GUVNLએ ફક્ત છ વર્ષ જુનો 500 મેગાવોટનો પાવર પ્લાન્ટ ભંગારમાં કાઢી નાખ્યો

| Updated: April 23, 2022 2:03 pm

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશને 500 મેગાવોટનાં માત્ર છ વર્ષ જૂના સિક્કા પાવર પ્લાન્ટને ભંગારમાં લઈ જવાનો નિર્ણય લીધો છે.આયાતી કોલસો મોંઘો પડતો હોવાનું બહાનું આગળ ધરીને આ નિર્ણયે અનેક સવાલો ઉભા કર્યા છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને 500 મેગાવોટનો આ પ્લાન્ટ નાખવા માટે અંદાજે રૂ. 2500 કરોડનો ખર્ચ કર્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી આ પ્લાન્ટમાં એક પણ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું નથી. પ્લાન્ટ બંધ હોવા છતાંય દર વર્ષે તેનાં મેન્ટેનન્સ, કર્મચારીઓના પગાર અને લોનના વ્યાજના ખર્ચ પેટે ગુજરાતના વીજ ગ્રાહકો પાસેથી ફિક્સ્ડ કોસ્ટ તરીકે રૂ. 492 કરોડની વસુલાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 35થી 40 વર્ષ જુના વણાકબારીનાં 1260 મેગાવોટના છ પ્લાન્ટ આજે પણ ચાલુ છે. ઉકાઈના 35થી 42 વર્ષ જૂના 610 મેગાવોટનો પ્લાન્ટ અને ગાંધીનગરનાં 420 મેગાવોટના બે પ્લાન્ટ હજુ ચાલે છે ત્યારે સિક્કા પાવર પ્લાન્ટનો નિર્ણય આશ્ચર્યજનક છે.

ગુજરાત વીજ નિયમન પંચે(GERC)  ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડને સિક્કાના પ્લાન્ટ સંબંધી આગામી દસ વર્ષનો એક્શન પ્લાન 15 મે,2022 સુધી રજૂ કરવા જણાવ્યું હતું. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશને જામનગરના સિક્કા ખાતેના 250 મેગાવોટના પ્લાન્ટને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લીધો હોવાની જર્કને જાણ કરી હોવાનું જાણવા મળે છે. 2021થી આ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ રીતે ગુજરાતના 1.30 કરોડ વીજ વપરાશકારોને માથેથી  વર્ષે રૂ. 2૦૦૦ કરોડનો બોજ ઓછો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સિક્કાનો 250 મેગાવોટનો પહેલો પ્લાન્ટ સપ્ટેમ્બર 2015 અને બીજો પ્લાન્ટ ડિસેમ્બર 2015માં ચાલુ કરાયો હતો. આ પ્રકારનાં પાવર પ્લાન્ટની લાઈફ 25 વર્ષ કે તેનાથી વધુ  હોય છે.

અદાણી અને ટાટા પાવર જેવી કંપનીઓ ઇન્ડોનેશિયાનાં આયાતી મોંઘા કોલસાનો ઉપયોગ કરીને મુન્દ્રા પ્લાન્ટ્સમાં વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની વીજ કંપનીનો જામનગર પ્લાન્ટ બંધ કરવાનાં નિર્ણયે અનેક સવાલો ઉભા કર્યા છે. અદાણી પાવર આયાતી કોલસાનાં આધારે 2400 મેગાવોટ અને ટાટા પાવર 1850 મેગાવોટ વીજળી પુરી પાડે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ગુજરાતની વીજળીની માંગ પુરી કરવા અદાણી પાવર અને ટાટા પાવરની વીજળી ખરીદે છે. આ સંજોગોમાં સિક્કા પ્લાન્ટને ભંગારમાં લઈ જવાનાં બદલે તે પ્લાન્ટનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવાનો આદેશ જર્કે આપવો જોઇએ તેમ નિષ્ણાતો કહી રહ્યા છે. આ પ્લાન્ટને ભંગારમાં લઈ જવાની છૂટ કેમ જર્ક આપી રહ્યું છે તે એક મોટો સવાલ છે.

Your email address will not be published.