ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર બટાકા જેવો આકાર ધરાવતો ગ્રહ શોધ્યો

| Updated: January 13, 2022 11:26 am

તમામ ગ્રહો (Planet) ગોળ દડા જેવા હોય છે તેવું આપણે માનીએ છીએ જોકે ખગોળશાસ્ત્રીઓએ WASP-103b નામનાં એક ગ્રહને શોધી કાઢ્યો છે જેનો આકાર બટાકા જેવો છે.

WASP-103b ગ્રહ (Planet) પૃથ્વીથી 1500 પ્રકાશ વર્ષ દૂર એફ પ્રકારના તારાની આસપાસ સ્થિત છે. આ તારો સૂર્ય કરતાં વિશાળ છે, અને બટાકા જેવો ગ્રહ પણ ગુરુ કરતાં દોઢ ગણો મોટો છે. ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે મંગળવારે એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સમાં વિચિત્ર આકારનાં સૌ પ્રથમ ગ્રહની વિગતો પબ્લિશ કરી છે.

આ ગ્રહ (Planet) તારાની નજીક 20,000  માઇલથી પણ ઓછા અંતરે હોવાથી WASP-103bનો આકાર આવો છે. જેની સરખામણી ખગોળશાસ્ત્રીઓએ રગ્બી બોલ સાથે કરી છે. તે થોડો ઈંડા કે બટાકા જેવો પણ લાગે છે.

આપણા સૂર્યમંડળનાં પૃથ્વી સહિતનાં ગ્રહો (Planet) સૂર્યથી લાખો માઈલના અંતરે આવેલા છે, અને ગ્રહોને સૂર્યની એક સંપૂર્ણ ભ્રમણકક્ષા પુરી કરવામાં મહિનાઓ કે વર્ષો લાગે છે. પૃથ્વીને એક વર્ષ લાગે છે. પરંતુ હોટ જ્યુપિટર તરીકે ઓળખાતા એક્સોપ્લેનેટ્સનું જૂથ તેમના તારાઓની પરિક્રમા દિવસોમાં અને ક્યારેક થોડા કલાકોમાં કરે છે.

હોટ જુપીટર કે જે એક દિવસ કરતાં ઓછા સમયમાં તેમના તારાની પરિક્રમા કરે છે તેને અલ્ટ્રા-શોર્ટ-પીરિયડ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે.ખગોળશાસ્ત્રીઓને 2014 માં WASP-103bની ભાળ મળી હતી.તે તેમણે જોયું હતું કે ગ્રહ તારાની નજીક હોઇ તાણ(ટાઇડલ સ્ટ્રેસ)નો અનુભવ કરે છે.

જ્યારે તેની શોધ થઈ, ત્યારે વિજ્ઞાનીઓને શંકા હતી કે તેનો આકાર અસામાન્ય હોઇ શકે છે. યુરોપિયન સ્પેસ એજન્સી અને નાસાના હબલ અને સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ્સના ડેટાનો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓની ટીમે WASP-103b ના વિચિત્ર આકારને બનાવ્યો.

આ ગ્રહ (Planet) શોધવાની એક સામાન્ય પધ્ધતિ છે જેમાં દૂરબીન દૂરના તારાની સામેથી પસાર થતાં  એક્સોપ્લેનેટની રાહ જુએ છે અને નોંધ કરે છે કે તે સમયે તારો કેટલો ઝાંખો લાગે છે. તેનાં આધારે ગ્રહ કદ સહિત ઘણી બધી માહિતી મળે છે. જોકે ગ્રહનો આકાર નક્કી કરવા માટે પ્રકાશનાં વળાંકો(લાઇટ કર્વ્સ)નું વિશ્લેષણ કરવામાં આવે છે.

આના જેવો ગ્રહ શોધવો દુર્લભ છે.જેમ કે WASP-12b  સમાન કદનો ગ્રહ છે, લંબચોરસ આકાર ધરાવે છે અને તે સમાન ભ્રમણકક્ષાનો સમયગાળો ધરાવે છે. પરંતુ તેના તારા દ્વારા તેને તોડવામાં આવી રહ્યો છે.

યુનિવર્સિટી પેરિસ સાયન્સ એટ લેટ્રેસના ખગોળશાસ્ત્રી અને સંશોધનના સહ-લેખક, જેક્સ લસ્કર કહે છે કે, આ પ્રકારનું એનાલિસિસ પ્રથમ વખત થયું છે, અને લાંબા સમયનાં અવલોકનથી  ગ્રહની આંતરિક રચનાની વધુ જાણકારી મળશે તેવી અમને આશા છે.

અત્યાર સુધીમાં ખગોળશાસ્ત્રીઓએ 4,884 ગ્રહો શોધી કાઢ્યા છે. આ બધા ગ્રહો વિવિધ આકાર, કદ ધરાવે છે. તેની માહિતી ગ્રહો કેવી રીતે રચાય છે અને આપણાં જેવી સિસ્ટમ કેવી રીતે બને છે તે જાણવામાં મદદ કરે છે.

WASP-103b ના વધુ અભ્યાસો ખગોળશાસ્ત્રીઓને ગ્રહની આંતરિક રચના અને તે વિશ્વના વાતાવરણને તે કેવી રીતે અસર કરે છે તે સમજવામાં મદદ કરશે. તેનાથી એ જાણવામાં પણ મદદ મળશે કે ગ્રહ ખરેખર, તારાથી દૂર જઈ રહ્યો છે અને તેનું કારણ શું હોઈ શકે છે.તાજેતરમાં લોંચ કરાયેલું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ WASP-103b  અને સમાન ભરતી-તણાવવાળા ગ્રહોને વધુ સારી જોઈ શકે છે.

Your email address will not be published.