સુરતઃ સુરતમાં ગ્રીષ્મા વેકરિયા કેસમાં કોર્ટે ફેનિલની સજાનો ઓર્ડર અનામત રાખ્યો છે અને તેની જાહેરાત તે પાંચમી મેના રોજ કરશે. આજે કોર્ટમાં બંને પક્ષકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજના દિવસોમાં રજૂઆત સાંભળનારી કોર્ટે હવે પછી તે પાંચમી મેના રોજ આ કેસનો ચુકાદો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને 26મી એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બચાવ પક્ષના વકીલે ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તે માટે દલીલ કરી હતી. જ્યારે સરકારી વકીલે ફેનિલને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી અથવા તો એટલી ક્રૂર સજા કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરતા અચકાય તેવી માંગ કરી હતી.
સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને 302 સહિતની વિવિધ કલમો માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરતની કોર્ટના ન્યાયાધીશે પણ ફેનિલને દોષિત જાહેર કર્યો છે. હવે તેને કેટલી સજા કરવી તે જ નક્કી કરવાનું છે. સુરતની કોર્ટે ઘટનાનો વિડીયો વારંવાર જોયા પછી જાહેર કર્યુ હતું કે આરોપીએ બીજુ ચપ્પુ પોતાની પાસે પેન્ટમાં રાખ્યું હતું.
આ ઉપરાંત કોર્ટે પણ માન્યુ કે કોઈ પ્રોફેશનલ કિલરની જેમ જ હત્યાનો અંજામ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 12મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ સરેઆમ જાહેરમાં હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. તેના પછી તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15મી ફેબ્રુઆરીના રોજ સારવાર પછી ફેનિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળતા ફેનિલે પોલીસને ધરપકડ કરી હતી.
16મી ફેબ્રુઆરીના રોજ જ સિટની રચના કરવામાં આવી હતી. 17મી ફેબ્રુઆરીએ ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું. 19મી ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂરા થતા ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન તે પણ જાણવા મળ્યું હતું કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 રાઇફલ ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. કોર્ટે બંને પક્ષો સાંભળી અને બધા પુરાવા તપાસી ફેનિલને 21મી એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો.