7 દાયકામાં પ્રથમવાર એક ગુજરાતી UPSCના ટોપ-10માં, જાણો કાર્તિકની સફળતાની કહાની

| Updated: September 25, 2021 5:03 pm

સફળતા જીંદીગીની હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી

7 દાયકાઓ બાદ પ્રથમવાર એક ગુજરાતીને દેશની સર્વોચ્ચ પરીક્ષામાં ટોપ-10માં જોવાથી કયા ગુજરાતીને ગૌરવ ન થાય? સિવીલ સર્વિસ 2020ના પરિણામોમાં આ વર્ષે ગરવી ગુજરાતને અનોખુ ગૌરવ મળ્યું છે. ડાયમંડ સીટીના સાચા હીરાની ચમક રાજ્યભરમાં પ્રસરી છે. અમે વાત કરી રહ્યા છીએ UPSC AIR-8 કાર્તિક જીવાણીની.  

યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ-2020ની પરીક્ષામાં આ વર્ષે ગુજરાતનું હીર પણ ટોપ-10માં ઝળક્યું છે. સુરતના કાર્તિકે ટોપટેનમાં સ્થાન હાંસલ કરી ઉંચી સિદ્ધી હાંસલ કરી છે. સિવીલ સર્વિસીઝ 2020ના પરિણામોમાં કાર્તિકે ઓલ ઈન્ડિયામાં 8મો રેન્ક હાંસલ કરી ઈતિહાસ રચ્યો છે.

કાર્તિક જીવાણીએ UPSCની તમામ તૈયારીઓ સુરતથી જ કરી હતી. તેણે અન્ય વિદ્યાર્થીઓની જેમ દિલ્હી કે બીજે ક્યાંય કોચિંગ ક્લાસ કર્યા ન હતા પરંતુ ઓનલાઇન ક્લાસીસ જ કરતો હતો. દિલ્હીના તમામ UPSCના ઓનલાઇન ક્લાસીસની સુરતથી જ સમિક્ષા કરી તૈયારી કરતો હતો. IIT મુંબઈથી એન્જિનિયરિંગ પાસ કરનાર કાર્તિકે ધોરણ 12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં જ કર્યો હતો.

હિંમતે મર્દા તો… 

પ્રથમ ટ્રાયલમાં નાપાસ રહેલા કાર્તિકે અગાઉ 2019માં કાર્તિક જીવાણીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી ત્યારબાદ વર્ષ 2020માં પણ ઉત્તીર્ણ થયો હતો. પરંતુ બંને વાર IAS બનતા-બનતા રહી ગયો, અને એ પણ માત્ર એક જ માર્કથી. પરંતુ તેણે હિંમત ન હારી, સતત પ્રયાસ ચાલુ રાખ્યા અને ત્રીજી પ્રયત્ને સમગ્ર દેશમાં આઠમો ક્રમ પ્રાપ્ત કરીને પોતાનું સપનુ સાકાર કરી ગુજરાતનું ગૌરવ પણ વધારી દીધુ.

માતા-પિતાને આપ્યો સફળતાનો શ્રેય

કાર્તિક જીવાણી રોજ આઠથી દસ કલાકનું વાંચન કરતો હતો. આખી રાત વાંચતો તેને મળેલી અપ્રતિમ સફળતાનો શ્રેય તે માતા-પિતાને આપે છે. કાર્તિક જણાવે છે કે, જ્યારે હું આખી રાત વાંચતો હતો ત્યારે મારી સાથે મારી મમ્મી પણ જાગતા હતા. તેઓ મને અડધી રાતે પણ ચા બનાવી આપતા હતા. તેમના કારણે જ આજે હું આ પરીક્ષાને પાસ કરી શક્યો છું.

સફળતાની કહાની, કાર્તિકની જુબાની

‘1994માં સુરતમાં પ્લેગ આવ્યો ત્યારે મારો જન્મ થયો હતો. એ વખતે સુરતમાં પ્રસૂતિ કરાવનાર ડોક્ટર પણ હાજર નહોતા. તત્કાલિન સુરતની વાતો સાંભળેલી જેમાં એસ.આર. રાવ નામના પાલિકા કમિશનરે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાખી હતી. રાવ સાહેબની કામગીરીની વાતો સાંભળીને મને પણ IAS બનવાની પ્રેરણા મળી હતી. પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મુંબઈની IITમાંથી મિકેનિકલમાં બીટેક થયો. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું છે.

2019માં હૈદરાબાદમાં IPSની ટ્રેનિંગ ચાલતી હોવાથી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઓછો સમય મળતો હતો. જોકે, એકવાર પરીક્ષા પાસ કર્યા બાદ આત્મવિશ્વાસ વધી ગયો હતો. ધોરણ 1થી 8માં મેં ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. સ્પોકન ઈંગ્લીશના ક્લાસ કરીને અંગ્રેજી પાક્કુ કર્યું હતું. મહેનતની સાથે પ્રેક્ટિકલ પોઈન્ટ ભુલી જાવ તો મહેનત વ્યર્થ થઈ જાય છે. હું રોજ માત્ર 8થી 10 કલાક જ પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે મને કંટાળો આવતો ત્યારે યુપીએસસી પાસ કરેલા ઓફિસર્સના વિડિયો જોઈ પોતાની જાતને મોટીવેટ કરતો હતો.

પ્રથમ ટ્રાયલમા યુપીએસસીની પરીક્ષા પાસ ન થતાં હું અઠવાડિયા સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. ત્યારે મેં વિચાર કર્યો કે, હું નાપાસ કેવી રીતે થયો? લખવાની સ્પીડ ઓછી હોવાને કારણ હું નાપાસ થયો હતો. ત્યાર બાદ ઘરે એક બેન્ચ મુકાવી અને તેના પર જ ટાઇમ પર ટેસ્ટ પેપર આપવાની પ્રેક્ટીસ કરી હતી. આવી રીતે પેપરની પ્રેક્ટિસ કરીને વર્ષ 2019માં પ્રથમ વખત મે યુપીએસસી પરીક્ષા પાસ કરી દેશમાં 94મો ક્રમ અને ગુજરાતમાં પહેલા ક્રમે આવ્યો હતો. ત્યાર બાદ મને વાંચવાની અને લખવાની પ્રેક્ટિસ પડી ગઈ હતી.

Your email address will not be published. Required fields are marked *