તેમના દ્વારા જ ચલાવવામાં આવે છે. અગાઉ સ્કોલરશિપની રકમ સીધી કોલેજો કે યુનિવર્સિટીઓને આપવામાં આવતી હતી જેમાં લાભાર્થીઓની નોંધણી કરવામાં આવતી હતી. પરંતુ 2020થી રાજ્ય સરકાર તેને વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવી રહી છે. એવા કિસ્સાઓ પણ છે કે જ્યારે માતાપિતા રકમ ઉપાડે છે અને વિદ્યાર્થીઓ પાસે કશું જ બાકી રહેતું નથી.

રાજ્ય સરકારના આંકડા મુજબ, એસસીના 2,000 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં નોન-એફઆરસી અથવા નોન-ટેક્નિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ લે છે. આમ, કુલ 6,૦૦૦ વિદ્યાર્થીઓ (પ્રથમથી ત્રીજા વર્ષમાં) પ્રવેશ મેળવે છે.

એ જ રીતે એસટી કેટેગરીમાં ખાનગી સંસ્થાઓમાં નોન એફઆરસી પ્રોગ્રામ્સમાં 4,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે, એટલે કે દર વર્ષે 12,૦૦૦ વિદ્યાર્થીઓ પ્રથમથી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

Your email address will not be published.