ગુજરાતઃ દેશમાં ફાઉન્ડ્રી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર પણ ધૂંધળું ભાવિ

| Updated: April 15, 2022 4:41 pm

અમદાવાદઃ ગુજરાતમાં ફાઉન્ડ્રી ઉદ્યોગની સ્થિતિ ઘણી ખરાબ છે. ગુજરાતના અડધા ઉપરાંતના ફાઉન્ડ્રી ઉદ્યોગ બંધ થઈ ગયા છે અને નજીકના ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસે તેમ માનવામાં આવે છે. ભારતમાં કુલ પાંચ હજાર ફાઉન્ડ્રી એકમ છે અને તેમા એકલા ગુજરાતનો ફાળો જ 30 ટકા છે. તેના પરથી જ આ ઉદ્યોગમાં તેના પ્રભુત્વનો અંદાજ આવે છે. જ્યારે એકમોના ટર્નઓવરની વાત આવે ત્યારે ગુજરાતનો ફાઉન્ડ્રી ઉદ્યોગ પહેલા ક્રમે આવે છે. બાહ્ય પરિબળોના કારણે ભારતમાં આ ઉદ્યોગ હવે અત્યંત કપરી સ્થિતિમાં છે. જ્યારે વાસ્તવમાં ફાઉન્ડ્રીની માંગ તો રોગચાળા પૂર્વે હતી તે કરતાં પણ વધારે છે તે હકીકત હોવા છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે.

ફાઉન્ડ્રી- પેરેન્ટ ઉદ્યોગ

ફાઉન્ડ્રી ઉદ્યોગ દેશના બધા ઉદ્યોગોની ગંગોત્રી છે. ઓટો, ટ્રેક્ટર, રેલવેઝ, મશીન ટૂલ્સ, સેનિટરી, પાઇપ ફિટિંગ્સ, ડિફેન્સ, એરોસ્પેસ, અર્થમૂવિંગ, ટેક્સ્ટાઇલ સિમેન્ટ, ઇલેક્ટ્રિકલ, પાવર મશીનરી, પમ્પ્સ-વાલ્વ્સ અને વિન્ડ જનરેટર બધાનો આધાર ફાઉન્ડ્રી ઉદ્યોગ પર છે. આ ઉદ્યોગનું ટર્નઓવર હાલમાં 19 અબજ ડોલર છે અને તેમા નિકાસનો ફાળો 3.1 અબજ ડોલર છે.

ઓટોમોબાઇલ સેક્ટરનો આધાર મોટાપાયા પર કાચા માલ માટે ફાઉન્ડ્રીમેન પર છે. આ ઉદ્યોગમાં પ્રવર્તતી કટોકટની અસર આગામી સમયમાં બીજા ઉદ્યોગો પર પણ પડી શકે છે.

ગુજરાતમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ

અમદાવાદ અને રાજકોટ ફાઉન્ડ્રી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર છે અને રાજ્યમાં તે સૌથી વધુ પ્રદાન આપનારા છે. જામનગર અને ભાવનગર સૌથી મોટા નોન-સલ્ફર ફાઉન્ડ્રી યુનિટ્સ છે. ભારતમાં આવા કુલ ચાર હજાર એકમમાંથી 90 ટકાનું વર્ગીકરણ નાના અને મધ્યમ કદના ઉદ્યોગ (એમએસએમઇ) તરીકે કરી શકાય.

કાચા માલના ભાવમાં વધારો

ભારતીય ફાઉન્ડ્રી કોંગ્રેસના સેક્રેટરી અમદાવાદ સ્થિત સુબોધ પંચાલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં કાચા માલના ભાવમાં 50 ટકા વધારો થયો છે. આજે ફાઉન્ડ્રી બંધ કરવા કરતા તેને ચલાવવાનો ખર્ચ વધારે આવે છે. આમ ફાઉન્ડ્રી બંધ રાખવામાં આવે તો નુકસાન તો છે, પણ ચાલુ રાખો તો વધારે નુકસાન છે. પિગ આયર્ન, સ્ક્રેપ, કેમિકલ્સ રેતી અને અન્ય કાચો માલ મોંઘો થયો છે. અગાઉ ફાઉન્ડ્રી એકમ ચલાવવા માટે 20 લાખ રૂપિયાની કાર્યશીલ મૂડીની જરૂર પડતી હતી, આજે આ રકમની જરૂરિયાત 30 લાખથી પણ વધી ગઈ છે.

