અબુધાબીની આઈએચસી અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓમાં 15,400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

| Updated: April 9, 2022 12:59 pm

અબુ ધાબીની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (આઇએચસી) અબજોપતિ ગૌતમ અદાણીની માલિકીની ત્રણ કંપનીઓમાં બે અબજ ડોલર (રૂ. 15,400 કરોડ)નું રોકાણ કરશે.આ રોકાણમાંથી 7,700 કરોડ રૂપિયાનો સૌથી મોટો હિસ્સો ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝને મળશે, જ્યારે અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીને પ્રત્યેકને 3,850 કરોડ રૂપિયાની રકમ મળશે. આ ભંડોળનો ઉપયોગ ત્રણેય કંપનીઓના બિઝનેસને વધારવા તેમજ તેમની બેલેન્સશીટને મજબૂત બનાવવા કરાશે.

અબુ ધાબી દ્વારા નોન-ઓઇલ સેક્ટર માટે સ્થાપવામાં આવેલી આઇએચસીનો આશરે રૂ .2.4 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી અદાણી એન્ટરપ્રાઇઝિસમાં આશરે 4 ટકા હિસ્સો રહેશે, જ્યારે અદાણી ટ્રાન્સમિશનમાં 1.4 ટકા અને અદાણી ગ્રીનમાં 1.3 ટકા હિસ્સો ધરાવશે. અદાણી ટ્રાન્સમિશનની માર્કેટ કેપ લગભગ રૂ.2.8 લાખ કરોડ છે. જ્યારે અદાણી ગ્રીનનું માર્કેટ વેલ્યુએશન 3.6 લાખ કરોડ રૂપિયા છે. મુંબઇની ત્રણ લિસ્ટેડ કંપનીઓ આઇએચસીને પ્રેફરેન્શિયલ શેર્સ ઇશ્યૂ કરશે. આ રોકાણ શેરહોલ્ડર અને રેગ્યુલેટરી મંજૂરીઓને આધિન છે.

ગૌતમ અદાણીના ભત્રીજા અને અદાણી ગ્રીનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, આ એક લેન્ડમાર્ક ટ્રાન્ઝેકશન છે. તે અદાણી ગ્રુપ અને આઈએચસી વચ્ચેના ગાઢ સંબંધોની શરૂઆત કરશે અને તે યુએઈથી ભારતમાં વધુ રોકાણને આકર્ષિત કરે છે. જો કે, તેમણે આઇએચસી પોર્ટ-ટુ-પાવરનાં અન્ય કોઈ બિઝનેસમાં રોકાણ કરશે કે કેમ તેની ખાસ માહિતી આપી ન હતી.

આઇએચસીનાં સીઇઓ સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે, ભારતમાં આ લાંબા ગાળાનું રોકાણ હશે કારણ કે દેશ વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી સેક્ટર સહિત ઘણી નવીનતા લાવી રહ્યો છે. ગ્રીન એનર્જીમાં રોકાણ પર આટલું સારું વળતર મેળવવાની આવડી મોટી તક પહેલા ક્યારેય નહોતી.

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના વાઇસ-પ્રેસિડેન્ટ સ્પેન્સર એનજીએ જણાવ્યું હતું કે, ઇક્વિટીની આવક અદાણી ટ્રાન્સમિશનના ક્રેડિટ મેટ્રિક્સ પરના કેટલાક દબાણને દૂર કરવામાં મદદ કરશે, જે આગામી ત્રણ-ચાર વર્ષમાં પ્રોજેક્ટ્સની પાઇપલાઇનને કારણે થયું છે. સૂચિત રોકાણ અદાણી જૂથના ગ્રીન પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવામાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો રસ દર્શાવે છે. ગત નવેમ્બરમાં, ગ્રુપે ગ્રીન ડેટા સ્ટોરેજમાં વર્લ્ડ લીડર બનવા અને દુનિયામાં સૌથી સસ્તા હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા આગામી દાયકામાં 70 અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી હતી.

Your email address will not be published.