કોરોનાની ચોથી લહેરનો ધમધમાટઃ દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો

| Updated: April 29, 2022 1:12 pm

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ચોથી લહેરનું આગમન થઈ ચૂક્યું હોવાનું નિષ્ણાતો માને છે. તેનો જ સંકેત આપતા હોય તેમ કોરોનાના કેસોમાં એક જ દિવસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં એક જ દિવસોમાં કોરોનાના 3,377 કેસ નોંધાયા છે અને તેમા 60ના મોત થયા છે. તેની સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 17,801 થઈ ગઈ છે, એમ આરોગ્ય મંત્રાલયે શુક્રવારે અપડેટ કરેલા આંકડામાં જણાવ્યું હતું.

નવા 60 મોતની સાથે દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો વધીને 5,23,753 થઈ ગયો છે. જો કે દેશમાં કોરોનાના સક્રિય કેસોનો આંકડો હાલમાં કુલ સક્રિય કેસોના 0.04 ટકા જ છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ કેસોની સંખ્યામાં 821નો વધારો થયો છે. હાલમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ 0.71 ટકા છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.63 ટકા છે.

કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળા પાછળ જોઈએ તો દેશના મહાનગરો અને તેમા પણ ખાસ કરીને દિલ્હીમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. દિલ્હીમાં દૈનિક ધોરણે પાંચસોથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. તેમા પણ એપ્રિલના અંતિમ સપ્તાહમાં અમુક દિવસથી તો દૈનિક કેસની સંખ્યા હજારને વટાવી ગઈ છે. આ સંજોગોમાં સરકારે ફરીથી બધાને માસ્ક પહેરવાનો આદેશ જારી કરવો પડ્યો છે. આ પહેલા પહેલી એપ્રિલે સરકાર માસ્ક ફરજિયાત ન હોવાનો આદેશ બહાર પાડ્યો હતો.

ચીનમાં કોરોનાના લીધે પરિસ્થિતિ વિપરીત બની ગઈ છે અને દેશમાં લગભગ પંદર કરોડ લોકોએ લોકડાઉનમાં રહેવું પડ્યુ છે તે જોતાં કોરોનાની ચોથી લહેર માટે જરા પણ નિષ્કાળજી પાલવશે નહી. આ સંજોગોમાં કેટલાય નિષ્ણાતોએ જણાવ્યું છે કે કોરોનાની ચોથી લહેર ટાળવી હોય તો બૂસ્ટર ડોઝનો તફાવત નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરવો જોઈએ. આમ થશે તો જ કોરોનાની ચોથી લહેર તીવ્ર બને તે પહેલા વસ્તીના મોટા હિસ્સાનું રસીકરણ પૂરુ કરી શકાશે. હાલમાં દેશમાં 187 કરોડ ડોઝ અપાઈ ગયા છે અને મેના અંત સુધીમાં 200 કરોડનો ડોઝ પૂરા થઈ શકે છે. આ ઉપરાંત હજી બાળકોને તો રસીના ડોઝ આપવાનો પ્રારંભ જ કર્યો છે અને તેના અત્યાર સુધીમાં પાંચ કરોડ ડોઝ અપાયા હોવાનું કહેવાય છે.

Your email address will not be published.