નવેમ્બર 2021માં પિગ આયર્નના ભાવ પ્રતિ કિલો 44 હતા, પણ માર્ચ 2022ના અંતે તે વધીને પ્રતિ કિલોગ્રામ 68 રૂપિયા થયા છે.

આંતરરાષ્ટ્રીય અસર

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી કટોકટીએ પણ બજાર પર અસર પાડી છે. રશિયા અને યુક્રેન વિશ્વમાં પિગ આયર્નના કાચા માલના સૌથી મોટા નિકાસકારોમાં એક છે. બંને વચ્ચે ચાલતા યુદ્ધના લીધે આ દેશો વચ્ચે નિકાસ અટકી ગઈ છે અને તેના લીધે આ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજું ભારત વિશ્વમાં ફાઉન્ડ્રી ઉદ્યોગમાં ચીન પછી બીજા નંબરે છે. આપણો દેશ ચીનમાંથી આયાત થયેલી ફાઉન્ડ્રીનો ઉપયોગ કાચા માલ તરીકે કરે છે, પરંતુ દેશમાં વીજ કટોકટીના લીધે આ ચેઇન પણ અટકી ગઈ છે.

ઇન્ડિયન ફાઉન્ડ્રી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર જૈને જણાવ્યું હતું કે હવે આત્મનિર્ભર બન્યા વગર છૂટકો નથી. આપણને કોઈ આંતરરાષ્ટ્રીય પુરવઠો મળવાનો નથી. ભાવવધારો આપણા ઉદ્યોગને ખતમ કરી નાખશે, પરંતુ આપણે નિસહાય છીએ.

કાચા માલના લીધે પરિવહન ખર્ચમાં વધારો

ડીઝલના ભાવમાં થયેલો વધારો ઉદ્યોગ માટે મોટો પડકાર છે. ફાઉન્ડ્રી ઉદ્યોગ માટે બેન્ટોનાઇટ આવશ્યક ઉપકરણ છે. તે ગુજરાતમાં કચ્છમાં જોવા મળે છે. તેનો પુરવઠો સમગ્ર ભારતમાં પૂરો પાડવામાં આવે છે. હાલમાં બીજા રાજ્યોમાં બેન્ટોનાઇટના પરિવહનનો ખર્ચ તેના ભાવ કરતાં પણ વધી ગયો છે.

કાચા માલનું પરિવહન ચાર ગણુ વધું મોંઘું થઈ ગયું છે. અમે કચ્છમાં મોટાપાયા પર બેન્ટોનાઇટ ખરીદીએ છીએ અને ઇન્દોરમાં તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હવે અમે અસમંજસની સ્થિતિમાં છે. તેમાથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી, એમ દેવેન્દ્ર જૈને જણાવ્યું હતું.

ધૂંધળું ભવિષ્ય

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ અને રાજકોટના ઉત્પાદન એકમો સપ્તાહમાં ત્રણ દિવસ ચાલે છે. એકમોએ આ કટોકટીને પહોંચી વળવા માટે મોટાપાયા પર છટણી કરવી પડી છે. કેટલાક એકમો પ્રતિ માસ 2.5 કરોડની ખોટ સહન કરી રહ્યા છે.

ફાઉન્ડ્રી ઉદ્યોગ મજૂરલક્ષી ઉદ્યોગ છે. તે સીધા પાંચ લાખ લોકોને પ્રત્યક્ષ અને 15 લાખનો પરોક્ષ રીતે વેન્ડરોના સ્વરૂપમાં્ રોજગારી પૂરી પાડે છે. જો ઉદ્યોગને ફટકો પડશે તો બીજા ઉદ્યોગો અને સામાન્ય પ્રજા પર પણ તેની અસર પડશે.

Your email address will not be published.