ગુજરાત: કોરોનાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજી ડૉકટર્સના એકસપર્ટ ગૃપ સાથે ઉચ્ચસ્તરીય બેઠક

| Updated: January 18, 2022 10:31 pm

રાજ્યમાં કોરોનાએ વિકરાળરૂપ ધારણ કરી લીધું છે અને રાજ્યમાં મંગળવારે ત્રણેય લહેરમાં પહેલીવાર સૌથી વધુ 17 હજાર 119 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યમાં કોવિડ-19 સંક્રમણને લઈ નિયંત્રણ, ઉપાયો, સારવાર તેમજ સૂચનો માટે સરકારને મદદરૂપ થવા માટે રચાયેલા ડૉકટર્સના એકસપર્ટ ગૃપ સાથે ઉચ્ચસ્તરીય બેઠક મંગળવારના રોજ ગાંધીનગરમાં યોજાઈ હતી. ઉચ્ચસ્તરીય બેઠકમાં કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞ-તબીબો, મંત્રીઓ, વરિષ્ઠ સચિવો હાજર રહ્યાં હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞ તબીબો, મંત્રીઓ, વરિષ્ઠ સચિવો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી દિવસોની સંભવિત સ્થિતીને ધ્યાને રાખી રાજ્યમાં સતર્કતા, સજ્જતા, જનજાગૃતિ અને ભાવિ રણનીતિના આગોતરા આયોજનની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

કોરોના અને કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની સ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથેજ તજજ્ઞ તબીબોએ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી સામે મત વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક-સેનિટાઇઝર (SMS) અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવા માટે જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવામાં આવે.

કોવિડ ટાસ્કફોર્સ સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનજાગૃતિ માટે રાજ્યમાં આવશ્યક પગલાં લેવા મત વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટેના પહેલી બે લહેરના અનુભવોના આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ સુગ્રથિત કરવા અને બાકી રહેલા લોકોનું ઝડપથી વેક્સિનેશન કરવા તેમજ આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવશે.

Your email address will not be published.