ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ડી.જે. પાંડિયન બ્રિક્સની ન્યુ ડેવલપમેન્ટ બેન્કના ડીજી પદે નીમાયા

| Updated: June 24, 2022 12:56 pm

ગાંધીનગરઃ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ ડો. ડી.જે. પાંડિયનની ગિફ્ટ સિટીમાં એનડીબી ઇન્ડિયા રિજનલ ઓફિસના ડિરેક્ટર જનરલના પદે નિમણૂક કરાઈ છે. બ્રિક્સ દેશોની શાંઘાઈમાં મુખ્યમથક ધરાવતી ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (એનડીબી)એ ભૂતપૂર્વ સચિવ ડો. ડી.જે. પાંડિયનને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં ભારતની પ્રાદેશિક કચેરીમાં ડિરેક્ટર જનરલ તરીકે નીમ્યા છે. બેન્કે તાજેતરમાં આ જાહેરાત કરી હતી.

ગયા મહિને બ્રિક્સ દેશોની બેન્ક એનડીબીએ ગિફ્ટ સિટીમાં આઇઆરઓની સ્થાપનાની જાહેરાત કરી હતી. એનડીબીએ ભારતમાં 7.2 અબજ ડોલરના 20 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. હવે પ્રાદેશિક સ્તરે આઇઆરઓ કચેરીની સ્થાપના દ્વારા આ પ્રોજેક્ટ્સના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણને મદદ મળશે. તેની સાથે ઇચ્છિત પ્રોજેક્ટ પરિણામ પ્રાપ્ત કરવા પ્રોજેક્ટ અમલીકરણ એજન્સીઓની જોડે કામ કરવામાં આવશે.

આઇઆરઓ નવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં અને સરકારી સંસ્થાઓને ક્ષમતા નિર્માણ કરવામાં તથા ટેકનિકલ સહાય પૂરી પાડવામાં મદદ કરશે. બેન્કે અખબારી યાદીમાં પાંડિયનની નિમણૂકને ટાંકીને જણાવ્યું હતું કે આઇઆરઓની સ્થાપના એનડીબી માટે એક સીમાચિન્હરૂપ બાબત છે. બેન્કના સ્થાપકો દ્વારા મુખ્ય મથકની બહાર અન્ય ચાર દેશોમાં દરેક દેશમાં પ્રાદેશિક કચેરીઓ સ્થાપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે. બ્રિક્સના ચીન સિવાયના બીજા ચાર દેશો ભારત, રશિયા, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા છે.

તેમણે જણાવ્યું હતું કે પાંડિયને અગાઉ બૈજિંગ સ્થિત એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે સેવા આપી હતી. તેમા ભારત ચીન પછી બીજા નંબરનો સૌથી મોટો શેરધારક દેશ છે. રશિયા પર તાજેતરમાં યુરોપ અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ પછી બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં યોજાયેલી ઓનલાઇન બ્રિક્સ સમિટમાં બ્રિક્સ દેશોએ પારસ્પરિક કારોબાર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેની સાથે-સાથે વૈકલ્પિક પેમેન્ટ મિકેનિઝમ ગોઠવવા પર પણ ભાર મૂક્યો હતો, જેથી પશ્ચિમના પ્રતિબંધોનો અસરકારક રીતે સામનો કરી શકાય.

આના પરિણામે આગામી સમયમાં બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. રશિયા પણ ભારતીય કંપનીઓ તેને ત્યાં વધુને વધુ રોકાણ કરે તેમ ઇચ્છે અને તેણે ભારતની કંપનીઓ માટે ત્યાં દરવાજા ખુલ્લા મૂકી દીધા છે. અમેરિકન અને યુરોપીયન કંપનીઓએ રશિયામાંથી ઉચાળા ભરતા ભારત અને ચીનની કંપનીઓ માટે ત્યાં માર્ગ મોકળો થયો છે.

Your email address will not be published.