સરદારનગરની યુવતીને ઓનલાઇન અડધી કિંમતે વસ્તુઓ મળશે તેમ કહી ઠગે 40 લાખની પડાવ્યા

| Updated: April 11, 2022 8:52 pm

છેલ્લા કેટલાક સમયથી લોકો ઓનલાઇન ખરીદીના રવાડે ચઢ્યા છે તેમાં અનેક લોકો સાથે રોજ બરોજ કોઇને કોઇ બાબતે ઠગાઇ થતી હોવાની ઘટના સામે આવી રહી છે. ખાનગી વેબસાઇટ પર અડધાભાવે વસ્તુઓ આપવાની લાલચ આપી સરદારનગરની યુવતી પાસે 40 લાખથી વધુની ઠગાઇ આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીએ એમેઝોન પરથી સસ્તામાં વસ્તુઓ ખરીદવા માટે એક પછી એક રોકડ તથા ગુગલ પેથી રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ઓનલાઇન ઠગાઇના સંખ્યાબંધ કિસ્સા રોજ બની રહ્યાં છે. ખાનગી વેબસાઇટ પર વસ્તુઓને અડધા ભાવમાં આપવાની લાલચ આપીને 40 લાખની ઠગાઇની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે યુવતીએ સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપી સામે તપાસ શરૂ કરી છે.

સરદારનગર વિસ્તારમાં આવેલા કુબેરનગરની એક સોસાયટીમાં ભાવિકા લાલવાણી પરિવાર સાથે રહે છે અને ભાવિકા એક ખાનગી કંપનીમાં સિનિયર પ્રોસેસર ટ્રેનર તરીકે નોકરી કરે છે. 2020માં તેની ઓળખાણ એક યુવતી સાથે થઇ હતી. તેણે જીશાનઅલી મહમદ યુસુફ અંસારી (રહે. સમીર રેસિડેન્સી, સરખેજ) વિશે વાત કરી હતી અને તે એમેઝોન સહિતની ખાનગી વેબસાઇટ પરથી 50 ટકા કિંમત અને 30 થી 35 દિવસમાં વસ્તુઓ મંગાવી આપે છે. આમ તારે કે અન્ય કોઇને વસ્તુઓ જોઇતી હોય તો હું વાત કરી લઇશ. આમ જીશાને મંગાવી આપેલી વસ્તુઓ પણ ભાવિકાને બતાવ હતી અને વિશ્વાસ કેળવ્યો હતો.

30 જુન 2020માં જીશાન પાસે 42 હજારની કિંમતનો મોબાઇલ એમેઝોનમાંથી માત્ર 29 હજારમાં મંગાવ્યો હતો. આ ફોન લેતા ભાવિકાને વિશ્વાસ આવી ગયો હતો. આમ ભાવિકાએ તેની અને સબંધીઓ માટે ઘડિયાળ, એસી, ટીવી, વોશિંગ મશીન, મોબાઇલ ખરીદી કરવા માટે ઓન લાઇન તેમજ રોકડેથી પૈસા આપ્યા હતા. આમ ભાવિકા સાથે જીશાને 40 લાખથી વધુની ઠગાઇ આચરી હતી અને આમ વારંવાર ભાવિકાએ પૈસા માંગતા તે આપતો ન હતો આવશે ત્યારે પૈસા આપીશું તેમ જણાવતો હતો. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

Your email address will not be published.