VNSUના પૂર્વ કુલપતિએ એમ.પી રાજ્યપાલના OSD તરીકે ચાર્જ લેતા વિવાદ

| Updated: July 15, 2021 7:17 pm

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બે ટર્મ કુલપતિ રહ્યા બાદ નિવૃત થયેલા ડો. દક્ષેશ ઠાકરની મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. નિમણૂંકની સાથે જ ડો. દક્ષેશ ઠાકર વિવાદોમાં ઘેરાઈ ગયા છે અને શિક્ષણવિદોમાં રોષ પણ જોવા માટે મળી રહ્યો છે.

મધ્યપ્રદેશ રાજ્યપાલના ઓએસડી- દક્ષેશ ઠાકર

ડો. દક્ષેશ ઠાકરના કાર્યકાળમાં ડીન રહી ચૂકેલા એક શિક્ષણવિદે જણાવ્યું હતું કે, ડો. ઠાકર પોતાનો રાજકીય રોટલો હવે શેકી રહ્યા છે. મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશ રાજ્યપાલ તરીકે નિમણૂંક કરાતા તેઓ મીઠાઈનો ડબ્બો લઈને પહોચી ગયા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓ જયારે કુલપતિ પદે હતા ત્યારે પણ તેઓ યુનિવર્સિટીના નામની લીટી મોટી કરવાના બદલે પોતાના નામની લીટી વધારી પોતાનું “કદ” મોટું કર્યું હતું અને તેમાં તેમને સફળતા મેળવી હતી.

સૂર્યકાંત શાહ, કે જેઓ શિક્ષણ વિદ છે અને તેમણે જણાવ્યું હતું કે, કુલપતિનું પદ કેબિનેટના મંત્રીના સમકક્ષ હોય છે. પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરે મધ્યપ્રદેશના રાજ્યપાલના ઓએસડી બનવું જોઈએ નહીં. તેમણે પોતાના પૂર્વ કુલપતિનું સ્ટેટસ જાળવી રાખવું જોઈએ અને તેમણે આ પદ લેવું ન જોઈએ.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વાઈબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું  હતું કે, દક્ષેશભાઈ ઠાકરની સાહિત્ય અને શિક્ષણજગતમાં તેમની કામગીરી સારી હતી પરંતુ કુલપતિના સર્વોચ્ચ પદ પર રહી ચૂકેલા વ્યક્તિ મધ્યપ્રદેશ રાજ્યપાલના ઓએસડી બને તે કુલપતિ પદના સન્માન અને ગૌરવની વિરુદ્ધ છે. તેમણે આવા બધા પદથી દૂર રહેવું જોઈએ. સરકારે તેમની સેવાનો લાભ લઇ સારી જગ્યાએ શૈક્ષણિક કાર્ય કરી શકે તેવી જગ્યાએ ગોઠવવા જોઈએ.  આ નિમણૂંકો RSS ના ઈશારે થઇ રહી છે. મધ્યપ્રદેશનું રાજભવન RSSના હિસાબે ચાલે એ પ્રકારે કામગીરી ચાલી રહી છે. રાજ્યપાલનું પદ બંધારણીય પદ છે અને તેના પર RSSના લોકો કબજો મેળવી રહ્યા છે તે ચાલ મોદી સરકારની છે અને આ નાગપુરને ઈશારે થયેલી નિમણૂંક છે તેવું તેમણે જણાવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે વાઈબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો દક્ષેશભાઈ ઠાકરની ટર્મ પૂર્ણ થઇ ગઈ છે. તેઓ ખૂબ જ કેપેબલ માણસ છે અને મધ્યપ્રદેશના રાજ્યપાલે તેમની અસરકારક કાર્યક્ષમતાને આધારે નિમણૂંક કરી છે જે સહેજે પણ વિવાદાસ્પદ નથી. વાઈસ ચાન્સેલરના પદ પર હોય અને પદને વિરુદ્ધ જઈ કોઈ કાર્ય કરે તો ચોક્કસપણે એક્શન લઇ શકાયા હોત. તેઓ હવે કુલપતિ પદે નથી અને સામાન્ય નાગરિક છે જેથી તેઓ કોઈ નિર્ણય લે ખોટો ન હોઈ શકે અને તેમની શક્તિનો પૂરો ઉપયોગ થઇ શકશે.

ભાજપ પ્રવક્તા યમલ વ્યાસ

વાઈબ્સ ઓફ ઇન્ડિયાએ આ મુદ્દે પૂર્વ કુલપતિ અને મધ્યપ્રદેશના ઓએસડી ડો.દક્ષેશ ઠાકરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ આ અંગે કોઈ કોમેન્ટ કરવા નથી ઇચ્છતા તેવું તેમણે જણાવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *